જેણે શરણ તમારું લીધું તેને શોકતણું શું કામ,
આઠે પહોર આનંદ કરે તે તો આત્મારામ.
જેણે પ્રેમપાન છે કીધું, તેને ડરવાનું શું કામ;
નિર્ભય બનતાં વિચારે તે તો કરી જન્મ કૃતકામ ... જેણે શરણ.
જેણે કૃપા તમારી ચાખી, તે હારે શાને હામ;
નિષ્ફળતા કે મળે નિરાશા તો પણ તેનું કામ
કર્યા કરે તે શ્રદ્ધા રાખી ધારી ધૈર્ય તમામ ... જેણે શરણ.
શિર પર હો હસ્ત તમારો, તો સફળ થાય જનમારો;
છાયા પામે તે મહાસુખ પામે, અંતરનો આરામ;
‘પાગલ’ જે થયો તમારો, પામ્યો તે ઉત્તમ દામ;
જીવનને ડગલેપગલે તેને રક્ષા, પાઓ જામ ... જેણે શરણ.
(૫-૯-૧૯૫૭, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

