if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહાકવિ કાલીદાસના સુપ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાકુંતલમને કોણ નથી જાણતું ? ભારતમાં અને ભારતની બહાર એની કીર્તિપતાકા ફેલાયેલી છે. કાલીદાસની એ કૃતિ વિશ્વસાહિત્યની એક અમર કૃતિ છે. ભારતના પૌરાણિક ઈતિહાસમાં નાનકડા બીજરૂપે રહેલી વાર્તાને કવિએ પોતાની એ કૃતિમાં વિશાળ અને સુંદર વૃક્ષના રૂપમાં રજૂ કરી છે. વરસો થયા છતાં એ વૃક્ષ હજુ એવું ને એવું જ લીલુંછમ અથવા તાજું છે. કાલીદાસની પ્રતિભા એમાં પરિપૂર્ણ પણે પ્રકાશી ઊઠી છે.

આવો, એ પ્રતિભાના આસ્વાદનો થોડોઘણો આનંદ લઈએ. જેવી રીતે વિશાળ સાગરના એક સાધારણ ભાગનો સ્પર્શ કરવાથી પણ પંખીને સમસ્ત સાગરમાં સ્નાન કરવા જેટલો આનંદ મળે છે, પુષ્પની પરિમલ ભરેલી એકાદ પાંખડીને સૂંઘવાથી પણ આખાય પુષ્પને સૂંઘવા જેટલો સંતોષ પ્રાપ્ત થાય છે અને મધના ભંડારમાં રહેલી મીઠાશ મધનાં બેચાર બિંદુ પણ પૂરી પાડે છે, તેવી રીતે એનો થોડોઘણો આસ્વાદ પણ આપણને આનંદ આપશે, રસ પૂરો પાડશે અને એક જાતના સ્વર્ગીય સંતોષથી ભરી દેશે.

ચાલો ત્યારે, કણ્વ મુનિના આશ્રમમાં શકુંતલા પોતાની સખીઓની સાથે બેઠી છે ત્યાં કલ્પનાની કદી ના કરમાનારી પાંખ પર બેસીને પહોંચી જઈએ, એ પવિત્ર ભૂમિની મુલાકાત લઈએ.

દુષ્યંતની વિદાય પછી શકુંતલા મંત્રમુગ્ધ જેવી બની ગઈ છે. દિવસ ને રાત એ દુષ્યંતને જ યાદ કર્યા કરે છે. દુષ્યંત સિવાય એની દુનિયામાં જાણે કોઈ રહ્યું જ નથી. આશ્રમનાં કાર્યોમાં એ જરૂરી ધ્યાન નથી આપી શકતી. તન એનું આશ્રમમાં, પણ મન દુષ્યંતની સાથે છે, દુષ્યંતની આજુબાજુ જ ભમ્યા કરે છે. ઘડીમાં એ દુષ્યંતની સ્મૃતિ પરથી એનું ચિત્ર દોરે છે તો ઘડીમાં દુષ્યંત સંબંધી પ્રલાપો કરે છે. એનું હૃદય સંપૂર્ણપણે હરાઈ ગયું છે. પ્રેમના બાણથી આરપાર વિંધાયેલી હરણીના જેવી એની દશા છે.

એ દશામાં એ શૂન્યમનસ્ક સમી બનીને બેઠી છે. ત્યાં આશ્રમમાં એકાએક દુર્વાસા મુનિનું આગમન થયું. દુર્વાસા મુનિને તો જાણો છો ને ? ભારતના મહાન યોગી ને તપસ્વી. મોટામોટા રાજાઓ ને ઋષિઓ પણ એમને માન આપે. એમનું દર્શન દેવોને પણ દુર્લભ કહેવાય. પુણ્યોનો પરિપાક થયો હોય, સૌભાગ્યનો સુરજ ઊગ્યો હોય, તો જ એમનું દર્શન પામી શકાય.

શકુંતલા કણ્વ ઋષિની માનીતી હતી. કણ્વ ઋષિ આશ્રમની બહાર ગયા ત્યારે એને અતિથિસત્કારનો ભાર તથા બીજી કેટલીક પ્રવૃત્તિઓ સોંપી ગયેલા. એટલે અને આશ્રમની એક સામાન્ય કે અસામાન્ય સદસ્યા તરીકે પણ, દુર્વાસા મુનિનો સત્કાર કરવાની એની ફરજ હતી. પરંતુ દુષ્યંતના ધ્યાનમાં લીન હોવાથી એ ફરજ એ ચૂકી. દુર્વાસાનો સત્કાર કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ દુર્વાસા જોઈને એ સવિનય ઊભી પણ ન થઈ. કેટલું બધું ખરાબ કહેવાય ?

દુર્વાસાને થયું કે આ છોકરી ભવિષ્યમાં દુષ્યંતના મહેલમાં મહારાણી થઈને રહેવાનાં સ્વપ્નાં સેવે છે, પણ શિષ્ટાચારને ભૂલી ગઈ છે. સંતોના સત્કારના ધર્મથી વંચિત થઈને દુષ્યંતના ધ્યાનમાં એ ગળાબૂડ ડૂબેલી છે. તો દુષ્યંતના મહેલમાં ગયા પછી તો એ કેટલી બધી પ્રમાદી બનશે ? ધર્મ ને નીતિની મર્યાદાને  કેવી રીતે પાળશે ? આ છોકરીની આંખ ઉઘાડવી જોઈએ અથવા એને પાઠ શીખવવો જોઈએ.

એવો વિચાર કરીને દુર્વાસાએ તરત જ એને શાપ આપ્યો.

विचिंतचंती यमनन्यमानसा, तपोधन वेत्सि ने मामुपस्थितम !
स्मरिष्यसित्वां न संबोधितोङपिसन कथां प्रमतै प्रथमकृतामिव. ।

‘હે શકુંતલા ! હું આશ્રમમાં આવીને ઊભો રહ્યો છું છતાં તું મારો સત્કાર કરતી નથી, ને બીજાનું અતિશય પ્રેમમાં ડૂબીને ચિંતન કર્યા કરે છે. તેથી હું તને શાપ આપું છું કે જેવી રીતે ગાંડો માણસ પહેલાં કહેલી વાતને ભૂલી જાય, તેવી રીતે તું તેને યાદ કરતી રહીશ તો પણ તે તને ભૂલી જશે.’

શાપ સાંભળીને શકુંતલાના હૈયામાં હાહાકાર થઈ રહ્યો. દુર્વાસાનો શાપ મિથ્યા થાય નહીં. હવે શું કરવું ? દુર્વાસાને પ્રસન્ન કરવાનો એણે પ્રયાસ કર્યો. પરિણામે થોડી છૂટછાટ મળી. પરંતુ શાપ રહ્યો તો ખરો જ.

કાલીદાસે આ પ્રસંગ દ્વારા સંદેશ આપ્યો છે, બતાવ્યું છે કે પ્રેમ અને કર્તવ્ય બંને સાથે સાથે રહેવા જોઈએ. પ્રેમ અથવા તો રાગ અને આસક્તિને નામે જરૂરી ધર્મ, વ્યવહાર કે ફરજ પ્રત્યે આંખમીંચામણા કરવાનાં ના હોય. બંનેનું જીવનમાં પોતપોતાનું અનિવાર્ય સ્થાન છે, એ સમજી લેવું જોઈએ. બીજા સામાન્ય જનો નહીં સમજે તો ચાલશે, પરંતુ જેમના હાથમાં શ્રી કે સત્તા આવવાની છે, અથવા તો છે, તેમણે તો તે સમજી લેવું જ પડશે. તો જ જીવન ઉન્નત બની શકશે. પ્રેમ આશીર્વાદરૂપ છે, પરંતુ કર્તવ્યથી વિમુખ કરે એવો અંધ કે જડ નથી. એ વાત હૃદયમાં લખી રાખવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિ અને એના સૂત્રધારોની આ શિક્ષા છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.