તમારી થાય કૃપા જો આજ,
તો તો મુજને શાંતિ મળે ને રહે તમારી લાજ. ... તમારી.
તનમન નૂતન બને, રસ ધરે ને ઈન્દ્રિયસમાજ;
આનંદ છવાયે આંગણિયે, વાજે ઝાંઝપખાજ. ... તમારી.
આતમનો અસ્ત થયા જેવો લાગે આજ અવાજ;
પૂરણરૂપે થાય પ્રકટ તે પામી દિવ્ય અવાજ. ... તમારી.
અનેક દિનની ફળે આશ ને શમે સાધના ખાસ;
રોમરોમ હો કૃતાર્થતા ને નવજીવનનો વાસ. ... તમારી.
સમર્થ તો પણ કાં તલસાવો હજી ગરીબનિવાજ !
‘પાગલ’ને ભાવ કરી ભેટો સજવા સુંદર સાજ. ... તમારી.
(૭-૭-૧૯૫૮, સોમવાર)
– © શ્રી યોગેશ્વરજી

