માનની ઈચ્છા સાધારણ માનવોને તો હોય છે જ પરંતુ અસામાન્ય માનવોને-મહામાનવોને પણ હોય છે એવું જોવા મળે છે. એમાં કોઈક જ અપવાદરૂપ હોય છે. ભાગવત જેવા ગ્રંથોમાં મહાપુરુષોને માટે 'અમાનીમાનદઃ' શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. એનો ભાવાર્થ એ છે કે મહાપુરુષો, પરમાત્મપ્રેમી ભક્તો, યોગીઓ કે જ્ઞાનીપુરુષો પોતે માનના ભૂખ્યા નથી હોતા, પોતાને કોઈ માને કે સન્માને એવી ઈચ્છા નથી રાખતા, પરંતુ બીજાને સન્માનવા કે માન આપવા તૈયાર રહે છે, બીજાના ગુણોને જુએ છે ને યાદ રાખે છે. એમના હૃદય એવાં મહાન હોય છે.
એવા મહાન ઉદાત્ત હૃદયવાળા એક સંતપુરુષનો પરિચય આપું.
ઈ.સ. ૧૯૮0માં સૂરતમાં બેસંટ હૉલમાં મારાં પ્રવચનો ચાલી રહેલાં. એ પ્રવચનો દરમિયાન એક દિવસ પ્રવચનની સમાપ્તિ પછી મારી પાસે એ સંતપુરુષ આવી પહોંચ્યા ને કહેવા માંડ્યા : ‘અહીંના સનાતન ધર્મ સેવાસંઘના હૉલમાં ચાતુર્માસ નિમિત્તે મારાં પ્રવચનો ચાલુ થયાં છે. મારી ને શ્રોતાજનોની ખાસ ઈચ્છા છે કે તમે ત્યાં આવીને આશીર્વચન અથવા સદુપદેશના બે શબ્દો સંભળાવો. હું સૌના તરફથી તમને આગ્રહપૂર્વકનું આમંત્રણ આપવા આવ્યો છું. તમે આવશો તો અમને ખૂબ જ આનંદ થશે.’
એ દિવસ રપ જુલાઈ ૧૯૮0નો હતો. બેસંટ હૉલમાં મારું વિશેષ પ્રવચન હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સમક્ષ યોજાયેલું. એમનું પ્રવચન સનાતન હૉલમાં સાંજે પાંચ વાગ્યે શરૂ થતું હોવાથી એ મને આમંત્રણ આપવા આવેલા. એમની નિરભિમાનિતા, નમ્રતા, સરળતા અને ગુણદર્શિતાને જોઈને મને આનંદ થયો. એમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ પેદા થયો. તો પણ મેં એમને કહ્યું :
‘તમે મને આમંત્રણ આપવા આવ્યા તેને માટે તમને ખરેખર અભિનંદન ઘટે છે. પરંતુ બિમારીમાંથી ઊઠ્યા પછી એકસાથે બે પ્રવચનો કરવાનો ક્રમ મેં નથી રાખ્યો. વધારે પરિશ્રમ ના પડે અને આરામ મળે એનું હું ધ્યાન રાખું છું.’
‘તમારે જેટલું બોલવું હોય તેટલું બોલજો. વધારે નહિ ને દસ મિનિટ પણ આવીને આશીર્વાદ આપશો તો પણ સૌને આનંદ થશે.’
એમનો આગ્રહ જોઈને મને એમને નિરાશ કરવાનું ઠીક ના લાગ્યું.
કેટલા બધા પ્રેમથી પ્રેરાઈને એ આમંત્રણ આપી રહેલા !
મેં એમને જણાવ્યું કે હું આજે જ તમારું પ્રવચન શરૂ થાય તે પહેલાં આવું છું. તમે આગળથી જઈને સૌને સૂચના આપી દેજો.
એ ખૂબ જ સંતોષ પામ્યા. આનંદી ઊઠ્યા.
એમને સારું એ સ્વાભાવિક હતું.
બેસંટ હૉલના કાર્યક્રમમાંથી પરવારીને અમે સનાતન ધર્મ સેવાસંઘના હૉલ પાસે પહોંચ્યાં તો સ્વામીજીને હૉલની બહાર ઊભેલા જોયા. એ દેખીતી રીતે જ અમારી પ્રતીક્ષા કરી રહેલા.
એમણે મને સ્ટેજ પર વ્યાસપીઠની બાજુના આસન પર બેસાડીને પુષ્પમાળાદિથી સત્કારીને નમ્રતાપૂર્વક જણાવ્યું : ‘યોગેશ્વરજી આપણા આમંત્રણને માન આપીને અહીં પધાર્યા તેથી ખૂબ જ આનંદ થયો છે. મેં ભગવા વસ્ત્રો નહોતાં પહેર્યા ત્યારથી એમનાં પ્રવચનો સાંભળતો આવ્યો છું. એમનાં પુસ્તકો પણ વાંચું છું. મને એમની પાસેથી પ્રેરણા મળી છે. એને લીધે હું એમને મારા ગુરુ માનું છું. એમને સન્માનતાં મને અતિશય આનંદ થાય છે.’
એમની વાતને સાંભળીને મને એમને માટે પ્રેમ અને આદરભાવ પેદા થયો. મારાં પ્રવચનો ને પુસ્તકોનો લાભ ઘણાંએ લીધો હશે. તેમાંથી પોતાના સંસ્કાર પ્રમાણે જીવનોપયોગી પ્રેરણા પણ મેળવી હશે. પરંતુ એનું આવી રીતે સ્મરણ કરવાનું અને એ પણ પોતાના પ્રવચનને સાંભળવા એકઠાં થયેલાં શ્રોતાઓ સમક્ષ સ્મરણ કરવાનું કામ ધાર્યા જેટલું સહેલું નહોતું. અસાધારણ, અપવાદરૂપ અને માન માગી લે તેવું એ હતું. એ એમના અંતઃકરણની ઉદાત્તતાનું દર્શન કરાવતું હતું.
એમના આગ્રહને માન આપીને મેં દસથી પંદર મિનિટનું પ્રવચન કર્યુ અને એમને કથાનો આરંભ કરવા જણાવ્યું.
અમને એમણે ભાવભીની વિદાય આપી.
ગુજરાતના સુપ્રસિદ્ધ મહાપુરુષ સ્વામી માધવતીર્થના એ શિષ્ય હતા. એમનું નામ સ્વામી કૃષ્ણાનંદ.
એમને મળીને મને ખૂબ જ આનંદ થયો. બીજાના જરી જેટલા ગુણને ને ગુણોને યાદ રાખીને એમને માનની નજરે જોનારા સંતપુરુષોની પ્રાણવાન, પવિત્ર પ્રેરક પરંપરા હજુ તૂટી નથી એની પ્રતીતિ થઈ.
સરળતા અને સહૃદયતાની મૂર્તિ જેવા સ્વામી કૃષ્ણાનંદ હજુ પણ નથી ભુલાયા. એ વિસ્મરણના વિષય જ નથી.

