રામનવમી રામના પાર્થિવ પૃથ્વી પરના પરમપવિત્ર પ્રાકટ્યનો પર્વદિન છે. વરસો પહેલાં એમનો પ્રાદુર્ભાવ પીડાગ્રસ્ત પૃથ્વીના પ્રાણને પ્રશાંતિ પ્રદાન કરવા માટે થયેલો. રામનવમીના પર્વ દિવસે એમની સ્મૃતિ સજીવ બને છે. જનતા ઉત્સવ કરે છે, મંદિરોમાં મંગલ આરતી, પૂજા, આરાધના થાય છે. કહેવામાં આવે છે કે તે દિવસે બપોરે બાર વાગ્યે રામજન્મ થાય છે. પરંતુ એ હકીકત સાચી છે ? શું સાચેસાચ રામજન્મ થાય છે ?
બહારના રામજન્મની વાત હું નથી કરતો, હું તો અંદરનાં રામજન્મની વાત કરું છું. અંતરની અયોધ્યા છે- એમાં રામજન્મ થયો છે કે થાય છે ? ત્યાં કોનું શાસન ચાલે છે - રામનું કે રાવણનું ? એ જીવન ધર્મપરાયણ હશે; નીતિ, ન્યાય, શુદ્ધિ, સંયમ, સદગુણ, સાત્વિકતા, સેવાની મર્યાદામાં રહીને ચાલતું હશે, રામમય બનતું હશે, તો તો રામનો જન્મોત્સવ મનાશે; એથી ઊલટું જીવનમાં દુર્ગુણ, આસુરી સંપત્તિ, અધર્મ, અનાચાર વધતાં જતાં હશે ને પરધનને પથ્થર માનવાની ને પરસ્ત્રીને માતા સમજવાની સદવૃત્તિનો નાશ થયો હશે તો રાવણનો જન્મ થઈ ચૂક્યો છે- એવું નિશ્ચયાત્મક રીતે સમજી લેવું.
રામ, જે કાંઈ શુભ, સત્ અને મંગલ છે એનાં અને રાવણ, અશુભ, અસત્ અને અમંગલના પ્રતીક છે. જીવનમાં અને જગતમાં રામની પ્રતિષ્ઠા થાય છે, રામ વધે છે ત્યારે જીવન ને જગત સુખશાંતિથી સંપન્ન, સમૃદ્ધ અને શક્તિશાળી બને છે. ને રાવણત્વ અથવા રાવણોની સંખ્યા વધે છે ત્યારે જીવન ને જગત દુઃખી, દીન, દાંભિક દાવાનળથી દગ્ધ બની બેસે છે. દર વર્ષે રામનવમીને દિવસે મંદિરોમાં અને ભાવિકોનાં સદનોમાં રામજન્મ થાય છે તેમ અંતરમાં, અણુએ અણુમાં, વિચાર, વૃત્તિ અને વર્તનમાં પણ રામજન્મ થતો હોત ને રાવણના નાશનો નિશ્ચય બળવાન બનતો હોત તો ? સમાજને કેટલો બધો લાભ થાત ? હજુ પણ કશું મોડું થયું નથી. ને થયું હોય તો પણ વધારે મોડું કરવાનું કારણ નથી.
રામનું જીવન આપણને શું શીખવે છે ? સત્યનો પ્રેમ, નિઃસ્વાર્થ સેવા, નિર્વેર વૃત્તિ, પવિત્રતા, સમાજને પીડી રહેલા-અશાંત કરનારા આસુરી પરિબળોનો પ્રતિકાર, શુભની સુરક્ષા, અશુભનો-અધર્મનો મુકાબલો, વિલાસ નહીં પણ સંયમ, લોભ નહીં પણ ત્યાગ, રાગ નહીં પણ અનાસક્તિ, દીન-દુઃખી-પદદલિત-પછાત પ્રત્યે સહાનુભૂતિ. રામનું જીવન શીખવે છે કે જીવન કેવળ વ્યક્તિગત સુખશાંતિ, સમુન્નતિ, સિદ્ધિ કે મુક્તિને માટે જ નથી; અન્યની ઉત્ક્રાંતિ, સુખ-શાંતિ-સમુન્નતિ ને સિદ્ધિ, મુક્તિ માટે પણ છે. એનો ઉપયોગ એટલા માટે પણ થવો જોઈએ. રામનું જીવન કર્તવ્યના પંથ પર પ્રયાણ કરવાનો અને આવશ્યકતા હોય તો એને ખાતર ફના થવાનો પદાર્થપાઠ પૂરો પાડે છે. રામનું જીવન શીખવે છે કે જીવન બીજાને માટે મંગલ મહોત્સવરૂપ, સુખદ-સ્મૃતિરૂપ, અલૌકિક, અમોઘ આશીર્વાદરૂપ બનવું જોઈએ. અભિશાપરૂપ ના થવું જોઈએ અથવા વિસ્મૃતિ ને અવજ્ઞાને પાત્ર ના થવું જોઈએ. રામનું જીવન શું શું સારું, શ્રેયસ્કર નથી શીખવતું ?
સુવર્ણમૃગની મોહિનીમાં પડેલાં રામ ને સીતાએ એને મેળવવાનો મનોરથ કર્યો. રામ, સીતાના હઠાગ્રહથી એની પાછળ ધનુષ્ય લઈને દોડ્યા. પરિણામે સીતાનો વિયોગ થયો. માયાના વિષયોરૂપી સુવર્ણમૃગની સંમોહિનીમાં સપડાયેલા જીવાત્માને પણ એવી રીતે સદ્ બુદ્ધિ અને શાંતિરૂપી સીતાનો વિયોગ વેઠવો પડે છે. રામનું જીવન શીખવે છે કે માનવે સંસારના બાહ્ય ચળકાટોમાં કે રૂપરંગોમાં લેશ પણ આસક્ત ના થવું, સંસારમાં સંમોહક સ્વરૂપો એની અંતસ્થ શાંતિને હરીને તેને દુઃખી કર્યા વિના નહીં રહે.
દશરથ અને કૌશલ્યાને ત્યાં રામ પધાર્યા, એ શું સૂચવે છે ? દશ ઈન્દ્રિયોના રથમાં વિરાજેલો ઈન્દ્રિયોનો અધીશ્વર આત્મા દશરથ છે. સદસદ વિવેકવાળી સાત્વિકી વૃત્તિ કે પ્રજ્ઞાશક્તિ કૌશલ્યા છે. એ કુશળતાયુક્ત છે. એમને ત્યાં આત્મારામ- આનંદરૂપી રામનો અવતાર અવશ્ય થાય. જનકવિદેહીને ત્યાં જગદંબા જન્મે. સનાતન શાંતિ-શીલની મૂર્તિ સીતા પણ પ્રકટે. રામ અને સીતાના પ્રાકટ્યને માટે જીવન દશરથ અને કૌશલ્યા જેવું ધર્મમય અને જનક જેવું આસક્તિરહિત પરમાત્માપરાયણ જોઈએ.
રાજા દશરથની કથાનો બીજો પણ સૂચિતાર્થ છે. દશરથને ત્રણ પત્ની હતી. એક પત્નીવાળો જીવ સુખી નથી થતો તો ત્રણ પત્નીવાળો ક્યાંથી થાય ? કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ત્રિગુણાત્મિકા પ્રકૃતિનાં પ્રતિનિધિ છે. સત્વ, રજ, તમ ત્રણ ગુણો છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં પડેલો જીવ સુખી ક્યાંથી હોય ? એવો જીવ બંધનોનો શિકાર બને છે. રામાયણ જીવનમાત્રની કથા છે. દશરથ શરીરના રથનો સ્વામી છે. સત્વગુણ કૌશલ્યાનું સ્વરૂપ છે, જે નિર્ણય કરવામાં કુશળ છે. શુભ-અશુભ, આત્મા-અનાત્મા, જીવ-શિવના નિર્ણય કરવામાં જે કુશળ છે તે સાત્વિક પ્રકૃતિ. સત્વગુણથી જ્ઞાન પેદા થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, શુભ-અશુભની સમજણ આવે છે. સુમિત્રા રજોગુણનું સ્વરૂપ છે. કૈકેયી તમોગુણ છે, મોહનું પ્રતીક છે. કૈકેયી અવિદ્યાનો શિકાર બની હતી. એણે અજ્ઞાનથી રામને વનવાસ આપ્યો. જીવને તમોગુણ ઘેરી વળે ત્યારે સારાસારનું ભાન ગુમાવી દે છે.
જેણે ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે લગ્ન કર્યું છે તે મહારાજા દશરથ શરીરમાં જીવાત્મા રૂપે છે. એવા આત્માની પાસે રામ નથી રહી શકતા. એ આત્માનંદથી વંચિત બને છે. એ શાંતિરૂપી સીતાને પણ ખોઈ બેસે છે. દશરથની જીવનકથાનો એવો ધ્વનિ છે.
- શ્રી યોગેશ્વરજી