Text Size

કાલડી

કન્યાકુમારીથી ત્રિવેન્દ્રમ, કોચીન થઈને કાલડી.

એ આખોય માર્ગ ઘણો લાંબો હોવા છતાં અમે એનો અત્યંત ઉમંગપૂર્વક પ્રવાસ કર્યો. એનું એકમાત્ર અગત્યનું કારણ એ કે કાલડીની સાથે સુપ્રસિદ્ધ શંકરાવતાર ભારતીય સંસ્કૃતિના મહાન ને સર્વોત્તમ જ્યોતિર્ધર શ્રી આદ્ય શંકરાચાર્યનું નામ સંકળાયેલું હતું. ભારતીય સંસ્કૃતિના એ પરમ પ્રકાશમય રત્નનો પ્રાદુર્ભાવ કાલડી ગામની પવિત્ર ને ધન્ય ધરતી પર થયેલો. જે ધરતી પર એવો પરમાત્મામય પ્રાણવાન પુરુષરત્ન પાકે એ ધરતી પણ ધન્ય, પરમધન્ય બની જાય ને તીર્થમયી થાય. કાલડીનું મહત્વ અમારે માટે એ દૃષ્ટિએ ઘણું મોટું હતું; અમારી યાત્રાને અર્થપૂર્ણ અને સંપૂર્ણ બનાવવા માટે અત્યંત આવશ્યક હતું. અમારી કાલડીની યાત્રા પાછળ એ ભૂમિકા હતી.

કોચીનથી કાલડીનો લગભગ સિત્તેર કિલોમીટરનો પ્રવાસ પૂરો થયો ત્યારે સાંજ પડી ગઈ.

સૌથી પ્રથમ અમે આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાને પહોંચી ગયા. એ સ્થાન ખૂબ જ શાંત, સ્વચ્છ ને સુંદર લાગ્યું. એમાં જગદંબાનું મંદિર, શંકરાચાર્યનું મંદિર, શંકરાચાર્યની માતાનું સમાધિમંદિર, એવાં દર્શનીય દિવ્ય સ્થાનો હતાં. એમાં શંકરાચાર્યની માતાના સમાધિસ્થાનનો ઈતિહાસ રોચક હતો. નાની ઉંમરે શંકરાચાર્યે ઘરનો ત્યાગ કરવાની તૈયારી કરી ત્યારે એમની માતાએ પોતાનો મૃત્યુસમય સમીપ આવે ત્યારે તે સમયે એમને પોતાની પાસે આવી પહોંચવાની આજ્ઞા કરી. એ આજ્ઞાને શંકરાચાર્યે માથે ચઢાવીને ઘરનો ત્યાગ કર્યો. વરસો પછી એમને માતાના મૃત્યુસમયની માહિતી મળવાથી એ એમના જન્મસ્થાનમાં આવીને માતાને મળ્યા એટલે માતાએ પરમસંતોષ માનીને દેહત્યાગ કર્યો.

એ વખતે શંકરાચાર્યના જીવનમાં એક સમસ્યા ઊભી થઈ. ગામલોકો અને કુંટુંબીજનો શંકરાચાર્યને એમની માતાની મરણોત્તર ક્રિયા માટે મદદ કરવાનો ઈન્કાર કરવા લાગ્યા. એમણે કહ્યું કે સંન્યાસીને વળી ઘર, ગામ, મા અને બાપ શું ! એણે માતાની પાસે શા માટે આવવું જોઈએ ? એનું એ કર્મ શાસ્ત્રવિરુદ્ધ કહેવાય.

શંકરાચાર્યે જોયું કે પોતાની માતાના મૃત શરીરને સ્મશાનમાં લઈ જવા માટે કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. એમની આગળ કોઈ બીજો વિકલ્પ ના રહ્યો એટલે શિષ્યોની સહાયતાથી માતાના શબને ઘરની સામે જ ચિતા પર ગોઠવીને એમણે અગ્નિસંસ્કાર કરી દીધો અને જણાવ્યું કે તમે કોઈએ મને સહકાર નથી આપ્યો તો તમારે ત્યાં જેમના પણ મૃત્યુ થશે તે સૌનાં શબ ભવિષ્યમાં ઘરનાં આંગણાંમાં અથવા ઘરની સામે જ બળશે.

એમના શબ્દો સાચા ઠર્યા.

ત્યારથી એ ગામના નામ્બુદ્રી બ્રાહ્મણ કુટુંબોનાં મૃત શરીરો ઘરની સામે જ બળવા માંડ્યાં.

અમે તપાસ કરી તો જણાયું કે સમસ્ત ગામમાં એ જ પ્રથા કે પરંપરા પ્રવર્તમાન હતી. નામ્બુદ્રી બ્રાહ્મણોના ઘરનું આંગણું જ સ્મશાન બનેલું.

એ અનુભવ પરથી મહાપુરુષોની વાણીની વાસ્તવિકતાનો અથવા અમોઘતાનો ખ્યાલ આવ્યો.

એ સુંદર સ્મારકની પાછળ વહેનારી સરસ સરિતાના અવલોકનથી અમને આનંદ થયો. એના તપઃપૂત પવિત્ર તટપ્રદેશ પર બેસીને અમે એ મહાન જ્યોતિર્ધરના જીવનના વિવિધ પ્રસંગોનો વિચાર કર્યો. મનની અલૌકિક આંખથી અમે એમને માતાની અનુમતિ મેળવીને ગૃહત્યાગ કરતા નિહાળ્યા. નર્મદાના પવિત્ર તટ પર ગુરુશ્રી ગોવિંદાચાર્યની સુખદ સંનિધિમાં વસતા જોયા. મંડનમિશ્ર તથા ભારતી સાથે શાસ્ત્રાર્થ કરતા દેખ્યા અને આખરે બત્રીસ વરસની નાની ઉંમરે કેદારનાથના દિવ્યધામમાં સ્વેચ્છાપૂર્વક સમાધિસ્થ થતા તેમજ પાર્થિવ તનુને પરિત્યાગતા પેખ્યા. કેવું દિવ્ય જ્યોતિર્મય જીવન અને એનો અનુભવ પણ કેવો અલૌકિક !

થોડેક દૂર રામકૃષ્ણ મિશનનું સ્થળ હતું. એના અવલોકનથી આનંદ થાય એ સ્વાભાવિક હતું.

ઉતારાની સગવડ જોઈએ તેવી સંતોષકારક ન હતી. એવાં ઐતિહાસિક, સુપ્રસિદ્ધ, સાંસ્કૃતિક રીતે મહત્વ ધરાવતાં વિશિષ્ટ સ્થાનોમાં ઉતારાની આવશ્યકતાને સંતોષે એવાં વ્યવસ્થિત મકાનો જોઈએ. સ્થાનોના સંચાલકોનું ને સેવકોનું ધ્યાન એ તરફ કેન્દ્રિત કરવામાં આવે એ ઈચ્છાવાયોગ્ય છે. આદ્ય શંકરાચાર્યના પ્રાદુર્ભાવસ્થાનનું મહત્વ કાંઈ ઓછું ના મનાય. એ સ્થાન ભારતની બહારના માનવોને માટે પણ મહત્વનું ને દર્શનીય કહેવાય. એના વ્યવસ્થાપકો એવા સ્થાનવિશેષને આધુનિક અતિથિગૃહથી અલંકૃત કરે એ અત્યંત આવશ્યક ગણાય.

એ તીર્થસ્થાનમાં પ્રવેશતાં ને વિહરતાવેંત જ જે અલૌકિક અનુભવ થયો એનો ઉલ્લેખ પણ કરી લઉં. એ શાશ્વત સમયને માટે અમર રહેવા સરજાયેલા સ્થાનવિશેષમાં પગ મૂક્યો કે તરત જ આજુબાજુના વાતાવરણમાંથી સ્વર્ગીય સુધાસભર સ્વરો સંભળાયા :

‘આપણે આ સ્થળમાં પણ હતા.

આપણે હતા શંકરાચાર્ય, આપણે હતા શંકર.

આપણે આ સ્થળમાં પણ હતા.’

આશ્ચર્યની વાત તો એ હતી કે એ સુંદર તીર્થસ્થળમાં જ્યાં સુધી રહેવાનું થયું ત્યાં સુધી એ સુંદર સ્વરો સતત રીતે સંભળાતા જ રહ્યા. એ સ્વરો એટલા બધા અમૃતમય હતા કે વાત નહિ. એમને વહેતા કરનારને નિહાળી શકાતું નહોતું તો પણ એમની સંવાદિતા તથા સંગીતમયતા સ્પષ્ટ રીતે અનુભવી શકાતી.

એ સ્વરો એ જ વખતે એકાએક કેમ વહેતા થયા ? એમનો મર્મ શો હતો ? એ અચિંત્ય અને અદ્દભુત હોવા છતાં અસાધારણ ઉલ્લાસપ્રેરક સાબિત થયો. એ સ્વરોને મારી માહિતી માટે સર્વેશ્વરી સર્વશક્તિમાન પરમકૃપાળુ મા જગદંબાએ જ વહેતા કરેલા. એ ક્યારે ક્યાં કેવી રીતે કેવો અનુભવ આપવા માગે છે તે એ જ જાણે છે.

એ અલૌકિક અનુભવને લીધે એ તીર્થસ્થાનનો મહિમા મારે માટે વધી ગયો. એની યાત્રા અવિસ્મરણીય બની ગઈ. એ પ્રકારનો સ્વાનુભવ મારા જીવનમાં એ પહેલો જ હતો. એના સ્મરણથી એ સુંદર શાંત તીર્થસ્થળની વિદાય લેતી વખતે મારું હૃદય ભાવવિભોર બની ગયું.

એ પ્રાતઃસ્મરણીય સુંદર તીર્થસ્થળમાંથી વરસો પહેલાં પ્રકટીને બહાર પડેલી પરમજાજ્વલ્યમાન જ્યોતિએ સંસારમાં ઐતિહાસિક ચમત્કારનું સર્જન કર્યું. અનેકનાં અંધકારાવૃત્ત અંતરોને અજવાળ્યાં. અસંખ્ય પ્રવાસીઓને પ્રેરણાનાં પીયૂષપાન પાઈને પથપ્રદર્શન પૂરું પાડ્યું. આજે પણ એ અનેકના જીવનપથને અજવાળી રહી છે. એનો પ્રકાશ એવો જ અચળ, અલૌકિક, અવિનાશી છે. એ શાશ્વત સમયને માટે પ્રકાશ પહોંચાડવા સરજાયેલી છે.

એ પરમજ્યોતિને પ્રણામ હો, વારંવાર પ્રણામ હો !

સંસ્કૃતિ, ધર્મ કે તત્વજ્ઞાનના સંરક્ષણ અને સંવર્ધનમાં આદ્ય શંકરાચાર્યનો ફાળો મહત્વનો છે, શકવર્તી છે. એને માટે એમણે એમના જાજવલ્યમાન જીવનકાળ દરમિયાન કરેલી સ્થૂળ જનહિતપ્રવૃત્તિને બાજુ પર રાખીએ તો પણ, એ હેતુની પૂર્તિ માટે એમની દ્વારા થયેલ બધું પ્રાણવાન, સત્વશીલ, ઉપયોગી, સર્વશ્રેયસ્કર અને આશીર્વાદરૂપ છે કે એની ભૂલેચૂકે પણ અવજ્ઞા કરી શકાય નહીં. એની દ્વારા એ આજે પણ ધર્મ, તત્વજ્ઞાન તથા સંસ્કૃતિના સંરક્ષણ-સંવર્ધનમાં એમનો અત્યંત અગત્યનો ફાળો આપી રહ્યા છે.

સંસ્કૃતિના એ શાશ્વત ને સર્વશ્રેષ્ઠ સંરક્ષક, સંવર્ધક, સંદેશાવાહકનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok