Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગંગાના કિનારા પર સમી સાંજે મારી ને તેની મુલાકાત થઈ ગઈ. આકાશમાં સંધ્યાના કેસરિયા રંગો ફરી વળ્યા હતા, ને ગંગાજલની તાજગીથી ભરેલી પવનની લહરીઓ ચારે બાજુ ફરી રહી હતી. ત્યારે પર્વતોની તળેટીમાં અમારી મુલાકાત થઈ ગઈ: ગંગાના કિનારા પર મારી ને તેની મુલાકાત થઈ ગઈ.

તેના અવનવા વેશથી અજાયબ બનીને મેં તેને પ્રશ્ન કર્યો કે ‘આ શું? સુંદરતાના ઉપહારરૂપે ઈશ્વરે આપેલા તારા કોમળ ને લાંબા કેશ ક્યાં ને .....’

ને અધીરાઈમાં આવીને તેણે વચ્ચે જ કહેવા માંડ્યું: ‘શું તમને ખબર નથી કે હું સંન્યાસિની બની ગઈ છું? ગુરૂના કહેવાથી મારા કેશ કાઢી નાખવામાં આવ્યા છે, ને મેં ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં છે. બહારની સુંદરતામાંથી મન પાછું વાળ્યા વિના મુક્તિ નથી, તેની તમને ખબર નથી?’

‘શિવ ને સુંદરતાનો સ્વામી ઈશ્વર આ વાતને ભાગ્યે જ પસંદ કરશે.’ મેં તેને ઉત્તર આપ્યો: ‘મનની નિવૃત્તિ ને મુક્તિ માટે તે આ માર્ગને ભાગ્યે જ પસંદ કરશે. ને ઈશ્વરે તને જે મનોહર મુખ આપ્યું છે, નેહભીનાં નેન ને સુધાછલેલાં વેણનું દાન કર્યું છે: દિર્લના માર્દવ ને પ્રેમમાં તેણે તારામાં ઘર કર્યું છે, તેને તું કેવી રીતે દૂર કરી શકશે? ને તેણે આપેલાં સ્ત્રીસહજ શરીરને કોટિ ઉપાયે પણ કેવી રીતે છોડી શકશે? અરે, તને કેમ સમજાવું કે તેને છોડ્યા વિના પણ તું તે પ્રિયતમને પ્રેમ કરી શકશે ને મુક્તિ મેળવી લેશે.’

મારાં વચનથી તે વિચારમાં પડી ગઈ, ને ગંગાની લહરી વધારે વેગથી વહેતી થઈ. ગંગાના કિનારા પર સમી સાંજે આમ મારી ને તેની યાદગાર મુલાકાત થઈ ગઈ.

- શ્રી યોગેશ્વરજી