બે વરસ પહેલાંની વાત છે.
ઉત્તરપ્રદેશના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ દહેરાદૂન શહેરમાં પોતાના મકાનનું નિર્માણ કરાવતા હતા. મકાનની નિર્માણકળામાં એમને અતિશય રસ હતો. એક દિવસ સાંજે ઊંચું જોઈને ઉતાવળે પગલે ચાલતા હતા, ત્યાં જ ભૂલથી એમનો પગ નાનકડા ખાડામાં પડી ગયો. પરિણામે એમના પગને ભયંકર હાનિ પહોંચી. છ મહિના જેટલો વખત પગે પ્લાસ્ટર રાખવું પડ્યું, અને હજુ પણ એ પગ પૂર્વવત્ સારો નથી થઈ શક્યો.
એક સદગૃહસ્થ મારી સાથે વાર્તાલાપ કરતા ચાલી રહેલા ત્યારે બરાબર ધ્યાન ના આપવાને લીધે એમનો પગ રસ્તા પર પડેલી કેળાની છાલ પર પડ્યો, લપસ્યો અને એમને થોડુંક વાગ્યું પણ ખરું.
એક મોટર ડ્રાઈવરને મોટર ચલાવતાં વાતો કરવાની અને આજુબાજુ જોવાની આદત હતી. એ આદતને લીધે એણે એક વાર એકાગ્રતાને ગુમાવી અને મોટર-અકસ્માત કરી બેઠો. એ પોતે તો ઘવાયો જ પરંતુ મોટરમાં બેઠેલા બીજાને પણ ઘવાવું પડ્યું. એક માણસનું તો ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું.
નિશાન તાકનાર નિશાનબાજ પોતાના લક્ષ્ય પ્રત્યે બરાબર ધ્યાન ના રાખે અને સહેજ પણ ગફલતમાં પડે તો નિશાનને સારી પેઠે તાકી કે ભેદી ના શકે. પથ પરથી પસાર થનારો પ્રવાસી જો આંખને ઉંચી રાખીને ચાલે, આજુબાજુનું આવશ્યક ધ્યાન ના રાખે, અને જે પથ પરથી પસાર થતો હોય એનું અવલોકન ના કરે તો એની દશા કેવી કરુણ થાય તેની કલ્પના સહેલાઈથી કરી શકાય તેમ છે. પથમાં પડેલા કાંટા-કાંકરા એને વાગે, પથ પરનાં ખાડા-ટેકરાઓ એને મુસીબતમાં મૂકે અને પોતાના પ્રવાસપથને ભૂલીને એ બીજા ભળતાં જ પથ પર ચઢી જાય.
જીવનના પુણ્યપ્રવાસનું પણ એવું જ સમજી લેવાનું છે. જીવનનો પ્રવાસ આપણે ધારીએ, માનીએ અને સમજીએ છીએ એનાં કરતાં ઘણો વધારે જટિલ છે. એમાં પાર વિનાના પ્રલોભનો, ભયસ્થાનો, વિઘ્નો, કષ્ટો, પ્રતિકૂળતાઓ, વિષમતાઓ, ચઢાણ-ઉતરાણો આવે છે. એમાં અધઃપતનના શતમુખ વિનિપાતમાં લઈ જનારા ખાડાઓનો પાર નથી. પ્રકૃતિના વિષયો, રૂપરંગો અને સંમોહક પદાર્થો પ્રવાસીને મંત્રમુગ્ધ કરે છે ને વારંવાર ભાન ભૂલાવે છે. એ બધાથી બચવા પ્રવાસનો પંથ પૂરો કરીને પોતાના લક્ષ્ય, ગંતવ્યસ્થાન કે ધ્યેયપ્રદેશ પર પહોંચવા અને એવી રીતે પ્રવાસને સાર્થક કરવા જીવનમાં પ્રતિપળે, પ્રતિસ્થળે, પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક પગલે જાગ્રત રહેવાની આવશ્યકતા છે.
જીવનપથના સ્વાનુભવસંપન્ન મહાપુરુષો કહેતા ગયા છે કે દૃષ્ટિપૂંત ન્યસેત્ પાદમ્ અર્થાત્ જે પગલું ભરવું તે દૃષ્ટિથી પવિત્ર કરીને જ ભરવું. દૃષ્ટિથી પવિત્ર કરીને એટલે ? જીવનના જટિલ છતાં જ્યોતિર્મય પથ પર પ્રવાસ કરનારે સામાન્ય સ્થૂળ દૃષ્ટિથી નહીં, પરંતુ સદ્સદ વિવેકની, શુભાશુભને પારખવાની, પોતાના આંત્યતિક કલ્યાણને સમજવાની દીર્ઘ દૃષ્ટિથી, વિવેકવૃત્તિથી, સદબુદ્ધિથી અથવા પરમ પાવની પ્રજ્ઞાથી સંપન્ન થવું પડે છે. જે કાર્ય કરીએ, નિર્ણયો લઈએ, સંકલ્પો ઘડીએ, અને યોજનાઓ બનાવીએ, તે સમજીને, શુભાશુભનો વિચાર કરીને જ બનાવીએ તો જીવનનો પુણ્યપ્રવાસ સુખમય, સફળ, શાંતિદાયક થાય. આપણે માટે જ નહિ, બીજાને માટે પણ આશીર્વાદરૂપ બની જાય.
- શ્રી યોગેશ્વરજી