જીવન કૃપા વિનાનું જાય.
તમારા વિના મોંઘું જીવન મોલ વિનાનું થાય;
તમે મળો તો ઉત્સવ થાયે, હરખ ન મારો માય ... જીવન.
તલસું તેમજ ચાહું તમને કરતાં કૈંક ઉપાય;
તોપણ વિરહતણું અંતર ના કાયમકાજ મપાય. ... જીવન.
તરસે મરે મુસાફર તોપણ કીર્તિ તમારી ગાય;
તમારા વિના તપી રહ્યાને આપો શીતળ છાંય. ... જીવન.
ખરચી ખૂટે નહીં કૃપા ને લુંટી ના જ લુંટાય;
પ્રેમતણું પાણી ઢોળી દો, ‘પાગલ’ પ્રાણ સુકાય ... જીવન.
(૭-૮-૧૯૫૭, બુધવાર. શ્રાવણ સુદ બારસ)
– © શ્રી યોગેશ્વરજી

