Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ભૂમિહીનોને માટે ભૂમિ એકઠી કરવા એક લોકસેવક ફરી રહ્યા હતા. ગામે ગામ તેમનાં પ્રવચન ચાલતાં હતાં. તેમને સાંભળવા લોકો ટોળે મળતા ને ભૂમિ તથા ધનને અર્પણ કરતા હતાં.

અનિકેત જેવા એ લોકસેવકની સાથે એક લોકકવિ પણ ફરતાં હતાં. તેમનો સ્વર ઘણો મીઠો ને બુલંદ હતો. તેમને પ્રવચન કરવા ને ગીત સંભળાવવા લોકસેવક વારંવાર કહેતા હતા, પણ કવિ તે માટે સાભાર ના પાડતા હતા.

આખરે લોકકવિ લોકસેવકને લઈને પોતાના ગામમાં આવી પહોંચ્યાં. આંખમાં આંસુ સાથે પોતાની પરંપરાગત ભૂમિનો મોટો ભાગ લોકસેવકના ચરણમાં ધરી દઈને તે કહેવા માંડ્યા: ‘આજે મને શાંતિ વળી. આજે હું તમારા કહ્યા પ્રમાણે ગીત ગાઈ સંભળાવીશ. મારા પ્રભુ, ભૂમિનો માલિક બનીને હું ભૂમિનું દાન કરવાનો ઉપદેશ કેવી રીતે આપી શકું? સ્વયં સ્વાર્થી બનીને બીજાને નિસ્વાર્થ બનવાનો સંદેશ કેવી રીતે આપી શકું? માટે જ હું શરમાતો હતો. આજે મારી શરમ દૂર થઈ.’

- શ્રી યોગેશ્વરજી