Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નવયુવાન નર્તકીએ આજે રંગમંચ પર મન મૂકીને નર્તન કર્યું, ને પછી ઉમંગથી ઉભરાઈને પોતાને પ્રિય એવા યુવાનની આંખે આંખ મિલાવીને પ્રશંસાના શબ્દો સાંભળવા ઊભી રહી. યુવાન પર તેને અનુરાગ હતો, ને તેને ખાતરી હતી કે પોતાના અભિનય પર વારી જઈને તે તેના પ્રેમનો સ્વીકાર કરશે. યુવાનની પાસે આવીને અંતે તે એક જ આસન પર બેસી ગઈ.

યુવાને તેને પ્રણામ કરીને કહેવા માંડ્યું: ‘ઈશ્વરની સાધારણ સુંદરતાનું દર્શન કરીને હું તને વંદન કરું છું. તારા દેહનું નર્તન ઘણું સુંદર હતું, એ હું કબૂલ કરું છું. પણ સુંદરતાના શિરોમણિ ઈશ્વરને માટે જો મારા દિલનું નર્તન થાય, તો પરિણામ કેટલું પાવનકારી આવે એની કલ્પના કરું છું. મારી પ્રાર્થના છે કે ઈશ્વરે આપેલી કળાની આરાધના મારા સરખા સાધારણ માનવ-શરીર માટે નહીં, પણ ઈશ્વરને માટે જ કર. હું તારામાં તે જ ઈશ્વરની ઝાંખી કરું છું.’

ને આજે રાતે એ નર્તકીની કાયાપલટ થઈ ગઈ: જે એક માનવની થવા માગતી હતી, તે સારાય સંસારની ને તેના સ્વામી ઈશ્વરની બની ગઈ.

- શ્રી યોગેશ્વરજી