if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણના અરણ્યકાંડમાં રામ અને શબરીના મેળાપ તથા વાર્તાલાપનો પ્રેરક પ્રસંગ છે. રાવણે પંચવટીમાંથી સીતાનું હરણ કર્યું તે પછી રામ અને લક્ષ્મણ, સીતાની શોધ કરવા માટે નીકળ્યા. શોધતા શોધતા તેઓ બેઉ શબરીના આશ્રમમાં આવી પહોંચ્યા.

કમળનયન, વિશાળબાહુ, માથે જટા ને મુકુટવાળા, ગળે માળાધારી શ્રીરામને જોઈને શબરી હરખઘેલી બની. એમના ચરણમાં પડી ગઈ. પ્રેમમગ્ન બની એ કશું બોલી ન શકી. રામના ચરણનું પ્રક્ષાલન કરી એણે એમને બેસવા માટે આસન આપ્યું, અને એમની આગળ કંદમૂળ તથા સરસ ફળ મૂક્યાં. રામ અત્યંત પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક એની પ્રશંસા કરીને ખાવા લાગ્યા.

શબરીને અસાધારણ આનંદ થયો. એના જીવનમાં મંગલ ઉત્સવ થયો. જીવનની ધન્યતાની વીણા એના અંતરમાં વાગી ઊઠી. ભાવવિભોર બનેલી શબરી બે હાથ જોડીને ભક્તિભાવે એમની આગળ ઊભી રહી કહેવા લાગી : ‘હે પ્રભુ, હું તમારી પ્રાર્થના-પૂજા કેવી રીતે કરું ? હું તો અધમ ગણાતી જાતિની અને એક મંદમતિ સ્ત્રી છું.’

ત્યારે શ્રીરામ બોલ્યા : ‘શબરી, હું તો એક ભક્તિના સંબંધને જ મહત્વ આપું છું. માણસ ઉત્તમ વર્ણનો, કુળનો અથવા તો ધર્મનો હોય; ધનવાન, બળવાન, ગુણવાન તથા ચતુર હોય, તેમજ સ્વજન અને સેવકોથી યુક્ત હોય, છતાં જો ભક્તિ વગરનો હોય તો તેને જળ વગરના વાદળ જેવો જાણવો. તેના જીવનની કશી કિમત નથી. એવું જીવન કોઈનું કલ્યાણ નહીં કરે. ભક્તિ જ શ્રેય સાધી શકે છે. એ ભક્તિના નવ પ્રકાર છે. એ નવધા ભક્તિનો એક પ્રકાર પણ જેનામાં પૂરેપૂરા પ્રમાણમાં હોય તેને હું પ્રિય માનું છું. તારી અંદર તો ભક્તિના સઘળા પ્રકારો પૂર્ણતાએ પહોંચ્યા છે. એટલે જ મહાયોગી અને ઋષિમુનિઓને પણ દુર્લભ હોય એવી મારી કૃપા તને પ્રાપ્ત થઈ છે અને મારાં દર્શનનો લાભ ઘરબેઠાં મળી ગયો છે.’

શબરી સાથેના સુખદ વાર્તાલાપ દરમ્યાન તુલસીદાસે રામના શ્રીમુખમાં નવધા ભક્તિના રહસ્યની જે રજૂઆત કરી છે તે ભક્તિમાં માનનાર અને રસ લેનાર પ્રત્યેક સ્ત્રીપુરુષે યાદ રાખવા જેવી છે. આ રહી તે રજૂઆત (એનો ભાવાર્થ ગુજરાતીમાં આપેલો છે) :

ભક્તિનો પહેલો પ્રકાર સંતપુરુષોનો સમાગમ કરવો તે - એટલે જીવનમાં ભક્તિનો અરુણોદય થવાનો હોય ત્યારે મન સંતપુરુષો તરફ વળે છે અને પવિત્ર જીવનવ્યવહારવાળા નિષ્કપટ, ઈશ્વરપ્રેમી સંતપુરુષોના સહવાસમાં સ્વર્ગસુખ સાંપડે છે.

ઈશ્વરની લીલાના કથાપ્રસંગોમાં તથા જીવનના સુધાર અને વિકાસની વાતોમાં વૃત્તિ થવી એ ભક્તિનો બીજો પ્રકાર છે. સંતોનો સમાગમ આવી વૃત્તિને કેળવવા માટે જ હોવો જોઈએ. તો જ એ લાભદાયક થાય.

ત્રીજી ભક્તિ નમ્રતાને ધારણ કરવી અને ગુરુની શ્રદ્ધાથી સેવા કરવી તે અને ચોથી ભક્તિ સરળ હૃદયથી ઈશ્વરના ગુણ ગાવા તે છે.

અખંડ વિશ્વાસ સાથે ગુરુએ આપેલા કે પોતે પસંદ કરેલા મંત્રનો નિરંતર જપ કરવો તે પાંચમા પ્રકારની ભક્તિ છે, ને છઠ્ઠી ભક્તિ જુદાજુદા વ્યવહારિક કર્મોમાંથી મનને ઉપરામ કરી, સજ્જનને છાજે તેવી રીતે આચરણ કરતાં મન તથા ઈન્દ્રિયોનો સંયમ કરવો તે છે.

જગતમાં-જડ ચેતનમાં બધે ઈશ્વરનું દર્શન કરવું તથા સંતપુરુષોને ઈશ્વર કરતાં વધુ માનીને મળવું એ સાતમી ભક્તિ. સંતોષી બનવું અને બીજાના દોષને સ્વપ્ને પણ જોવા નહિ એ આઠમી ભક્તિ અને નવમી ભક્તિ સરળ તથા છળકપટથી રહિત થઈ હર્ષ-શોકનો ત્યાગ કરી એક ઈશ્વરનો જ ભરોસો રાખવો તે છે.

શ્રીમદ ભાગવતમાં ભક્ત પ્રહલાદે વર્ણવેલી નવધા ભક્તિ કરતાં આ નવ પ્રકારની ભક્તિ જરા જુદી પડે છે. છતાં રામાયણમાં વર્ણવેલી એ ભક્તિ ઘણી ઉપયોગી હોવાથી તેને જીવનમાં તદાકાર કરવી જોઈએ.

આ બધા પ્રકારનો વિચાર કરતાં સહેજે સમજી શકાય છે કે ભક્તિ માત્ર ભાવજગતમાં જીવવાનું સાધન નથી, પરંતુ સમસ્ત જીવનમાં ક્રાંતિ કરનારું, જીવનની શુદ્ધિ કરનારું અને જીવનમાં નવો પ્રાણ રેલી માનવીને ઈશ્વરપરાયણ બનાવનારું મહાન બળ છે. સાધક અથવા પરમાર્થના પથિકે એ દૃષ્ટિએ જ એનો આધાર લેવાનો છે. ભક્તિના એ પ્રકાર પોતાના જીવનમાં પ્રત્યક્ષ થાય છે કે નહિ તેનું ધ્યાન ભક્ત રાખે છે. નહિ તો જપ, વ્રત, સ્વાધ્યાય તથા તીર્થાટન જેવા બાહ્ય સાધનોનો આધાર તે લેશે તો તે સાધનો શુષ્ક બની તેને ભક્તિ તથા તેનાથી મળનારા ઈશ્વરાનુગ્રહનો સાચો સ્વાદ નહિ આપી શકે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.