બેનના સંબંધની અસર
તે દિવસોમાં કોઇ કોઇવાર હું સિનેમાની મુલાકાત પણ લેતો. તે વખતે ન્યુ થિયેટર્સના ચિત્રો ખૂબ સારાં આવતા. પ્રભાત ને બોમ્બે ટોકિઝનું ધોરણ પણ સારું હતું. ચિત્રનું નામ અત્યારે યાદ નથી પણ તે બોમ્બે ટોકિઝનું કોઇ ચિત્ર હતું એમ લાગે છે. તે ચિત્રમાં એક ચિતાનું દૃશ્ય આવતું. ચિત્રની એક સુંદર સ્ત્રીને ઉદ્દેશીને એક ગીત ગાવામાં આવતું. તેની પહેલી લીટી 'કંચન કી તોરી કાયા' હતું. ગીતનો ભાવ ટૂંકમાં એવો હતો કે આ સંસારમાંથી કેટલાય સુંદર સ્ત્રીપુરુષો અદૃશ્ય થઇ ગયા છે. કોઇની કાયા અમર રહી નથી. તારી કંચન જેવી સુંદર કાયા પણ છેવટે નાશ પામવાની છે. પેલી જલી રહેલી ચિતામાં એને એક દિવસ જલી જવાનું છે, માટે તેનું ગુમાન ના કર, તેની મમતા ના કર, ને તેને માટે મૂઢ બનીને પાપમાં ના પડ. આ જગત નશ્વર છે. તેમાં પ્રીતિ કરવાને બદલે પ્રભુમાં જ પ્રીતિ કર.
ચિતાના એ દૃશ્યે ને ગીતની પેલી પંક્તિએ મારા પર અસાધારણ અસર કરી. બેનને અભ્યાસ કરાવવા મારે તેની પાસે બેસવાનું થાય ત્યારે એ જ દૃશ્ય મારી સામે હાજર થાય, એ વસ્તુ સહજ થઇ પડી. બેનનું શરીર સુંદર હતું. તેને જોઇને હું હમેંશા વિચાર કરતો આમાં સુંદર શું છે ? આ શરીર હાડ, માંસ, લોહી ને મળમૂત્રથી ભરેલું છે. તેને ચામડીના ઢાંકણથી ઢાંકવામાં આવ્યું છે. બહારથી તે કૈંક સારું અને સ્વચ્છ લાગે છે પણ એની અંદરની ગંદકીનો પાર નથી. પ્રસ્વેદ, લીંટ, થૂંક ને કફાદિને લીધે બહારથી પણ તે ઓછું ખરાબ નથી દેખાતું. વળી આ શરીર વિવિધ પ્રકારના વ્યાધિથી ભરેલું છે. વૃદ્ધાવસ્થાનો શિકાર બનવાનું છે. તે વખતે આ જ શરીર કેટલું કદરૂપું દેખાશે ? આજે તે આકર્ષક લાગે છે પણ તે વખતે તેને જોવાનું પણ ગમશે કે ? દાંત પડી જશે, આંખો ઉંડી જતી રહેશે, ગાલ બેસી જશે, શરીરે કરચલી પડી જશે, ને યૌવનસહજ સુંદરતા, મધુરતા, ને કોમળતા ન જાણે ક્યાંયે અદૃશ્ય થઇ જશે. તે વખતે આ શરીર કેટલું બેડોળ દેખાશે ? ને કાયમને માટે તે સુંદર રહે તોપણ છેવટે તેનું મૃત્યુ તો નક્કી જ છે. સિનેમાની પેલી સળગતી ચિતા જેવી ચિતામાં આખરે આ શરીરને સુવાનું ને ભસ્મીભૂત થઇ જવાનું છે, એ વિચાર જ કેટલો કંપાવનારો છે ? શરીર અત્યારે કેટલું બધું સુંદર ને સોનેરી છે ! તેનો પણ નાશ થઇ જશે ? જરૂર. વહેલાં કે મોડાં સૌ કોઇને એ માર્ગે જ જવાનું છે. તો પછી આ શરીરનો મોહ શો ? આની મમતા શી ? આમાં આસક્તિ કરવાનું શું કામ ? કેટલાય માણસો આમાં આસક્તિ કરીને બરબાદ થઇ ગયા. તેમના રસ ને કસ શોષાઇ ગયા. પરિણામે કાંઇ પણ હાથમાં આવ્યું નહિ. સુખ શાંતિ ને અમૃતતત્વની આશા અધૂરી રહી ગઇ. મારે એ માર્ગનું અનુકરણ નથી કરવું.
એવા વિચારથી મારું રહ્યું સહ્યું આકર્ષણ ઊડી જતું ને મારી વૈરાગ્યની ભાવના દૃઢ બનતી. તેની સાથે સાથે બેનના શરીરને જોઇને હું વિચાર કરતો કે આ તો જગદંબાનું મંદિર છે. આ હાલતાચાલતા ચેતન મંદિરમાં જગદંબાનો વાસ છે. 'મા'ની મંગલ મૂર્તિનો પ્રકાશ સંસારના બીજા પદાર્થોની જેમ આની અંદર સ્પષ્ટપણે પડી રહ્યો છે. તે પ્રકાશને લીધે આ શરીર પાવન થયું છે. સ્ત્રીનો મહિમા વધી ગયો છે. એથી એની સાથે પવિત્ર સંબંધ હોવો ઘટે. બૂરા ભાવ ને વિચાર લઇને એની પાસે ન બેસાય. બૂરી નજરે તેને જોવાય પણ નહિ. એની સંનિધિનો જે લાભ મળે છે તે આનંદદાયક છે. એને જોવાનો અથવા એની પાસે બેસવાનો અવસર આવે ત્યારે એની અંદર રહેલા અને એની આરપારથી બહાર નિકળતા જગદંબાનું દર્શન કરવું જોઇએ. તેનું દર્શન કરવાની ટેવ પાડવી જોઇએ. તે માટે 'મા'ને પ્રાર્થના કરવી જોઇએ. 'મા'ની કૃપાથી તે કામ સહેલું થઇ જશે.
વળી હું વિચાર કરતો કે જગદંબાના એક સાધારણ અંશ જેવી આ બેન આટલી આકર્ષક અને સુંદર દેખાય છે, તો જગદંબા પોતે કેટલા બધા અપાર આકર્ષણથી ભરપૂર હશે ? તેમનું સ્વરૂપ કેટલું બધું સુંદર અને સુખમય હશે ? તેમની મધુરતા અને તેમના પ્રેમનો સ્વાદ કેવો અનેરો હશે ? બેનના શરીર દ્વારા એમના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી તે સ્વરૂપનું દર્શન કરવા માટે મહેનત કરવા જોઇએ. તે જગદંબા પોતે જ મારા સુષુપ્ત જન્માંતર સંસ્કારોને જાગ્રત કરવા, મને પોતાના પ્રેમનો સ્વાદ ચખાડવા, ને છેવટે પોતાની મોહિની લગાડીને મારા મનને પોતાની તરફ વાળી લઇને પોતાનું કરી દેવા જાણે કે પૃથ્વી પર પધાર્યા હતાં અને એ બેનને નિમિત્ત બનાવીને તેની મારફત કામ કરી રહ્યાં હતા, એ વાતની પ્રતીતિ મને એટલી નાની ઉંમરમાં પણ સારી રીતે થઇ રહી.
જીવનનો પ્રવાહ એ રીતે પ્રેમની નવી પૃથ્વીમાં પ્રવેશ કરીને અભિનવ બનતાં આગળ વધી રહ્યો. બેનને અભ્યાસ કરાવવા માટે મારે જવાનું હતું. પણ અભ્યાસમાં બેનનું ધ્યાન બહુ ઓછું રહેતું. તેને બદલે મારો જ અભ્યાસ ચાલ્યા કરતો. જીવનની પાઠશાળાના નવા પાઠ મારે માટે શરૂ થયા અથવા કહો કે એક નવા અભ્યાસક્રમ, નવી તાલીમ ને નવી પરીક્ષાની અસર નીચે નવો આકાર લેતું મારું જીવન પસાર થઇ રહ્યું.
બેનનો પરિચય મારે માટે ખૂબ જ મંગલકારક સાબિત થયો. તેનો સંબંધ જેમ જેમ વધતો ગયો તેમ તેમ મારું અંતર આનંદથી ઉભરાવા માંડ્યું. બેનને જોઇને મને આનંદ થતો. બેનના હૃદયમાં તે વખતે કેવા કેવા ભાવપ્રવાહો વહેતા હતા તેની મને ખબર નથી, તે જાણવાની મને ખાસ ઇચ્છા પણ થઇ નથી. પરંતુ તેને મારા પર હેત અને સદભાવ હતો એ નક્કી છે. તેની પાસે મારે બેસવાનું થતું ત્યારે હું ખૂબ જ શાંત રહેતો. મારું મન જગદંબાના વિચારોમાં જ રમ્યા કરતું. તે વખતના મારા ભાવ જોઇને તેને નવાઇ પણ લાગતી હશે. તે કાળ જીવનની શરૂઆતનો હતો. તે કાળના સારા કે નરસાં સંસ્કારો પર બાકીના જીવનનો બહુ મોટો આધાર હતો. 'મા'ની કૃપાથી એ કાળ પવિત્રતાથી પસાર થઇ ગયો. એ વાતને યાદ કરીને મને આજે પણ સંતોષ થાય છે. સંજોગો જ્યારે અનુકૂળ હોય ને સંયમના માર્ગને મુશ્કેલીમાં મૂકી દેનારું વાતાવરણ તૈયાર હોય ત્યારે મનને નિર્મળ રાખવાનું કામ કપરું છે. છતાં પણ 'મા'ની કૃપાથી એ કામ સહજ થઇ શક્યું. બાકી તો સાધારણ માણસનું શું ગજું ?