Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સમી સાંજે એક પ્રચારકે મારા નાના સરખા પ્રાંગણમાં પ્રવેશ કર્યો ને ત્યાં આવેલા તુલસી ક્યારાને જોતો તથા રંગબેરંગી સુમનની સુવાસ લેતો લાંબા વખત લગી ઊભો રહ્યો. અંદરથી સંગીતના સૂર નીકળતા હતા. તેના સુધામય સ્વાદમાં મસ્ત બનીને તે લાંબા વખત લગી ઊભો રહ્યો.

બહાર આવીને જોયું તો તેણે મને પ્રણામ કર્યા, ને ફૂલોની ફોરમને સંગીતની સુરાવલિની પ્રશસ્તિ કરીને તે મારી પાસે ઊભો રહ્યો. તેના આગમનનું કારણ પૂછતાં હાથમાંનું પુસ્તક બતાવીને તેણે કહેવા માંડ્યું: ‘જીવનદાન દેનારા મહાનુભાવોના નામનું આ પુસ્તક છે. તમારી પાસેથી પણ હું જીવનદાનની આશા રાખું છું. તમે પણ તમારું નામ સમાજના સેવક તરીક લખાવી લો.’

‘તમારા પુસ્તકમાં મારું નામ નથી, છતાં બાળપણથી મેં જીવનનું દાન દીધેલું છે.’ મેં તેને ઉત્તર આપ્યો: ‘ઈશ્વર ને તેની સૃષ્ટિને માટે મેં જીવન અર્પણ કર્યું છે. ફૂલોની ફોરમ ને સંગીતની સુરાવલિમાં મન લગાડ્યા વિના તેની સેવામાં હું તત્પર છું. ને તેની પૂર્તિમાં મેં કહી દીધું કે ઈશ્વરને માટે જે જીવનનું દાન દઈ દેશે તે ઈશ્વરનો બની જશે, તે જ સમાજની સાચી સેવા કરવાની શક્તિ મેળવી શકશે.’

તેણે ફરી પ્રણામ કરીને ચાલવા માંડ્યું.

- શ્રી યોગેશ્વરજી