if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : હું કેટલાય વરસોથી નિયમિત રીતે નામ-જપ ને ધ્યાનની સાધના કરતો હતો. એથી મારી શ્રદ્ધા ખૂબ જ વધી ગયેલી, મને શાંતિ મળેલી અને આનંદનો અનુભવ થતો. જુદી જુદી જાતના બીજા અનુભવો પણ થયા કરતા. પરંતુ છેલ્લાં કેટલાક વખતથી મનની દશા જુદી જ થઈ ગઈ છે. હવે મારી શ્રદ્ધા ડગી ગઈ છે. નામજપમાં મને કોઈ જાતનો રસ નથી પડતો, આનંદ નથી આવતો ને ધ્યાન જેવી બીજી સાધનામાં પણ મન નથી લાગતું. હું તદ્દન હતાશ થઈ ગયો છું ને માનસિક રીતે નંખાઈ ગયો છું. મારું જીવન વ્યર્થ વહી રહ્યું છે. એમાં કશો રસ નથી લાગતો. તો મારે શું કરવું ? કોઈ સંતનો સમાગમ કરવાની ઈચ્છા પણ નથી થતી. તમારી પાસે આવવાનું મન પણ ન હતું. પણ ન આજે બપોરે ત્રણ ને દસ મિનિટે તમારું દર્શન થયું અને પ્રેરણા મળી કે તમારી પાસે પહોંચવું જ જોઈએ. એટલે ના છૂટકે કોઈ પણ પ્રકારની શ્રદ્ધા-ભક્તિ વગર આવ્યો છું. કોઈક ઉપાય બતાવશો તો કૃપા થશે.
ઉત્તર : તમારી શ્રદ્ધા શા માટે મરી પરવારી તે સમજી શકો છો ? તેને માટે કોઈ કારણ બન્યું છે ?

પ્રશ્ન : ના, મને તેના વિશે કશું સમજાતું જ નથી.
ઉત્તર : તેની હરકત નહિ. પરંતુ તમારા જીવનને ફરીથી રસવાળું તથા સુખ, શાંતિ ને શ્રદ્ધાથી સુવાસિત કરવું હોય તો પહેલાંની નામજપની સાધનાને પ્રાર્થના સાથે ફરી શરૂ કરી દો.

પ્રશ્ન : પ્રાર્થના સાથે ?
ઉત્તર : હા. પ્રાર્થનાની શક્તિ અપાર છે. એનો આધાર લઈને ઈશ્વરનાં ચરણોમાં આત્મ-નિવેદન કરતાં સાચા દિલથી રોજ રોજ કહો કે પ્રભુ મારા જીવનમાં સુખશાંતિ ફેલાવો, શ્રદ્ધા જગાવો ને રસ પ્રગટાવો. પરિણામે એ કૃપાળુની કૃપા થશે ને જીવન ઉજ્જવલ બનશે. પ્રાર્થના એક અકસીર ઔષધિ છે. એનો આધાર લો ને સાથે સાથે નામજપ પણ ચાલુ કરી દો.

પ્રશ્ન : પરંતુ મને એમાં રસ નથી લાગતો અને એને કરવાનું મન જ નથી થતું તેનું શું ?
ઉત્તર : મન થાય કે ના થાય તો પણ એ સાધનાનો આરંભ કરી દો. જે રોગગ્રસ્ત હોય છે તેને દરેક વખતે ઔષધિ ગમે જ છે એવું નથી હોતું, છતાં પણ એ એનો આશ્રય લે છે. કેટલીક વાર એની સાથે બળજબરી પણ કરવી પડે છે. રસ સાધન કરતાં વેંત જ શરૂઆતમાં નહિ આવે, પરંતુ સાધન કરતાં કરતા પાછળથી આવશે. હાલ તો રસ પડે કે ના પાડે તો પણ સાધન કરવાનું છે.

પ્રશ્ન : મારી છૂટી ગયેલી નામજપની સાધનાને ક્યારથી શરૂ કરું ? શરૂ કરવી હોય તો પણ કોઈ સારો દિવસ જોવડાવીને શરૂ કરવાનું સારું ના કહેવાય ?
ઉત્તર : તમે ઘણા દિવસો સુધી એમને એમ બેસી રહ્યા છો. હવે વધારે વખત સુધી એક અથવા બીજા કારણથી બેસી રહેવાનું ઉચિત નથી. જીવન ઘણું ઝડપી છે પાણીના રેલાની પેઠે વેગથી વહ્યે જાય છે એ જીવનમાં જે પ્રાપ્ત કરવું હોય તેને માટે પુરુષાર્થ કરવામાં વિપળનો પણ વિલંબ ના કરવો જોઈએ. તમે કેવા સારા દિવસની અપેક્ષા રાખો છો ? બધા જ દિવસો સારા છે. તમારા અંતરમાં ઉત્સાહ રાખીને તમારી શક્તિ પ્રમાણેની સાધનાનો આજથી જ આરંભ કરી દો. તમે સાધનારૂપી સત્કર્મ કરશો એટલે તમારો દિવસ અને સમગ્ર સમય સારો થઈ જશે એને માટે કોઈ મુહૂર્તને જોવડાવવાની જરૂર નથી. એને માટે રાહ પણ નથી જોવાની.

પ્રશ્ન : મારી સાધનાને હું ફરી ચાલુ કરીશ તો તેથી મને માનસિક સ્થિરતાની, શાંતિની, ને પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ શકશે ?
ઉત્તર : અવશ્ય થઈ શકશે. તેમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કરવાની જરૂર નથી. બધો જ આધાર તમારા એકસરખા નિયમિત રીતે થનાર પ્રયત્નો પર છે. એ પ્રયત્નો જ તમને ધારેલું ફળ પ્રદાન કરશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.