ભાગવતની શક્તિ

ગંગાના પાવન ને પ્રશાંત તટ પર, ઋષિમુનિ અને વિદ્વાનોની વચ્ચે બેઠેલા પરીક્ષિતને જ્ઞાનીશિરોમણિ શુકદેવે પૂછ્યું : 'રાજપાટ છોડીને અહીં આવવાનું કારણ ?’

પરીક્ષિતે ઋષિપુત્રના શાપની વાત કહી સંભળાવીને કહ્યું: 'ઋષિપુત્રનો શાપ કદી મિથ્યા ન થાય. એટલે તક્ષક નાગ મને કરડશે, અને મારું મૃત્યુ જરૂર થશે. પણ એ પહેલાં જો હું પરમાત્મામાં મારા મનને સ્થિર કરી શકું ને શાંતિ મેળવી લઉં તો ઘણું. મારું જીવન સફળ ને ધન્ય બની જાય. તમારા સિવાય મને એવી શાંતિ બીજું કોઈ જ નથી આપી શકે તેમ. માટે જ હું તમારે શરણે આવ્યો છું. મારા પર કૃપા કરો, અને મને યોગ્ય માર્ગ બતાવીને કૃતાર્થ કરો. એ જ મારી પ્રાર્થના છે.’

શુકદેવે સ્મિત કરીને પરીક્ષિત પ્રત્યે અનુકંપા ભરેલો દૃષ્ટિપાત કર્યો. કેટલો મધુર અને દૈવી દૃષ્ટિપાત ! પરીક્ષિતને એથી પ્રસન્નતા થઈ.

પરીક્ષિતની પ્રાર્થનાથી શુકદેવ એને શાંતિ તથા મુક્તિનો માર્ગ બતાવવા તૈયાર થયા.

સાત જ દિવસમાં મુક્તિ !

કામ કાંઈ ધાર્યા જેટલું સહેલું નથી. ભગીરથ છે. શુકદેવ જેવા સમર્થ પુરૂષ જ એ કરી શકે. એટલે તો એ તૈયાર થયા.

અનુકંપાથી પ્રેરાઈને એમણે પરીક્ષિતની આગળ પોતાની વાણી વહેતી મૂકી.

કેટલી બધી મધુમયી અને સરસ વાણી !

પરીક્ષિતનો પ્રાણ એનું રસપાન કરતાં થાકતો ન હતો. જેમ જેમ એ વાણીપ્રવાહ વહેતો જતો, તેમ તેમ એનો આસ્વાદ લેવાની અભિલાષા વધતી જતી. સર્વોત્તમ સદ્ ગુરૂ અને આદર્શ શિષ્ય બંને ભેગા મળ્યા. પછી બાકી શું રહ્યું ? એ બંનેના સુભગ સંમિલન આગળ કયી વસ્તુ પ્રકટ ના થાય ?

ભક્તો, યોગીઓ, સંતો, મહાપુરૂષો, અને ઈશ્વરના અવતારોની કથાઓ કહેવાયે જતી, ને પરીક્ષિત એમને એકાગ્ર ચિત્તે, ભારે પ્રસન્નતાપૂર્વક શ્રવણ કર્યે જતા.

શુકદેવના શ્રીમુખેથી કથાનું રસપાન કરવું એ પણ એક લહાવો હતો.

પરીક્ષિત સાંભળતાં ન થાકતા, અને શુકદેવ કહેતાં કંટાળતા નહિ. વચ્ચે વચ્ચે જ્યાં શંકા જેવું લાગે ત્યાં પરીક્ષિત પ્રશ્નો પણ પૂછતા ને શુકદેવ એ પ્રશ્નોનો શાંતિ તથા ઉત્સાહપૂર્વક ઉત્તર આપતા. પ્રશ્નોની પરંપરાથી એ રોષે ન ભરાતા.

એ જ્ઞાની શિરોમણીના મુખમાંથી નીકળેલી જ્ઞાનમયી, રસભરપૂર વાણી એટલે જ ભાગવત. વિદ્વાનો અને ભક્તોમાં એ અત્યંત આદરપાત્ર મનાય છે.

ભાગવતની પૂર્ણાહુતિ વખતે, છેલ્લે દિવસે, શુકદેવે પરીક્ષિતને કહ્યું: 'હવે તને શાંતિ મળી ? મુક્તિનો અનુભવ થયો ? હવે તને તક્ષક નાગના કરડવાનો ભય છે ?’

પરીક્ષિતે ઉત્તર આપ્યો: 'પ્રભુ ! હવે મને શાંતિ મળી છે. મને સમજાયું કે હું પરમાત્મસ્વરૂપ હોવાથી મુક્ત જ છું. જન્મ ને મરણ તો મારાં નહિ પરંતુ શરીરનાં છે. હવે મને તક્ષક નાગનો ભય નથી રહ્યો. એક તો શું પરંતુ હજારો તક્ષક આવે તો પણ હું તેમનાથી નથી ડરતો. મને તે નથી કરડી શકે તેમ. હું હવે નિર્ભય છું.’

ભાગવતનું કથન અને શ્રવણ સફળ થયું.

શુકદેવ તથા પરીક્ષિતને તો આનંદ થયો જ, પરંતુ ઋષિમુનિ પણ પ્રસન્ન થયા.

પરીક્ષિતે દેહત્યાગ પહેલાંની જરૂરી તૈયારી કરી લીધી.

ભાગવતને કહેવાયે કે રચાયે તો વરસો વીતી ગયાં છે, પરંતુ એનો આનંદ આજે પણ અમર છે. એનો સંદેશ સનાતન છે. માનવજાતિને માટે એની સામગ્રી અણમોલ અને આશીર્વાદરૂપ છે. મુખ્ય કથા ભારે સારવાહી છે. એનો સાર એ જ છે કે પરીક્ષિત જીવ છે. તક્ષક નાગ એટલે અવિદ્યા, અથવા સંસાર છે. શુકદેવ સદ્ ગુરૂ છે. જીવ જો એ પ્રશાંતિ પ્રાપ્ત, પરમાનંદમય, જ્ઞાનભંડાર પરમાત્મા રૂપી સદ્ ગુરૂનું શરણ લે, તો જ સંસારના ભયથી બચી શકે. એ જ માર્ગ છે અને અકસીર માર્ગ છે. જીવ એ માર્ગનું આલંબન લે તેમજ ધન્ય બને એટલી જ વાર છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.