નાગર નંદજીના લાલ
MP3 Audio
નાગર નંદજીના લાલ !
રાસ રમંતા મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતા મારી નથડી ખોવાણી... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,
નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી ... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !
નથણી કારણે મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન,
નથણી આપો ને મારા તમે પ્રાણજીવન ... નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !
- નરસિંહ મહેતા


Comments