આપણે કોઈને કહીએ કે પાણી લાવો તો તે પાણી લાવે, પરંતુ બીજી જ પળે જણાવીએ કે પાણી નહીં જળ લાવો, તો શું એ કોઈ બીજી વસ્તુ લાવે ? જળને બદલે નીર કહીએ, વારિ કે સલીલ નામ આપીએ તો પણ પદાર્થ તો એ જ લાવવામાં આવે. ભાષાશાસ્ત્રીઓ એને વૉટર, પાની વગેરે નામોથી ઓળખાવે છે. માનવે પોતાની સુવિધા અને જીવનચર્ચા માટે ભાષાના શબ્દકોષનું સર્જન કર્યું છે. પાણીને માટેના ભિન્ન-ભિન્ન ભાષાઓના શબ્દો કે પર્યાયો જુદા પરંતુ એ શબ્દો દ્વારા સૂચવાતો વ્યંજનાત્મક પદાર્થ એક જ હોય છે. એવું જ ઈશ્વરના સંબંધમાં સમજી લેવાનું છે. ઈશ એટલે શાસન કરવું અને ઈશ્વર એટલે સંસારનું શાસન કરનાર. એ શાસન કરનારી કોઈ વ્યક્તિ નથી પરંતુ પરાત્પર પરમ સર્વશક્તિમાન શક્તિ છે. એને કોઈ ગોડ કહે છે, કોઈ અહુરમજદ અથવા અલ્લા કે ખુદા તરીકે ઓળખાવે છે, કોઈ ઈશ્વર, પરબ્રહ્મ કે પરમાત્માનું અભિધાન આપે છે, તો વળી કોઈ બીજા નામથી પોકારે છે. નામો જુદાંજુદાં પરંતુ નામી એક જ છે. વેદે એને માટે સત્ શબ્દનો પ્રયોગ કર્યો છે. સત્ એટલે જે પૂર્વે હતા, આજે છે અને ભવિષ્યમાં રહેશે તે. અજર, અમર, શાશ્વત સત્તા. જેને જન્મ-મરણ, વ્યાધિ-વાર્ધક્ય-વિકાર કશું નથી તે. વૈદિક ઋષિઓ કહે છે કે ‘સત્ય પરં ધીમહિં’ - એ પરમ સત્યસ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. ‘સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ-પરમાત્મા સત્યસ્વરૂપ, પરમ જ્ઞાનરૂપ અનંત છે.’ सदेव सौम्य ईदम् आसीत । હે સૌમ્ય ! સૌથી પહેલાં સૃષ્ટિની શરૂઆતમાં આ સત્ય જ હતું એટલે કે સત્યસ્વરૂપ પરમાત્મા જ હતા.
ઉપનિષદે એવી રીતે પરમાત્માનો કેવો સરસ વિચાર રજૂ કર્યો છે ! સત્ય એક જ છે, પરમાત્મા એક જ છે, પરંતુ વિદ્વાનો, પ્રાજ્ઞો કે પંડિતો એમની અનેકવિધ અભિવ્યક્તિ કરે છે, એમને જુદાજુદા નામે વર્ણવે છે. ‘એકં સદ્ વિપ્રા બહુધા વદન્તિ’ - આટલું સમજી જઈએ તો ? ધર્મ અને સંપ્રદાયોમાં ઈશ્વરને નામે જે વાદવિવાદો અને ઝઘડાઓ ચાલે છે એમનો અંત આવી જાય, અને સૃષ્ટિમાં શાંતિ સ્થપાય. આપણે સમજી લઈએ કે આપણને આપણી માન્યતાના પરમાત્મા પ્રિય છે, તેવી રીતે બીજાને પણ પ્રિય છે. આપણી પેઠે બીજાને પણ એમને માટેની માન્યતાને સેવવાનો માનવીય અધિકાર છે.
જુદાંજુદાં નામો તથા રૂપોને જ સર્વ કાંઈ સમજીને દુરાગ્રહને વળગીને બેસી રહેવાને બદલે એમની પાછળના અંદરના અને બહારના તત્વને જ મહત્વનું માનીએ અને ધ્યાનમાં રાખીએ તો ઈશ્વરને નામે સર્વ પ્રકારના પૂર્વગ્રહોમાંથી મુક્તિ મેળવીને કોઈની સાથે નિરર્થક અનાવશ્યક ઘર્ષણમાં ના ઊતરી પડીએ. સરવાળે આપણને અને બીજાને લાભ જ પહોંચે.
વેદાદિ ધર્મગ્રંથો જણાવે છે કે એ એક જ પરમસત્ય કે પરમાત્મતત્વ સમસ્ત સૃષ્ટિમાં અને સૃષ્ટિના સ્વરૂપમાં પ્રસરેલું ને પથરાયેલું છે. વિદ્વાનો એને જુદાજુદા નામે ઓળખે છે અને ઓળખાવે છે તો પણ પ્રજ્ઞાનો પરિપાક થતાં આજુબાજુ અંદરબહાર બધે જ એ પરમાત્મતત્વનો સ્વાનુભવસહજ બને છે અને પરિણામે જીવન સંવાદી, શાંત, સુખદ તેમજ સુધામય બની રહે છે.
- શ્રી યોગેશ્વરજી