if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : ઈશ્વર સહેલાઈથી મળે છે કે મુશ્કેલીથી ?
ઉત્તર : તેનો ઉત્તર તમારા પોતાના પર આધાર રાખે છે. જો તમે તેને માટે આતુર હૃદયે તલસતા હો તો તે તમને સહેલાઈથી મળશે. રામકૃષ્ણ પરમહંસદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે, કલિયુગમાં માણસ ત્રણ જ દિવસ ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થે તો તેને ઈશ્વર મળી શકે છે. આવા મહાન પુરૂષની વાણી ખોટી ના હોય. પણ એવી વ્યાકુળતા જોઈએ. ઈશ્વરને માટે ભોગ આપવાની શક્તિ જોઈએ. તમન્ના જોઈએ. આ બધું ના હોય ને ધીરે ધીરે ગાડી ચાલતી હોય તો ઈશ્વરની પાસે તે ક્યારે પહોંચી શકવાની ? એવા માણસને તો અનેક જન્મો લાગવાના. માટે સહેલાઈથી મળે છે કે મુશ્કેલીથી એવો પ્રશ્ન જ કરવાની જરૂર નથી. જેને ઈશ્વર જોઈએ છે તે આવા પ્રશ્ન કરવા નહીં બેસે. ઈશ્વરને માટે ગમે તેટલો સમય લાગે, ગમે તેવો ભોગ આપવો પડે. તોય તે તો તૈયાર રહેશે. પોતાનું કામ કર્યે જશે. દરિયામાં મોતી માટે પડનારા લોકો મોતી કેટલે ઊંડે છે તેનો વિચાર નથી કરતા. તે તો ડૂબકી જ મારે છે ને મોતી લઈને બહાર આવે છે. કેમ કે તેમને મોતી પર એટલી પ્રીતિ હોય છે.
એક કામી પુરૂષની વાતમાં વાચ્યું છેને કે નદીમાં તરતા શબને હોડી માની તે નદી પાર કરી ગયો, ને સાપને દોરડું માની ઘર પર તેને પકડીને ચઢી ગયો. આ વાત સાચી હોય કે ખોટી, સમજવાની વાત એટલી જ છે કે એટલી તમન્ના ઈશ્વરને મળવા માટે છે? આને જ પ્રેમ કે વ્યાકુળતા કહે છે. આની જ જરૂર છે. આ મળતાં ઈશ્વર સહેલાઈથી મળી શકે છે.

પ્રશ્ન : આ જમાનામાં કોઈને ઈશ્વરનું દર્શન થઈ શકે ખરું ?
ઉત્તર :  આ જમાનામાં પણ ઈશ્વરનું દર્શન થઈ શકે છે. તેમાં કોઈ કાળ, યુગ કે જમાનો આડે નથી આવતો.

પ્રશ્ન :  પરંતુ આ તો ઘોર કલિકાળ છે.
ઉત્તર : તેથી શું થયું ? બહાર ભલેને કલિકાળ હોય, તે કલિકાળ તમારા પોતાના મનમાં, અંતરમાં ને જીવનમાં છે કે નથી તે જ જોવાનું છે. તમારી અંદર જો કલિકાળના દોષો નહીં હોય તો તમારો રસ્તો સાફ થઈ રહેશે. આજના યુગમાં પણ તમે તેટલું પવિત્ર કે નિષ્કલંક જીવન જીવી શકો છો.

પ્રશ્ન : તેવું જીવન જીવવાનું શું અઘરૂં નથી લાગતું ?
ઉત્તર : અઘરૂં લાગે કે ના લાગે પણ અશક્ય તો નથી જ. એટલે એમાં આશા રહેલી છે. વિરોધાભાસી વાતાવરણ અથવા આજુબાજુની પાર વિનાની પ્રતિકૂળ પરિસ્થિતિઓને લીધે એવું જીવન જીવવાનું જરા કઠિન લાગે એ સમજી શકાય તેવું છે. તો પણ તેને માટે પ્રામાણિકપણે જેટલો બને તેટલો પ્રયત્ન તો કરી જ શકાય. આજ સુધી એવી રીતે અનેક પુરૂષોએ પ્રયત્નો કર્યાં છે ને તેમાં સંપૂર્ણ સફળતા મેળવી છે. તેમ તમે પણ મેળવી શકો છો.
વળી કલિયુગની એક બીજી વિશેષતા પણ છે. શાસ્ત્રો અને મહાપુરૂષો સર્વસંમત સ્વરે જણાવે છે કે કલિયુગ જેવો યુગ બીજો કોઈ આવવાનો નથી. તેમાં જો જીવ ચાહે તો ઈશ્વરની કૃપાની પરમપ્રસાદી મેળવીને પોતાનું કલ્યાણ થોડા જ વખતમાં કરી શકે છે. કલિયુગમાં દોષો કે દુષણો વધારે હોય તો પણ તેમનામાંથી મુક્તિ મેળવવાની તકો પણ તેટલી વધારે છે. માટે દોષનો બધો જ ટોપલો તેના માથા પર નાખી દઈને નિરાશ ને નાહિંમત બનીને બેસી રહેવાની જરૂર જરા પણ નથી. તેમાંથી માર્ગ કાઢીને આગળ વધી શકાય છે. ને એ સિવાય બીજો કોઈ ઉપાય પણ ક્યાં છે ? આપણો જમાનો ગમે તેટલો પ્રતિકૂળ હોય તો પણ તેની સાથે જ કામ લેવાનું છે. તેને પલટાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. તેને સુધારવાની વ્યક્તિગત કે સમષ્ટિગત સાધના પણ કરી શકાય, પરંતુ તેની અંદર રહીને શ્વાસ લીધા સિવાય છુટકો નથી. એ શ્વાસ લેવાનું કામ આપણે માટે મારક ના થાય પણ તારક થાય ને દુઃખદાયક થવાને બદલે સુખકારક બની જાય એનું ધ્યાન રાખીએ તો નકામી અને વધારે પડતી ચિંતા કરવાનું કે ભય પામવાનું કોઈ કારણ નહીં રહે.

પ્રશ્ન : તમે જે કહો છો તે વાત લાગે છે તો સાચી, તેને સાંભળવામાં આનંદ આવે છે એ પણ સાચું, પરંતુ વાસ્તવિકતાની ધરતી પર પગ મૂકીએ છીએ ત્યારે જરાક નાહિંમત બની જઈએ છીએ.
ઉત્તર : નાહિંમત શા માટે બનવું જોઈએ ?

પ્રશ્ન : વાતાવરણ એટલું બધું વિરોધી, વિપરીત અને વિષમય હોય છે કે નાહિંમત ના બનવું હોય તો પણ બનવું પડે. કેટલીક વાર તો એમાંથી માર્ગ કાઢવાનું જ મુશ્કેલ બની જાય.
ઉત્તર : તો પણ એને લીધે નાહિંમત બનવાનું બરાબર નથી. વિવેક, હિંમત, ધીરજ, વારંવારના પ્રયત્નો ને પ્રાર્થના દ્વારા એમાંથી શાંતિપૂર્વક માર્ગ કાઢવાનો પ્રયાસ કરો તો છેવટે વહેલા કે મોડા, ઓછા કે વત્તા પ્રમાણમાં સફળ થશો. આજ સુધી તમારા જેવા કેટલાયે સાધકોએ એવી રીતે સફળતા મેળવી છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.