if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંત વિનોબાના જીવનનો એક પ્રસંગ છે. 

એ પ્રસંગ બિહારમાં આવેલા વૈદ્યનાથ ધામમાં બનેલો.

વૈદ્યનાથ ધામ ભારતનું સુપ્રસિદ્ધ તીર્થધામ છે. વિનોબાના જીવનમાં બનેલી ઘટનાને લીધે એ વધારે મહત્વનું બની ગયું.

વિનોબા ભૂદાનપ્રવૃત્તિના ઉપલક્ષમાં ફરતા ફરતા જ્યારે વૈદ્યનાથ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ એમનું સ્વાગત કર્યું. વૈદ્યનાથ મંદિરના મહંતે એમને આમંત્રણ આપ્યું એથી તો વિનોબાને ઘણો જ આનંદ થયો. એમણે એ આમંત્રણનો સ્વીકાર કરતાં કહ્યું કે જો મંદિરમાં હરિજનોને પ્રવેશ કરવાની છૂટ આપાય તો પોતે મંદિરમાં જરૂર આવે. ઈશ્વરના દરબારમાં જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. ઈશ્વરના મંદિરના દ્વાર સૌને માટે ખુલ્લાં રહેવા જોઈએ. ઈશ્વરના દર્શનનો અધિકાર સૌને છે.

મંદિરના મહંત વિનોબાના વિચારો સાથે સંમત થયા.

બીજે દિવસે હરિજનોને સાથે લઈને વિનોબા મંદિરમાં દર્શન માટે ઉપડ્યા.

એ વખતે સાયંકાળ હતો.

હરિજનોની સાથે આવી પહોંચેલા વિનોબાનો મહંતે સત્કાર કર્યો.

વિનોબા સંતોષ પામ્યા. બીજા દર્શનાર્થીઓ પણ સંતોષ પામ્યા. પરંતુ એ સંતોષ અસ્થાયી નિવડ્યો.

કારણ ?

કારણ એ જ કે હરિજનોની સાથે વિનોબા મંદિરનાં ગણ્યાં ગાઠ્યાં પગથિયા ચઢ્યા ત્યાં તો પંડાઓ ને બીજા લોકો એમની મંડળી પર લાઠી સાથે તૂટી પડ્યા. પછી તો એની સાથે ગાળોનો વરસાદ વરસાવવા માંડ્યો, અને 'ધર્મકી જય હો, અધર્મકા નાશ હો’ જેવો સુત્રોચ્ચાર પણ થવા લાગ્યો.

બધે શોરબકોર મચી રહ્યો.

મંડળીના સભ્યોએ વિનોબાજીને ઘેરી લીધા છતાં પણ એમને થોડીઘણી ઈજા તો થઈ જ. સભ્યો પણ ઘાયલ થયા. હિંસાએ માઝા મૂકી.

મંદિરમાં દર્શન માટે પ્રવેશવાનો વિચાર પડતો મૂકીને, 'હે પ્રભુ ! તમારા આ પ્રસાદનો હું સહર્ષ સ્વીકાર કરું છું’ એમ કહીને વિનોબાજી ત્યાંથી જ પાછા ફર્યા.

બીજે દિવસે હુમલાખોરોને સજા કરાવવાની માગણી કરવામાં આવી ત્યારે એમણે કહ્યું કે હુમલાખોર જો સાચી વાત સમજતા હોત તો આવું કરત જ નહિ. એ અજ્ઞાની હતા, માટે એમને ક્ષમા કરવી જોઈએ. હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ મારા સાથીદારો શાંત રહ્યા એ જોઈને મને પ્રસન્નતા થઈ છે. ઈશ્વરની એટલી કૃપા છે.

વિનોબા વિના આવા શબ્દો બીજું કોણ કહી શકે ? આ શબ્દો એમના મહાન આત્માની પ્રતીતિ કરાવે છે. બીજા કોઈ સામાન્ય માણસે આટલી સહનશક્તિ ભાગ્યે જ બતાવી હોત, આટલી શાંતિ પણ ભાગ્યે જ રાખી હોત અને અપમાન તથા પ્રહારને ઈશ્વરના પ્રસાદરૂપે સ્વીકારવાની મનોવૃત્તિ પણ ભાગ્યે જ દાખવી હોત. વિનોબાની એ વિશેષતા હતી.

એક બીજી વાતનો ઉલ્લેખ પણ કરવા જેવો છે. સેવાના ક્ષેત્રમાં કેટકેટલી મુસીબતોનો સામનો કરવો પડે છે, એ વાતનો નિર્દેશ પણ આ પ્રસંગ પરથી સહેજે મળી રહે છે. સેવાધર્મ જેટલો ધારવામાં આવે છે તેટલો સહેલો નથી. એ તો પરમ ગહન કે રહસ્યમય છે, અને યોગીઓને માટે પણ મુશ્કેલ છે. એમાં દરેક વખતે સન્માન જ મળે છે એવું નથી. એમાં જો ગુલાબ છે તો કાંટા પણ છે, કમળ છે તો કાદવ પણ છે. ભયસ્થાનો તથા જુદી જુદી જાતનાં પ્રલોભનો પણ છે. એમાં સદા સાવધાન ને જાગ્રત રહેવું પડે છે, ને ભળતી ભાવનાના શિકાર ન થવાય એ માટે નિરંતર આત્મનિરીક્ષણ કરવું રહે છે. માન-અપમાન, નિંદા-સ્તુતિ, લાભ-હાનિ, અને અંગત પ્રાપ્તિ-અપ્રાપ્તિ કે સ્વાર્થની ગણતરીને છોડી દઈને, એને ગૌણ ગણીને, એની વચ્ચેથી પણ જે તટસ્થતાપૂર્વક આગળ વધે છે તે જ સેવાધર્મનો સાચો ને સફળ વ્રતધારી બની શકે છે. દેશમાં એવા સાચા સેવાવીરોની જરૂર છે. દેશ ત્યારે જ બેઠો થઈ શકશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.