Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અતિથિસત્કારની ભાવના ઉપનિષદકાળમાં બધે ફેલાયેલી હતી તે વાતની ખાતરી ઉપનિષદનો વિચાર કરવાથી સહેજે થઈ રહે છે. અતિથિને પરમાત્માના પ્રતિનિધિ રૂપે માનીને તેની અંદર દેવતાનું દર્શન કરી તેની શક્ય તેટલી બધી સેવા કરવાનો ઉપદેશ ઉપનિષદોમાં મળી રહે છે. ‘अतिथिदेवो भव ’ના ઉપદેશ પ્રમાણે અતિથિમાં દેવત્વનું દર્શન કરીને બેસી રહેવાનું જ ન હતું − તેને માટે પોતાની જાતનું પણ બલિદાન આપવું પડે તો આપવા તૈયાર રહેવાનું શિક્ષણ બધે અપાતું. કઠ ઉપનિષદમાં અતિથિના મહિમાની વાત આવી ગઈ છે. અતિથિસત્કારની એ ભાવના કેવળ માનવજાતિ પૂરતી જ મર્યાદિત ન હતી, પરંતુ જીવમાત્રની સેવા ને રક્ષાને તેમાં સ્થાન હતું. શિબિરાજાના જીવનવૃત્તાંતમાં એક પક્ષીનો પ્રાણ બચાવવા રાજા કેવી રીતે પોતાના શરીરનું બલિદાન આપવા કર્તવ્યના ભાન સાથે તૈયાર થયા તે વાત આવે છે. અતિથિનો સત્કાર એ પ્રત્યેક માનવની ફરજ મનાતી. ધર્મના અગત્યના અંગ તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જીવમાત્રમાં ઈશ્વરની સત્તાનું દર્શન કરીને સૌની યથાશક્તિ સેવા કરવાનો તેમાં આદેશ હતો. આપણે જે ઉપનિષદનો વિચાર કરી રહ્યા છીએ તેમાં પણ અતિથિની સેવાની એ ભાવનાને ગૂંથી લેવામાં આવી છે. ઋષિ કહે છે કે જેનું અગ્નિહોત્ર અતિથિસત્કાર વિનાનું રહે છે તેની ઉન્નતિ થઈ શકતી નથી, એટલું જ નહિ પણ તેનો નાશ થાય છે. માણસ વિવેકી મટી ગયો, દયાભાવ ભૂલ્યો ને સ્વાર્થી થયો, પછી નૈતિક રીતે તેનો નાશ થવામાં બાકી શું રહ્યું ? માટે જ ઋષિ તેના નાશની વાત કહે છે. માણસાઈને ભૂલી જવી અથવા માનવ મટી જવું એ નાશ ને સર્વનાશની જ નિશાની છે.

અતિથિના સત્કારમાં સેવાનો સૂર સમાયેલો છે ને તેવી સેવા એક જાતનો યજ્ઞ જ છે. તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને ભોજન આપવું, નિરક્ષરને શિક્ષણ ને વસ્ત્ર વિનાનાને વસ્ત્રો પૂરાં પાડવાં તે બધા યજ્ઞ જ છે. કોઈ પણ દુઃખી જીવના દુઃખને દૂર કરવા બનતું બધું કરી છૂટવું એ પણ યજ્ઞ છે. પારકાની પીડા પેખીને પીગળવું ને કોકનાં ઊનાં આંસુ ને આક્રંદ જોઈને અનુકંપાથી યુક્ત થઈને તેને મદદ કરવા તૈયાર થવું એના જેવો મહાન યજ્ઞ બીજો કોઈ નથી. ટૂંકમાં, પોતાની ને બીજાની સુખાકારી ને ઉન્નતિ માટે કરવામાં આવતાં બધાં કામ યજ્ઞમય જ છે. દરેક કામ કરતાં માણસે યજ્ઞની એ ભાવનાને અમલી બનાવવાની જરૂર છે. તો જીવન ધન્ય બની શકે ને સમાજ સુખી તથા સમૃદ્ધ થાય. યજ્ઞની પુરાતન ભાવનાને એવું અદ્યતન સ્વરૂપ આપવાની જરૂર છે.

વિવેકી બનીને વિચારીએ તો સમજાશે કે આ જીવન આખું યજ્ઞમય જ છે. શ્વાસોચ્છવાસની આહુતિ એમાં અખંડ રીતે અપાઈ રહી છે. શરીરના જુદાજુદા અવયવો તેમાં પ્રાણ પૂરવા પોતાને ફાળે આવેલું પ્રત્યેક કામ કેટલી બધી નિયમિતતા, કુશળતા ને યશનો જરા પણ મોહ રાખ્યા વિના સતત સાવધાનતાથી કરે છે. બહાર પ્રકૃતિમાં પણ સેવા ને સહકારનો એવો જ અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે. સૂર્ય ને ચન્દ્ર, દિવસ ને રાત, વસંત, ગ્રીષ્મ ને વરસાદ, પવન, પાણી ને પૃથ્વી તથા તે પરની વિશાળ વનસ્પતિ, સામૂહિક રીતે યુગયુગોથી સંસારની સેવાનો યજ્ઞ કરી રહ્યાં છે. માણસે સંસારના મહાન સભ્ય તરીકે તેમાં સહકાર કરવાનો છે. તેની પાસે બળ છે, બુદ્ધિ છે, પ્રખર ઈચ્છાશક્તિ, સામગ્રી ને આજ સુધીના અનેકાનેક અનુભવોની સંપત્તિ છે. તેનો ઉપયોગ કરીને ઘર, કુટુંબ, સમાજ, ગામ, નગર, દેશ ને દુનિયાને સુખી ને શાંતિમય કરવા તેણે પ્રયાસ કરવો જોઈએ. અંદરઅંદરના વાદવિવાદ, ઘર્ષણ, શોષણ તેમ જ ભેદભાવને પુરૂષાર્થના યજ્ઞાગ્નિમાં સ્વાહા કરીને પોતાની પાસે જે જ્ઞાન ને વિજ્ઞાનની મૂડી તથા સંપત્તિ છે તેનાથી દરેક દેશ એકમેકના ઉત્થાનનો સામૂહિક પ્રયોગ કરે તો સંસાર જરૂર સુખી થાય ને તેની સિકલ ફરી જાય. વિવેકી માણસ પાસેથી આ જાતની આશા રાખવી વધારે પડતી નથી. ત્યારે યુદ્ધ માત્ર શબ્દ જ રહેશે ને માનવ સાચા અર્થમાં સભ્યતાનો સ્વામી કહેવાશે. એ દિન જલદી આવે એવું આપણે ઈચ્છીએ છીએ. ઉપનિષદના મહાન ઋષિવરોએ શાંતિપાઠમાં એવા દિવસની ભાવના ને કામના વારંવાર કરી છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)