Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દૂર દેશના ડાહ્યા રાજાએ એક વાર જાહેર કર્યું કે મારા રાજ્યમાં જે સૌથી શ્રેષ્ઠ શ્રીમંત હશે તેને માન આપવામાં આવશે.

એ જાણીને દેશના ખૂણેખૂણેથી શ્રીમંતો ભેગા થયા. જેમના પર લક્ષ્મીની કૃપા હતી, ને ભાગ્યની અનૂકુળતાથી જે સર્વે પ્રકારની સંપત્તિના સ્વામી થયા હતા, તે રાજાને હાથે માન મેળવવાની મહેચ્છાથી રાજમંદિરમાં એકઠા થયા. જાણે કે મોટો મેળો જામ્યો. કોઈ મોટા પેટવાળા તો કોઈ મોટી ગરદનવાળા. શરાફો ને શ્રીમંતોનો તેમાં પાર ન હતો.

રાજાએ સૌનો સત્કાર કર્યો ને સૌને યોગ્ય સ્થાન સુપ્રત કર્યું. તે પછી નક્કી કરેલા સમયે તે મંત્રીની સાથે શ્રેષ્ઠ ધનવાનની પસંદગી કરવા નીકળ્યો. સભામાં બધે ફરી વળ્યો, પણ તેને કોઈ પસંદ ના પડ્યું.

સભાસ્થાનના દરવાજા પાસે એક સાદા ને સફેદ વસ્ત્રોમાં સજ્જ ખેડૂત ઊભો હતો. ખેતરમાં જતાં તે કુતૂહલવશ સભાને જોવા આવ્યો હતો. રાજાએ તેને પસંદ કર્યો ને તેને બહુમાનનો અધિકારી માન્યો, ત્યારે બધાને નવાઈ લાગી. પણ રાજાએ કહ્યું: ‘મારા નિર્ણયને નવાઈની નજરે જોવાની નહિ જરૂર નથી. સાચી શ્રીમંતાઈ ધનમાં નહિ પણ હૃદયમાં ને બાહુ બળમાં વસે છે. શરાફ નહિ પણ આ સાદો ને નિર્દોષ ખેડૂત મારા રાજ્યનો સાચો શ્રીમંત છે, શ્રીમંતનો પ્રતિનિધિ છે.’

- શ્રી યોગેશ્વરજી