શ્રાવણની વહેલી સવારે તેણે મારા આશ્રમના આંગણામાં પ્રવેશ કર્યો, ને પ્રણામ કરીને તે મારી પાસે ઊભી રહી.
તેની આંખમાં આતુરતા હતી: કાયામાંથી સુવાસ ફેલાતી હતી. રોમેરોમે રસ ભરીને પ્રેમથી પરિપ્લાવિત કરવા જાણે તે આવી હતી. કુમારી વેશમાં તે ઓછી આકર્ષક ન હતી.
તેણે કહ્યું: ‘હું તમને વરવા આવી છું. મારું નામ સિદ્ધિ છે. મારી મદદથી પુરુષ પુરુષોત્તમ બની શકે છે. તમારી આજ્ઞા હોય તો હું તમારા કંઠમાં મારી માળા અર્પણ કરી શકું.’
મેં કહ્યું: ‘મારી ના નથી. નમ્રતા, દયા, ને સેવાભાવના જે મારામાં હાજર છે; તેને હરકત ના કરવાનું વચન આપે, ને મારી નિસ્વાર્થતા કાયમ રાખે, તો મારી ના નથી.’
ને તેણે સસ્મિત સંમતિ આપીને મારા કંઠમાં પોતાની માળા પહેરાવી દીધી.
અદૃશ્ય થતાં પહેલાં તે કહેતી ગઈ: ‘સ્વાર્થ અને અહંકારની દાસી બનું છું, ત્યારે જ હું શાપરૂપ થાઉં છું: નમ્રતા ને નિસ્વાર્થતાને માટે તો સદાય આશીર્વાદરૂપ છું. તમારા નિર્ણયથી હું પ્રસન્ન છું. તમારી સાથે સ્નેહ કરી સંસારને સુવાસિત કરવા હું સદાય તૈયાર રહીશ.’
- શ્રી યોગેશ્વરજી