ઈશ્વરની પ્રેરણા મંગલમયી

ઈશ્વરની અદભુત, અચિંત્ય, મહામહિમામયી શક્તિ કેવી રીતે કામ કરે છે ? તર્કવિતર્ક કે વાદવિવાદના ક્ષેત્રમાં ઉતરવાથી એ પ્રશ્નનું રહસ્યજ્ઞાન અથવા તો સુખદ સમાધાન નહિ થઈ શકે. તર્ક એને સમજવામાં થોડીઘણી સહાયતા જરૂર કરી શકશે, પરંતુ એનું સંપૂર્ણ સ્પષ્ટીકરણ તો કેવળ સ્વાનુભવથી જ થઈ શકશે. એ શક્તિ કામ કરે છે એ સાચું છે એટલું જ નહિ પરંતુ ઈશ્વરનું સાચા દિલથી શરણ લેનાર અને ઈશ્વરમય જીવન જીવનારના જીવનમાં તો ડગલે ને પગલે કામ કરે છે એ વાત નિર્વિવાદ છે. છતાં પણ એની પ્રતીતિ લાંબે વખતે અને કોઈ વિરલ ક્ષણે કોઈ વિરલ પુરૂષને જ થતી હોય છે.

સન ૧૯૪૫માં દેવપ્રયાગના મારા હિમાલયના નિવાસ સ્થાનમાં મને ધ્યાનની દશા દરમિયાન સૂચના મળી કે મારે નવરાત્રીના દિવસો દરમિયાન કલકત્તામાં આવેલ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના પ્રખ્યાત સ્મૃતિસ્થાન દક્ષિણેશ્વરમાં રહીને સાધના કરવી. કલકત્તા મારે માટે તદ્દન નવું હતું. અત્યાર સુધીના મારા જીવનમાં મેં એની મુલાકાત નહોતી લીધી. છતાં પણ ઈશ્વરની આજ્ઞા મળી એટલે મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય જરા જોખમકારક તો હતો જ કારણ કે કલકત્તામાં મારે કોઈ નાની કે મોટી એળખાણ ન હતી. વળી દક્ષિણેશ્વરમાં રહેવાની વ્યવસ્થા થાય કે કેમ તેની ખબર પણ મને ન હતી. આટલે દૂરથી જઉં ને ત્યાં કોઈ રહેવાની અનુકૂળ વ્યવસ્થા ના થઈ શકે તો ? તો મારે આટલે દૂર પાછું આવવું પડે. મારો નિર્ણય એ રીતે વિચારતા સાહસથી ભરેલો તો હતો જ. પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. મારા જીવનમાં ઈશ્વરની સુચના, પ્રેરણા કે આજ્ઞાનુસાર જ હું ચાલતો આવ્યો હોવાથી, આ વખતે પણ સંપૂર્ણપણે શંકારહિત થઈને મારે એ સર્વશક્તિમાનની ઈચ્છાને અનુસરવાનું જ હતું.

એટલે નિઃશંક ને નિર્ભય બનીને એક મંગલમય શુભ દિવસે મેં દક્ષિણેશ્વરના દૈવી સ્થાનમાં જવા માટે દેવપ્રયાગની પુણ્યભૂમિમાંથી પ્રસ્થાન કર્યું.
કલકત્તાનો લાંબો પ્રવાસ પૂરો કરીને છેવટે હું દક્ષિણેશ્વર આવી પહોંચ્યો.

મારું અંતર એ દૈવી, સુંદર, શાંત સ્થળને જોઈને આનંદમાં ઉછળવા લાગ્યું, રોમેરોમ રસથી રંગાઈ ગયું અને અંગેઅંગ અવનવા ઉમંગથી આલોકિત થયું. એ અલૌકિક સ્થાનના દર્શનની ઈચ્છા પૂરી થતાં પ્રાણે એક પ્રકારની ઉંડી તૃપ્તિનો અનુભવ કર્યો.

પરંતુ એ આનંદ, ઉમંગ અથવા તૃપ્તિ લાંબો વખત ના ટકી. દક્ષિણેશ્વરમાં રહેવા માટે મંદિરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી અનિવાર્ય હતી. તે પ્રમાણે મેં મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રસ્ટીએ માન્યું નહિ, ને મંજૂરી ના મળી.

મારે માટે ખરેખરી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ. હવે મારે શું કરવું અને ક્યાં જવું ? સમય પૂરેપૂરી કસોટીનો હતો.

મારી આંખમાં આંસુ આવ્યાં.

મેં અંતરના ઉંડાણમાંથી પ્રાર્થના કરવા માંડી : હે પ્રભુ ! તમે મને આટલે દૂર લાવ્યા અને હવે આ શું કર્યું ? તમારી સૂચના જો સાચી હોય તો અને એ પ્રમાણે મારે અહિં રહેવાનું જ હોય તો તમારે આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો જોઈએ. નહિ તો તમારી જ લાજ જશે.

ત્યાં તો...રામકૃષ્ણદેવના એ ઓરડામાં એક ભાઈ મારી પાસે આવી પહોંચ્યા.

એમણે મારી હકીકત સાંભળીને મને હિંમત આપી.

એ જ વખતે સાયકલ પર એક બીજા સદ્ ગૃહસ્થ આવી પહોંચ્યા.

બધી વાત શાંતિપૂર્વક સાંભળ્યા પછી તેમણે કહ્યું : તમે ચિંતા ના કરશો. ટ્રસ્ટીઓનો સ્વાભાવ એવો જ છે. તેમની મંજુરી મેળવવાની કશી જ આવશ્યકતા નથી. તમે અહીં ઈચ્છા પ્રમાણે શાંતિથી રહેજો. હું મંદિરના કર્મચારીઓને કહી દઉં છું. તે તમને અહિં રહેવા દેશે. તમે અહિં રામકૃષ્ણદેવની ઈચ્છાથી આવ્યા છો તો વ્યવસ્થા પણ તે જ કરશે. હું તો નિમિત્ત રૂપ છું.

જોતજોતામાં તો બધી વ્યવસ્થા થઈ ગઈ. ઈશ્વરની સૂચના સફળ થઈ.

એ મહામહિમામયી પરમ શક્તિએ પોતાની પૂર્વયોજીત પદ્ધતિ પ્રમાણે સમગ્ર કામ કરી દીધું. કોઈનુંય કામ કરવા અથવા કોઈને પણ મદદ કરવા એ હંમેશા તૈયાર છે. પરંતુ માણસ એને માને, એનું શરણ લે અને શ્રદ્ધાશીલ બનીને એની ઈચ્છા પ્રમાણે ચાલવા તત્પર બને ત્યારે ને ? જીવનનો સાચો સ્વાદ એવી વિનમ્ર શરણાગતિને પરિણામે જ મળી શકે !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.