00. માહાત્મ્ય

ભગવાન કૃષ્ણને વંદન

 

ભાગવતની ભાગીરથીમાં સુખપૂર્વક સ્નાન કરવાની શરૂઆત કરતાં પહેલાં કેટલીક આવશ્યક અર્ચના-વંદનાની વિધિ પતાવી લઇએ. એના સિવાયનું આપણું સ્નાન વિધિપૂર્વક નહિ થાય. ભગવાન શ્રીકૃષ્ણ તો ભાગવતના મંગલમય મહાપ્રાણ છે. એમના વિના ભાગવત ભાગવત ના થઇ શક્યું હોત. ભાગવતમાંથી જો ભગવાન શ્રીકૃષ્ણને બાદ કરીએ કે કાઢી નાખીએ તો એની મજા જ મરી જાય, એનું સ્વરૂપ જ બદલાઇ જાય, અને એનું આકર્ષણ મૃતઃપાય થાય. અંગમાંથી આત્માને, સરિતામાંથી સલિલને, પ્રદીપમાંથી પ્રકાશને અને પુષ્પમાંથી પરિમલને લઇ લેવામાં આવે તો શેષ શું રહે ? એમની ચેતના જ ચાલી જાય અને એ બધા નિષ્પ્રાણ થાય. ભાગવતની ચેતના, આભા, સુંદરતા, મધુરિમા, વિલક્ષણતા, વિશેષતા અથવા અસાધારણતા પણ એવી રીતે ભગવાન કૃષ્ણ પર નિર્ભર છે. એમને લીધે જ એ ટકી છે ને વૃદ્ધિગત બની છે. ભાગવતના એકમાત્ર આરાધ્યદેવ એ જ છે. એ જ સદગતિપ્રદાયક અને સુખકારક છે. ભાગવતના પરમપ્રાપ્તવ્ય પણ એ જ છે. ભાગવત એમના જ મહિમાને પ્રકારાંતરે પ્રકટ કરે છે, એમના અલૌકિક અનુગ્રહની અનુભૂતિને માટે અનુરાગીઓના અંતરાત્માને અનુપ્રાણિત કરે છે, અને એમને આરાધનાનાં અમૂલખ પુષ્પો ધરે છે.

ભાગવતના સર્વેશ્વરસરખા એ ભગવાન કૃષ્ણને સૌથી પહેલાં પ્રેમપૂર્વક પ્રણામ કરી લઇએ. એમની અહેતુકી અમોઘ અનુકંપાથી આપણું સ્નાન અને પાન સહેલું બનશે. એ આપણને એમના શરણાગત સમજીને કૃપા કરશે, અને એમના તથા આપણા વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવશે.

ભાગવતના ભગવાન શ્રીકૃષ્ણ કેવળ વ્યક્તિ નથી પરંતુ સમસ્ત સંસારમાં પ્રસરેલી અને સંસારની બહાર રહીને ચિરંતન રાસ રમી રહેલી સર્વેશ્વર પરમાત્માની શાશ્વત શક્તિ છે. અવનીના અભ્યુત્થાન માટે એમના સ્વરૂપે એ જ શક્તિનું અવતરણ અથવા પ્રકટીકરણ થયું છે. વેદે પુરુષસૂક્તમાં એમની જ પ્રશસ્તિ કરી છે ને ગીતાના પંદરમાં અધ્યાયમાં એમનું જ પુરુષોત્તમ શબ્દપ્રયોગ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. એમનામાંથી, એમની દ્વારા જ જગત ઉત્પન્ન થાય છે, એમને લીધે જ અથવા એમની શક્તિથી શ્વાસ લે છે કે ટકે છે, અને એમના પ્રત્યે પ્રયાણ કરીને આખરે એમની અંદર પ્રવેશીને એમના પરમપ્રેમ પારાવારમાં વિલીન થાય છે. એ જ પરમતત્વ છે, પરમસત્ય છે, પરબ્રહ્મ છે, ને પરમપદ પણ એ જ છે, અથવા બીજી ભાષામાં કહીએ તો પરમતત્વ, પરમસત્ય, પરબ્રહ્મ કે પરમપદ સર્વ કાંઇ એમના રૂપે આ પાર્થિવ પૃથ્વી પર પ્રકટ થયું છે. એમનો આહલાદક અમૃતમય રસરાસ અનંતકાળથી અનવરત રીતે એકસરખો, આવશ્યક સંશોધન-સંવર્ધન સાથે ચાલ્યા જ કરે છે. એમની અનુકૂળતા ખાતર એ વચગાળાના વખતને માટે તિરોધાન થાય તે ભલે પરંતુ એમનો આત્યંતિક નાશ નથી થતો કે નથી થઇ શકતો. એ પૂર્ણ, મુક્ત, સર્વશક્તિમાન, સર્વવ્યાપક ને સર્વજ્ઞ છે. ભાગવતકાર ભગવાન કૃષ્ણને પ્રણામ કરતાં એમનો પરિચય એવી જ વિશાળતાપૂર્વક પૂરો પાડે છે. એ એમને કોઇ એક જ દેશવિશેષમાં વિરાજેલા માનીને અનુરાગની અંજલિ આપવાને બદલે વિશ્વમાં ને વિશ્વની બહાર વ્યાપક પરમચેતના કે પરબ્રહ્મ પરમાત્મા સમજીને ભાગવતના માહાત્મ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ એમની સુંદર, સરસ, સારગર્ભિત પ્રશસ્તિ કરતાં એમને વંદે છે. ભાગવતના રચયિતા મહર્ષિ વ્યાસની પ્રગલ્ભ પ્રતિભાનો, વિશાળ આત્મદૃષ્ટિનો ને કમનીય કૃષ્ણપ્રીતિનો એમાં પરિચય થાય છે. આ રહ્યો એમના ભગવાન કૃષ્ણ પ્રત્યેના અસાધારણ અનુરાગથી આપ્લાવિત શ્લોકઃ

सच्चिदानंदरुपाय विश्वोत्पयादिहेतवे

तापत्रविनाशय श्रीकृष्णाय वयं नुमः

આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક ત્રિવિધ તાપોનો નાશ કરનારા, વિશ્વના પ્રાદુર્ભાવ, પોષણ અને વિસર્જન અથવા પ્રલયના કારણરુપ, સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનને અમે વંદન કરીએ છીએ.

 એ વંદના વેદાનુકૂળ છે કારણ કે વેદ પણ ભગવાનને સચ્ચિદાનંદ સ્વરૂપ, સૃષ્ટિના જન્મ, ધારણ ને મરણના હેતુ તેમજ શરણાગતોના ત્રિવિધ તાપને મટાડનારા માને છે. सत्यं ज्ञानं अनंतं ब्रह्म । प्रज्ञानं ब्रह्म । सर्व खल्विदं ब्रह्म । કહીને શ્રુતિમાતાએ એમની જ જ્ઞાનપૂર્વક પ્રશસ્તિ કરી છે; એમને પોતાની રીતે વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. ભાગવતની એ વેદાનુકૂળ વંદના સાથે આપણે પણ સૂર મિલાવીશું ને વધારામાં પ્રાર્થીશું કે પ્રભુ, તમે કૃપા કરીને અમારા ભાગવતભાગીરથીના સ્વર્ગીય સ્નાનને સુખદ, સફળ અથવા સાર્થક કરો. તમારા કમનીય કૃપાકટાક્ષ વિના અમારો પ્રયાસ કૃતાર્થ નહિ થઇ શકે એ ચોક્કસ છે. તમે પરીક્ષિતની ઉત્તરાના ઉદરમાં પ્રેમપૂર્વક રક્ષા કરેલી અને આખરે સ્વનામધન્ય શુકદેવનો સમાગમ કરાવી આપીને અવિદ્યાની ગ્રંથિ અને અશાંતિને હણેલી એમ વિશ્વના વિરોધાભાસી વિપરીત વાતાવરણની વચ્ચે અમારી પણ રક્ષા કરો અને અંતસ્થ અવિદ્યા તથા અશાંતિના અવશેષોનો અંત આણો.

એ પછી આપણે મહર્ષિ વ્યાસની વંદના કરી લઇએ. ભાગવતની ભાગીરથીના ભગીરથ એ જ છે. એમણે જ બીજા પુરાણગ્રંથોની પેઠે આ સુંદર પ્રેમરસ ભરપુર પુરાણગ્રંથની રચના કરી અને એ શાસ્ત્ર પોતાના પ્રિય પુત્ર શુકદેવને શીખવાડ્યું. એમની શક્તિ અત્યંત અસાધારણ છે. ભારતના આધ્યાત્મિક આકાશમાં એમની દ્વારા સ્થાન પામેલા વિભિન્ન ગ્રંથોરૂપી ગ્રહનક્ષત્રો પોતાનો પવિત્રતમ પ્રખર પ્રકાશ પાથરી રહ્યાં છે. એમાં ભાગવતનું સ્થાન સવિશેષ છે. એને સુચારુરુપે સમજવા માટે એમની મદદની અપેક્ષા રાખીએ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.