ચોમાસું વીતી રહ્યું છે પણ વરસાદ વરસતો નથી, ખેડૂત ને જનતાનાં મનમાં મુંઝવણ થઈ રહી છે. ઠેકઠેકાણે યજ્ઞો થઈ રહ્યા છે, ને પ્રાર્થના કરાય છે. વરસાદ વરસતો નથી તેથી માણસોના મન ઊંચાં થયાં છે.
એવા સંકટના સમયમાં બે બાળકો એક એકાંતવાસી મહાપુરુષના આશ્રમમાં ગયા. મહાત્મા પુરુષને પગે લાગીને તે બેઠા. વરસાદની વાત નીકળતાં મહાપુરુષે કહ્યું: ‘બાળકો, વરસાદ નથી આવતો તેથી મને આનંદ થાય છે. વરસાદ વખતે મારી મઢુલી ચૂવે છે. એટલે વરસાદ ના વરસે તેવી મને ઈચ્છા રહે છે.’
બાળકો બોલ્યાં: ‘પ્રભુ, તમને મઢુલીની ચિંતા છે પણ અમને તો સારા સંસારની છે. તમે પણ સંસારને માટે વરસાદની કામના કરો. બહુ બહુ તો એટલી ઈચ્છા કરો કે તમારી મઢુલીમાં ચુવે નહીં. પણ સંસારની ચિંતા કરવામાં આનંદ માનો એવી અમારી પ્રાર્થના છે.’
- શ્રી યોગેશ્વરજી