આપત્તિ અનંત આવે જીવનમાં છો,
વાયરા વહેતા નિત વેદનાના હો;
તમારી કૃપા છે પછી પરવા નથી,
નિરાશ થવાનું કોઈ કારણ નથી !
નિંદા ને ટીકાનું મળે હલાહલ છો,
સ્વાગતના શબ્દ કહે સ્નેહી નહીં કો;
તમારી છે અમીદૃષ્ટિ – તમા નથી કૈં,
મિલ્કત મને તો માનું મોટી મળી ગૈ.
એકાકી સફર ભલે કરવી પડે,
આગે બઢું શ્રદ્ધા જોમ હિંમત વડે;
તમારા હૈયામાં મારું સ્થાને છે થયું,
રાજ મળ્યું પ્રેમામૃત તમારું મળ્યું !
કસોટી આવે તે ભલે ભગીરથ હો,
ચિંતા શી છે, તમે મારી પડખમાં છો;
‘પાગલ’ છો મારે માટે, હું તમારે કાજ,
તમારી પાસે છે મારી સલામત લાજ.
(૧૪-૨-૧૯૫૮, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી

