Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કેશમાં કબરીવાળી કન્યાએ એકાંત મંદિરમાં પ્રવેશ કર્યો, ને મંદિરના ચોકમાં બેઠેલા પૂજારીના ચરણમાં ફૂલ અર્પણ કરીને ઊભી રહી.

‘કેટલાય વખતથી હું તમને એકાંતમાં મળવાનો લાગ જોતી હતી. મારા સદભાગ્યે આજે મને એ ક્ષણ મળી ગઈ, જેને માટે મારી ચિરકાળની કામના હતી. મારા સર્વસ્વ સાથે તમારી સેવા કરવા હું આવી પહોંચી છું; તમે મારો સ્વીકાર કરો.’

એમ કહીને તે પૂજારીના ચરણમાં પડી, પણ કોઈનેય ના અડવાનો નિયમ કરી ચૂકેલો પૂજારી પાછો હઠ્યો. ત્યારે જરા હતાશ થઈને તે બોલી ઊઠી: ‘શું તમને પ્રેમ કરવામાં પાપ છે? તમને દિલ દેવું એ અપરાધ છે?’

પૂજારીએ કહ્યું: ‘મને પ્રેમ કરવામાં પાપ નથી, પણ મોહ કરવામાં પાપ છે. ને દિલ તો તેને જ દેવા જેવું છે. જેણે તેનું દાન કર્યું છે. મને નહિ, હું તો પૂજારી છું. મારે માટે નહિ પણ મારા પ્રભુને માટે સર્વ સમર્પણ કરવું બરાબર છે.’

ને કન્યાનો મોહપડદો તૂટી ગયો. તેના દિલમાં વિવેકનો ઉદય થયો.

- શ્રી યોગેશ્વરજી