તમે તો કૈંક વિચાર કરો !
કાળજુ કોમળ કુસુમથકીયે વિરહ વળી કપરો;
કેમ કરીને સહી શકાયે, લેશ વિચાર કરો ... તમે તો.
નાનું દિલ પણ પ્રેમ પ્રબળ છે, આપું ખ્યાલ ખરો;
માયાનો મહેરામણ ઉછળે નેહભરેલ નરો ! ... તમે તો.
રોમરોમમાં રાગ તમારો, શ્વાસે સ્નેહ ભર્યો;
આશ અનંત ભરી અંતરમાં, રૂપે પ્રાણ ઠર્યો ... તમે તો.
તમારા વિના સંસાર ખરે સૂનો છે સઘળો;
‘પાગલ’ની પીડા પ્રાણતણી પ્રકટી દરદ હરો ... તમે તો.
(૨૯-૧૧-૧૯૫૭, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી

