Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કવિનું અંતર અનુરાગથી ભરાઈ ગયું હતું. જ્યારથી તેણે પોતાના મંદિરની મેડી પરથી એ રૂપવતી કુમારીને પાસેના રસ્તા પરથી પસાર થતી જોઈ, ત્યારથી તેનું મન મોહિત થઈ ગયું.

રોજ સવારે રસ્તા પરથી એ રૂપકુમારી પસાર થતી, ને રોજ તેના પસાર થયા પછી કવિ તેનાં પગલાં પર પુષ્પોનો વરસાદ વરસાવતો. આજે તો તેણે પહેલેથી જ પુષ્પો વરસાવી દીધાં; ને કુમારી આવી ત્યારે હિંમત કરીને તેના પર ગુલાબ નાખ્યું. કુમારીએ ઉપર જોયું. એની આંખમાં અમૃત હતું. તેનાથી કવિને સંજીવન મળ્યું. ને વધારે હિંમત કરીને તેણે એક નાનો સરખો પત્ર પણ તેની તરફ રવાના કર્યો. પત્રમાં તેણે કુમારીને પોતાના પ્રેમનો સ્વીકાર કરવા ને પોતાની સાથે પ્રેમ કરવા જણાવ્યું.

બીજે દિવસે કવિએ રૂપકુમારીની ધડકતે હૃદયે રાહ જોઈ. કુમારી આવી પહોંચી ને કવિને એક નાનો સરખો કાગળ આપીને ચાલતી થઈ.

કાગળમાં લખ્યું હતું: ‘કિરણની પૂજા કરવાને બદલે જેનું કિરણ છે તેની પૂજા કરો. તેની સુંદરતા ને તેના પ્રકાશનો ખ્યાલ કરીને તેને માટે જ સર્વસમર્પણ કરો, એમ ઈચ્છું છું. હું પણ તેની જ આરાધના કરી રહી છું.’

ને કવિની જીવનકવિતા જાગી ગઈ: તેની હૃદયવીણા વાગી ગઈ.

- શ્રી યોગેશ્વરજી