સાગરના તટ પર બેઠેલાં બે પ્રેમી સમી સાંજે વાત કરતાં હતાં. સ્ત્રીએ કહ્યું: ‘હું તમારા વિના એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. તમે મારા પ્રાણ છો, પ્રાણાધાર છો, મારા જીવનની ગતિ છો. આપણે આમ ચોરીછૂપીથી મળીએ ને પ્રેમ કરીએ તેના કરતાં લગ્નની ગાંઠે વહેલામાં વહેલાં બંધાઈ જઈએ તે વધારે સારું છે.’
પુરુષ તેના સંધ્યાની સુરખી ભરેલા મુખને એકીટશે જોઈ રહ્યો ને તેની મધુરતાનું પાન કરવા લાગ્યો.
એ પછી એક સાંજે બેય છૂટાં પડ્યાં.
ચાર વરસ વીતી ગયાં ને એક ત્રીજી સાંજે બંને પાછા ભેગાં મળ્યાં. પણ વડીલોની વચ્ચે દિલ ખોલીને વાતો ના કરી શક્યાં. તેમની એ મુલાકાત આકસ્મિક ને તદ્દન ટૂંકી હતી.
પાંચમે વરસે પરદેશ ગયેલા પુરુષનું તે નગરમાં ફરીવાર આગમન થયું. સ્ત્રીને તેણે તેની સખી સાથે પોતાના આગમનનો સંદેશ પહોંચાડ્યો. તે સાંભળીને સ્ત્રીએ તરત ઉત્તર આપ્યો: ‘મને હવે કશામાં રસ નથી. ને કામ એટલું બધું છે કે કોઈને પણ મળવાનો મને વખત જ ક્યાં છે?’
એ વખત પણ સમી સાંજનો હતો.
આશ્ચર્ય એ હતું કે એ ઉત્તર સાંભળ્યા છતાં પણ પુરુષનો પ્રેમ એવો જ અચલ હતો. કેમ કે તે વિવેકવાળો ને બદલાની ઈચ્છા વિનાનો હતો.
- શ્રી યોગેશ્વરજી