મુંબાઈના મોટા મકાનમાં એક મહાપુરુષનો મુકામ હતો. તેમની કીર્તિ સાંભળીને કેટલાય માણસો તેમના દર્શને આવતા હતા. મુંબાઈના મોટા મકાનમાં એક મહાત્મા પુરુષનો ઉતારો હતો.
નવાઈની વાત એ હતી કે તેમની પાસે પુરુષો જ જઈ શકતા.
એકવાર એક ભાવિક ભક્તે તેમના મકાનમાં પ્રવેશ કર્યો. તેમની સાથે તેમની નાની કન્યા પણ હતી. તેણે કુમારનો વેશ પહેર્યો હતો. મહાત્મા પુરુષને જ્યારે તેની જાતિની ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગયા ને કહેવા માંડ્યા કે: ‘મારા નિયમનો આજે ભંગ થયો કેમ કે હું સ્ત્રીનું મુખ જોતો નથી.’
તે સાંભળીને પેલી આઠ વરસની કન્યા પણ નવાઈ પામી. તેણે કહેવા માંડ્યું: ‘મહારાજ, માફ કરજો, પણ મારે કહેવું પડે છે, શું તમે તમારી મા નું મુખ નથી જોયું? તેનું દર્શન સ્ત્રીમાત્રના મુખમાં કેમ નથી કરતા? સ્ત્રીને ના જોઈને તો તમે કુદરતની એક મહાન કવિતાથી વંચિત રહો છો. ભેદભાવની દૃષ્ટિનો ત્યાગ કરો તો સ્ત્રીને જોવામાં અપરાધ હોય એમ મને તો નથી લાગતું.’
ને એ સાધારણ દેખાતી કન્યાના શબ્દોએ વૃદ્ધ મહાત્માના દિલનાં બંધ બારણાંને ઊઘાડી નાખ્યાં. તેમને એટલી મોટી ઉંમરે પણ જાણે બાળપણ મળી ગયું.
- શ્રી યોગેશ્વરજી