if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન શ્રી રમણ મહર્ષિ એમના નામ અને કામને કોણ નથી જાણતું ? 

ભારતમાં જ નહિ પણ ભારતની બહાર પણ એ મહાપુરૂષનો પ્રકાશ પથરાયેલો છે. દક્ષિણ ભારતના એક ખૂણામાં આવેલા તિરૂવણ્ણામલૈ ગામના નાનકડા આશ્રમમાં બેસીને એમણે કેટલાય આધ્યાત્મિક જિજ્ઞાસુઓને પ્રેરણા પૂરી પાડી ને કેટલાયને શાંતિ આપી. ભારતમાં છેલ્લાં દોઢસો વરસોમાં જે પરમ પ્રતાપી, અસાધારણ સામર્થ્યશાળી મહાપુરૂષોનો આવિર્ભાવ થયો, તેમણે ભારતીય સાધનાને, સંસ્કૃતિને એક પ્રકારનો અભિનવ પ્રકાશ પૂરો પાડ્યો. ભારતીય સાધના કે સંસ્કૃતિ એમને લીધે અનુપ્રાણિત કે નવપલ્લવિત થઈ એમ કહીએ તો ચાલે. ભગવાન શ્રી રમણ મહર્ષિ એમનામાંના એક અદ્ ભૂત શક્તિસંપન્ન મહાપુરૂષ હતા. એમના પ્રત્યેના પરમાદરથી પ્રેરાઈને જ ભક્તો તેમને ભગવાન રમણ મહર્ષિ કહેતા.

ઈ.સ. ૧૯૪૪માં સૌથી પ્રથમ મેં એમના આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે, ત્યાંના શાંત વાતાવરણની અસર મારા પર સ્વાભાવિક રીતે જ ઘણી સારી થઈ. આશ્રમ અતિશય નાનો હોવા છતાં સુંદર હતો. અરૂણાચલ પર્વતની ગોદમાં વસેલો હોવાથી, એ વધારે નયનમનોહર લાગતો હતો. સ્વચ્છતા તથા સાદાઈના પ્રતીકરૂપ આશ્રમને જોઈને મારું હૈયું હરખાઈ રહ્યું.

ઊંડા આત્મસંતોષ સાથે મેં આશ્રમના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી રમણ મહર્ષિના દર્શનની અભિલાષાથી હોલમાં પ્રવેશ કર્યો.
 
હોલમાં મહર્ષિ એક કોચ પર બેઠા હતા. એમની આગળ અગરબત્તી સળગતી હતી. મહર્ષિ કશુંક વાંચતા હતા. એમણે કેવળ લંગોટી પહેરી હતી. વૃદ્ધાવસ્થાની અસર એમના ચહેરા પરથી દેખાઈ આવતી હતી. કોઈ પણ પ્રકારનો દંભ નહિ, ઘમંડ નહિ, અહંભાવ નહિ, શિશુસહજ સરળતા, શુચિતા ને નમ્રતા. સામે જમીન પર દર્શનાર્થી સ્ત્રીપુરૂષો શાંતિપૂર્વક બેઠેલાં. કોઈ મહર્ષિ તરફ જોતાં’તાં તો કોઈ ધ્યાન કે પ્રાર્થનામગ્ન બનેલાં. થોડાંક વિદેશી ભાઈ-બહેનો પણ હતાં. બધાનું લક્ષ મહર્ષિ પર કેન્દ્રિત થયેલું.

મેં પણ મારી બેઠક લીધી.

કેવા છે આ મહાપુરૂષ ? એમનામાં કોઈ અસાધારણતા છે એવું કોઈ પ્રથમ નજરે તો કહી જ ન શકે. કોઈ અદ્ ભૂત આકર્ષણયુક્ત મુખાકૃતિ, અદૃષ્ટપૂર્વ વ્યક્તિત્વ કે દિલ ને દિમાગને આંજી નાખતા દમામથી એ સંપન્ન નથી. કોઈ વિશેષ પ્રતિભા પણ એમનામાં નથી દેખાતી. રસ્તે મળ્યા હોય, અને કોઈ આપણને કહે કે આ રમણ મહર્ષિ, તો મન માને નહિ, ને સામે પૂછે કે આવા મહર્ષિ ? તમે ભૂલતા તો નથી ને ? આ તો કોઈક બીજા માણસ લાગે છે ! એવા અત્યંત સીધાસાદા, કોઈ આશ્રમવાસી સાધારણ સાધુ જેવા દેખાય છે. એ પોતાની તરફ કોઈ જુએ છે, પોતાને નમે છે કે પુષ્પો ચઢાવે છે અથવા તો પોતાની કોઈ પ્રશસ્તિ કરે છે કે નિંદા, એની પણ એમને નથી પડી. અરે, એ તરફ એમનું ધ્યાન જ નથી ને ! એવા છે એ જીવનમુક્ત, આત્મદર્શી મહાપુરૂષ. પ્રથમ દૃષ્ટિએ એમનું મૂલ્યાંકન કરવામાં ભૂલથાપ ખાઈ જવાનો પૂરતો સંભવ છે. હા, જો માણસ સપાટીને જ અને એ પણ ઉપર ઉપરથી જોતો હોય, અને ઊંડાણને ન ઓળખી શકતો હોય તો. એમને પ્રકાશમાં લાવનાર પરદેશી યાત્રી પોલ બ્રન્ટનનું પણ એવું જ થયેલું ને ? પહેલી મુલાકાતના પરિણામરૂપે એને નિરાશા જ મળેલી. બીજી વારની મુલાકાત પછીના આશ્રમના લાંબા વસવાટ દરમિયાન જ એ એમનો શિષ્ય થયેલો. બહારના દેખાવ પરથી કોઈને માટે મહાનતાના માર્કસ થોડા જ મૂકી શકાય છે ? મહાપુરૂષને માટે તો નહિ જ.

પરંતુ.....મહર્ષિ હવે વાંચવાનું પૂરું ક્યારે કરશે ? જિજ્ઞાસુઓને એમની સાથે પ્રશ્નોત્તરી કરવી હોય તો પણ કેવી રીતે કરી શકે ? એ સામે જુએ ત્યારે ને ? આ તે વળી કેવા મહાત્મા છે ? મારે પણ  એમની સાથે વાર્તાલાપ કરવો છે. મારી ઈચ્છા જો મહર્ષિ પોતે અનુજ્ઞા આપે તો બે ત્રણ વરસ અહીં રહીને જ સાધના કરવાની છે. હિમાલયના પ્રદેશમાં લાંબા વખત લગી વાસ કર્યા પછી હવે એમ થાય છે કે અહીં મહર્ષિના સાનિધ્યમાં રહીને વિકાસ કરું. પરંતુ મહર્ષિ સામું જુએ તો જ એમની સાથે વાત પણ કરી શકું ને ? એ તો વાંચવામાં જ મશગૂલ છે !

ત્યાં જ મહર્ષિએ છાપું મૂકી દીધું.

મારા વિચારો એમને પહોંચી ચૂક્યા કે શું ? શક્ય છે કે પહોંચ્યા હોય.

એમણે હોલમાં બધે દૃષ્ટિ ફેરવવા માંડી.

જેટલા દર્શનાર્થી બેઠા હતા તે સૌના પર ક્રમે ક્રમે એમની દૃષ્ટિ ફરી અને છેવટે મારા પર આવીને સ્થિર થઈ. મહર્ષિ આટલું બધું ભાગ્યે જ કોઈના સામું જોતા હતા. મારી તરફ એ ટકટકી લગાવીને જોઈ રહ્યા. એ જોવાનું કોઈ સામાન્ય જોવાનું થોડું જ હતું ? મહર્ષિ એ દ્વારા મારા મનને જાણી લઈને મારામાં વિચાર સંક્રમણ કરી રહ્યા હતા એ એમની લાક્ષણિકતા હતી. સમાધિ પરના સંપૂર્ણ કાબૂ દ્વારા એમણે એ શક્તિ હાંસલ કરી હતી. એ મને કહી રહ્યા, 'તમારે અહીં રહીને શું કરવું છે ? તમારે માટે હિમાલયનો પ્રદેશ જ બરાબર છે. તમે ત્યાં જ રહો ને સાધના કરો. તમને શાંતિ, સિદ્ધિ કે સર્વોત્તમ દશાની પ્રાપ્તિ થશે. '
ઉપરાઉપરી આ સંદેશ આપ્યા પછી એમણે જાણે કે મને પૂછ્યું કે સમજાયું ?

મેં કહ્યું કે હા.

એટલે એમણે દૃષ્ટિ ફેરવી લીધી. કોચ પર આડા પડીને એ પત્રોના જવાબ માટે જરૂરી સૂચનાઓ આપવા લાગ્યા. મારા મનનું એ મૂક વાર્તાલાપથી સંપૂર્ણ સમાધાન થયું.

પરંતુ આટલા અવિસ્મરણીય પ્રસંગ પછી મહર્ષિ કેટલા અસાધારણ છે. અને કેટલી બધી અલૌકિક શક્તિથી સંપન્ન છે તેની પ્રતીતિ મને થઈ ચૂકી. આત્મદર્શી પુરૂષની દૈવી દૃષ્ટિ ઉપદેશો કે પ્રવચનો કરતા પણ વધારે ક્રાંતિકારી હોય છે તેની મને ખાતરી થઈ. ગુરૂ મૌનરૂપી વ્યાખ્યા કરે છે, ને શિષ્યોના સંશય છેદાઈ જાય છે. गुरोस्तु मौन व्याख्या, शिष्यास्तु छिन्न संशया ।  એ અનુભવવચન મને યાદ આવ્યું અને મસ્તક નહિ પરંતુ મન એમના ચરણમાં નમી પડ્યું.

રમણાશ્રમનો મારો ફેરો સફળ થયો. યૌગિક વિકાસથી માનવીની શક્તિ કેટલી બધી અસીમ બની શકે છે એની અપરોક્ષાનુભૂતિ મહર્ષિના સંસર્ગમાં આવેલા અનેકને થઈ હશે. આ તો એનો આભાસ માત્ર છે. આછોપાતળો આભાસ.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.