Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ડુંગર ભલેને કદી દુઃખના પડે,
અંતર મૂંગું બનીને રોજે ને રડે;
વેદનાની વરસે છો જીવનમાં ધાર,
તોય મારી કરમાયે શ્રદ્ધાની ના માળ.
સહન કરી શકું હું શાંતિથી તેને,
સાથ છોડું તમારો ના કો’દીયે કેમે.

વિપત્તિનો વરસાદ ચારે પાસે હો,
વિઘ્નતણાં વાદળાંયે ઘુમ્યા કરે છો;
ચપલા ચિંતાની ભલે ચમક્યા કરે,
ભય લાગે લેશ નહીં, આશા ના ટળે.
સ્મિત કરી સહી લઉં શાંતિથી એને,
સાથ છોડું તમારો ના કો’દીયે કેમે.

ગોઠવેલી બાજી ભલે બગડીયે જાય,
પ્રતિકૂળતાની અનુકૂળતા ના થાય;
લોક કરે નિંદા તેમ સ્નેહી ઉપહાસ,
ભાવનાનું ભાથું તોય થાય ના ખલાસ.
સહન કરી શકું હું શાંતિથી તેને,
સાથ છોડું તમારો ના કો’દીયે કેમે.

તમારો હેતાળ હાથ શરીરે ફરે,
સુધામયી શીળી સોડ સદાયે મળે;
પરવા નથી પછી તો જીવનમાં કૈં,
કાપી નાખું મારગ આ મહારથી થૈ.
તમે જેને હૈયું ધરો કમી શી તેને ?
સાથ છોડું તમારો ના કો’દીયે કેમે.

(૧૮-૯-૧૯૫૭, બુધવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit