if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગભ્રષ્ટ પુરુષની ગતિ વિશેની વાત આવે છે. તેમાં અર્જુને જિજ્ઞાસા રજૂ કરતા ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું છે કે, કોઈ સાધક અધ્યાત્મ માર્ગ ની શ્રધાથી સંપન્ન હોય પરંતુ તન, મન અને અંતરના સંયમની સાધનામાં કોઈ કારણથી સફળ ન થયો હોય, તે જો યોગસાધનામાંથી ચલિત થાય તો તેને યોગની પરમ સિદ્ધિ તો ન મળી શકે એ દેખીતું છે, પણ કઈ ગતિની પ્રાપ્તિ થઈ શકે ? એના ભાવિ  વિશે માહિતી મેળવવાની મને ઈચ્છા થઈ છે તો તે ઈચ્છા તમે પૂરી કરો.

તેના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન, અધૂરી રહેલી સાધનાવાળા એ સાધકનું કદી અમંગલ થતું નથી. તેનો નાશ થતો નથી ને તેની દુર્ગતિની પણ કોઈ કાળે શક્યતા નથી. તેવો સાધક શરીર છૂટ્યા પછી કેટલાક સમય સુધી ઉત્તમ ને પુણ્યવાન લોકોમાં નિવાસ કરે છે, ને પછી આ પૃથ્વી પર શીલવાન ને પવિત્ર ઘરમાં જન્મે છે. અથવા તો જે કુળમાં પહેલાના કાળમાં કોઈ યોગીપુરુષ થઈ ગયા હોય, તેવા કુળમાં પણ શરીર ધારણ કરે છે. પછી પેલી પહેલાંના જીવનની અધૂરી રહેલી સાધનાને પૂરી કરવા આ જીવનમાં પ્રયાસ કરે છે. તેના જન્માંતર-સંસ્કાર તેને તે જન્મમાં બાળપણથી જ સાધનાના માર્ગમાં પ્રેરિત કરે છે. બાળપણથી જ તેની વૃત્તિ ઈશ્વરાભિમુખ બની જાય છે. સંસારિક કામકાજ કે વિષયોમાં તેનું મન લાગતું નથી. જીવનના અરુણોદયમાંથી જ તે સાધનાના પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેને જન્માંતરના સંસ્કારોના સુપરિણામરૂપે સદબુદ્ધિ પણ સાંપડી જાય છે, ને પ્રલોભનોમાંથી પસાર થઈને પોતાના માર્ગમાં આગળ ને આગળ વધતા છેવટે તે સિદ્ધિની પ્રાપ્તિ કરી લે છે.

ગીતાની આ વાત ઘણી પ્રસિદ્ધિ પામી ચૂકી છે. તેનો ઉપયોગ પણ છૂટથી થઈ રહ્યો છે. એટલે કે તે વારંવાર જુદા જુદા માણસોના સંબંધમાં લાગુ પાડવામાં આવે છે. જે મહાપુરુષો લોકોત્તર શક્તિથી સંપન્ન દેખાય ને જેમના જીવનમાં અસાધારણ કર્મોનું દર્શન થાય તેમને ઈશ્વરના અવતારમાં ખપાવવાની પરિપાટી આપણે ત્યાં સારી પેઠે પ્રચલિત છે. માણસ શરૂઆતમાં માનવસહજ સાધારણ ગુણધર્મોથી સંપન્ન હોય ને પાછળથી ભારે સાવધાની ને પરિશ્રમથી તેમનો વિકાસ કરીને મહાનતાની પ્રાપ્તિ કરી હોય એ વાતની ખબર હોવા છતાં કોઈ ને કોઈ અવતારના નામ સાથે તેના નામને  સાંકળવાની કોશિશ માણસ કર્યા કરે છે, ને તેમ કરીને જ તે સંતોષ મેળવે છે. માણસ મહામહેનતથી પોતાની જાતનું ઘડતર કરીને અસાધારણ બની શકે છે ને મહાન કાર્યો કરી શકે છે, એ વાત હજુ સુધી કેટલાક માણસોના માનવામાં આવતી નથી. તેથી જયારે  જયારે પ્રસંગ નીકળે છે ત્યારે તે કહે છે કે ભાઈ, એ તો અવતાર કહેવાય. આપણે તો સાધારણ માણસ રહ્યા. આપણાથી કાંઈ એમના જેવું જીવન જીવી શકાય અને એમના જેવા કામો કરી શકાય ? એવા માણસો નરમાંથી નારાયણ બનવાના માનવજીવનના સહજ વિકાસના આદર્શનો અનાદર કરે છે, ને પોતાની જાતને કાયમને માટે નિર્બળ, હલકી ને સાધારણ માની લઈને પોતાને જ હાથે પોતાનું ખૂન કરે છે. એનો અર્થ એવો નથી કે અવતારી પુરુષોની વાત સો ટકા સાચી છે. પણ તેવા પુરુષોને પારખવાની પદ્ધતિમાં પારંગત થવાની જરૂર છે. તેમને પારખવાની કળા વિના પ્રત્યેક અસાધારણ પુરુષને અવતારમાં ઘટાવવાની પરિપાટીમાં જોખમ રહેલું છે.

યોગભ્રષ્ટ પુરુષની પ્રસિદ્ધ વાતના સંબંધમાં પણ એવું બનવા માંડ્યું છે. કોઈના જીવનમાં બાળપણથી જ આધ્યાત્મિકતા તરફની અભિરુચિ દેખાય કે કોઈનામાં નાની ઉમરમાં ઈશ્વરપરાયણતા અને લૌકિક વિષયો તરફ ઉદાસીનતાનું દર્શન થાય તો માણસો તેને યોગભ્રષ્ટ માની લે છે. વિવેકાનંદ, રામતીર્થ  ને દયાનંદ જેવા મહાપુરુષોના નાની ઉમરે થયેલા મોટા કામોનો ઉલ્લેખ કરીને પણ તેઓ એવો જ સૂર છેડે છે કે ભાઈ, એ તો બધા યોગભ્રષ્ટ જીવ કહેવાય. એ તો પહેલેથી જ સંસ્કારો લઈને જન્મેલા. અધૂરી રહી ગયેલી સાધનાને પરિપૂર્ણ કરવા માટે આ અવની પર આવેલા. એ તો બધા દૈવી પુરુષો. વિશેષ ઈજારાઓ લઈને પ્રગટેલા પુરુષો. આપણાથી કાંઈ એમના જેવા કામો કરી શકાય ?

અહીં પણ નિરાશાનો સૂર સંભળાયો. લઘુતા ને નિરાશા સદાને માટે જોખમકારક છે. તે માણસને વિકાસના માર્ગે આગળ વધવામાં મદદ નથી કરતી. માટે જ આપણને તે પસંદ નથી અને આપણે તેનો વિરોધ કરીએ છીએ. મારા પોતાના સંબંઘમાં વાત નીકળતા કેટલીકવાર માણસો કહે છે કે એ તો યોગભ્રષ્ટ પુરુષ કહેવાય. એમની ચાલ જ જુદી હોય. આપણાથી કાંઇ એમને માર્ગે જઇ શકાય ? આપણે તો એમના દર્શન કરીએ ને પગે લાગીએ. બહુ બહુ તો તેમની સેવા કરી છૂટીએ. એથી વિશેષ આપણાથી શું થાય ? આપણી શક્તિ જ કેટલી ?

માણસો ધારે તો તેના કરતાં બીજું ઘણું કરી શકે છે ને જીવનને ઉન્નત અને મહાન બનાવવાની પ્રેરણા મેળવવામાં એમને અસરકારક લાગતાં સારા જીવનચરિત્રનો ઉપયોગ પણ કરી શકે છે. તેને બદલે પ્રણિપાત ને પૂજા કરીને જ બેસી રહેવાની ને તેથી વિશેષ બીજું કંઇ જ ન થઇ શકે એમ માની લેવાની હીન કે કંગાલ મનોવૃતિ જરાય ઠીક લાગે તેવી નથી ને તેનો વહેલામાં વહેલી તકે અંત આવે તે આવશ્યક છે.

કેટલાક માણસો એમ પણ કહે છે કે એ તો અવતારી પુરુષ કહેવાય નહિ તો આટલી નાની ઉંમરમાં આવું આધ્યાત્મિક જીવન ક્યાંથી હોય ? હું તેમને કહું છું કે ભાઇ, સાધારણ માણસની જેમ જીવનમાં મેં પણ મુસીબતો ને વેદના વેઠી છે ને ચિંતા સહન કરી છે. મારી શીલસંપત્તિ ઘણી સીમિત રહી છે. અને આજે પણ હું છેક સાધારણ માણસ જ છું. જીવનમાં સાચા માનવ બનીને ઇશ્વરની કૃપા મેળવીને પરિપૂર્ણતાના શિખર ઉપર પ્રતિષ્ઠિત થવાના પ્રયાસો મેં કર્યા છે. પણ તે રીતે તો મેં એક મનુષ્ય તરીકેની મારી જન્મજાત સાધારણ વારસામાં મળેલી ફરજ જ બજાવી છે. એનો અર્થ એવો થોડો છે કે હું કોઇ વિશેષ માનને કે અવતાર જેવા ઇલ્કાબને લાયક છું ?

પરંતુ મારા ખુલાસા છતાં પણ તે માણસો પોતાના વલણનો ત્યાગ કરતા નથી ત્યારે મારે મૂક રહેવું પડે છે. તેમની ને બીજાની માહિતી માટે હું એક વાત જણાવવાની રજા લઉં છું કે ગીતામાં કહ્યા પ્રમાણે હું કોઇ યોગથી ભ્રષ્ટ થયેલો કે અધૂરા રહેલા યોગવાળો પુરુષ નથી. એ બધા નામે પ્રસિદ્ધ થવાનું મને પસંદ નથી. કેમ કે મારા અનુભવ પ્રમાણે તે સત્ય હકિકતથી વેગળું છે. એટલે ભવિષ્યમાં પણ કોઇ મને તે નામની સાથે સાંકળવાનો પ્રયાસ ના કરે એમ ઇચ્છું છું. તેવો પ્રયાસ કદાપિ થાય તો મિથ્યા માનવામાં આવે એટલું માગી લઉં છું. હું તો ઇશ્વરનો એક સાધારણ બાળક છું અને એ રીતે જ રહેવાનું ને પ્રસિદ્ધ થવાનું પસંદ કરું છું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.