Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એવરેસ્ટ કરતાં પણ ઊંચા હિમાલયના શાંત શિખર પર સમાધિમાં લીન બનીને તમે બેઠા છો. વાતવરણ છેક શીતળ છે, ને આજુબાજુ તમારું દર્શન કરવા મસ્તકને ઊંચું કરીને ઊભેલા બરફના પર્વત છે. ત્યાં સ્નેહ ને શાંતિના સરોવર જેવાં લોચન બીડીને સમાધિમાં લીન બનીને તમે બેઠાં છો.

ત્યાં અચાનક એક કન્યા આવે છે, ને તમને ભેટી પડે છે. તેના વદન પર વિષાદ છે.

તેના આશ્લેષથી તમારી આંખ ઊઘડી જાય છે, ને તેમાંથી અમીની ધારા ઢળવા માંડે છે. ભાવભરેલી મીઠાં વચનમાં પવનની પાંખ પર બેસીને તમે વાતાવરણમાં જાણે કે વહેવા માંડો છો. પ્રેમથી પ્લાવિત થઈને, શબ્દના સંગીતની ગંગાના રૂપમાં તમે પ્રકટી ઊઠો છો, ને કન્યાની સાથે ચાલો છો. તમારા એ અલૌકિક આવિર્ભાવથી અવનીનો આનંદ માતો નથી, ને પ્રકૃતિ પ્રસન્નતાના પાવન ગીતમાં ડૂબી જાય છે.

એ કન્યા તે કરુણા અથવા પ્રીતિ, ને તમારા શબ્દના સંગીતની પ્રકટ થઈને પૃથ્વી પર વહેવા માંડેલી ગંગા તે હું. એ કન્યાના આકર્ષણથી તમે આ જગતમાં સ્વેચ્છાએ જન્મો છો, ને મારા રૂપમાં યુગેયુગે શ્વાસ લઈને વિહરો છો.

- શ્રી યોગેશ્વરજી