ગાંધીજીનું દર્શન
કોલેજના પ્રથમ વરસ દરમ્યાન મને મહાત્મા ગાંધીજીના દર્શનનો લાભ મળ્યો. મહાત્માજી તે વખતે બિરલા હાઉસમાં ઉતર્યા હતા. જી.ટી. બોર્ડીંગ હોસ્ટેલમાંથી બે-ત્રણ ભાઇઓ તેમના દર્શને જતા હતા. તેમની સાથે એક સાંજે હું પણ તેમના દર્શને પહોંચી ગયો. અમે પહોંચ્યા ત્યારે ગાંધીજીની સાંજની પ્રાર્થનાનો વખત હતો. બિરલા હાઉસની બહાર ઘાસના મેદાનમાં ગાંધીજી બેઠેલા. વાતાવરણ તદ્દન શાંત હતું. ગાંઘીજી સફેદ વસ્ત્રો પહેરીને શાંતિથી બેઠા હતાં. તેમની આંખો નીચી નમેલી ને તેમનું મુખ તેજસ્વીતા ને પ્રસન્નતાથી ભરેલું હતું. તેમને જોઇને મને આનંદ થયો. શા માટે ના થાય ? ભારતની સ્વતંત્રતાને માટે તે પરિશ્રમ કરતા. દેશના લાખો લોકોને સુખી કરવા તેમણે જીવનને હોડમાં મૂકેલું. તેમનું વ્યક્તિત્વ દેશ પૂરતું જ મર્યાદિત ન હતું. તેમનો ઉન્નતિકારક ને પ્રેરણાપ્રદાયક અવાજ વિદેશોમાં પણ દૂર દૂર સુધી પહોંચતો હતો. વિદેશોમાં પણ તેમના ભક્તો, પ્રશંસકો, પ્રેમીજનોનો પાર ન હતો. પ્રાચીન ઋષિઓની યાદ આપનારા, સંયમી ને શુદ્ધ જીવનની મૂર્તિ જેવા, તે મહાપુરુષ દેશ ને દુનિયાની એક મહાન વિભૂતિ હતા. ભારતની ઉન્નતિ ને આઝાદી માટે તે જે પરિશ્રમ કરી રહેલા તેનો મને ખ્યાલ હતો. જો કે તે વખતે મારી વયના પ્રમાણમાં તે ખ્યાલ ઘણો જ ઝાંખો હતો, પરંતુ તેથી તેમના પ્રત્યેના મારા પ્રેમભાવમાં વધારો થયેલો.
ગાંધીજીના દર્શનની અસર મારા પર ઘણી ભારે થઇ. એક મહાન સંતપુરુષ થવાની ભાવના મારા મનમાં કેટલાય વખતથી જાગ્રત થઇ હતી. તેને પોષવા ને સાકાર કરવા મારાથી બનતો પ્રયાસ હું કર્યે જતો. ગાંધીજીના દર્શનથી તે ભાવનાને વધારે પુષ્ટિ મળી. જો કે ગાંધીજી સાથે કોઇ જાતની વાત કરવાનો મને અવસર મળ્યો નહિ પરંતુ તેમના દર્શનની કિંમત પણ મારે માટે ઘણી ભારે હતી. તેમનું દર્શન કરીને મને થયું કે મારે પણ મહાન બનીને દેશ ને દુનિયાની ભલાઇનાં કામ કરવા જોઇએ. સૌથી પહેલાં તો મારે ઇશ્વરદર્શન કરવું જોઇએ, ઇશ્વરની કૃપાથી લોકોત્તર શક્તિ મેળવવી જોઇએ, ને તે દ્વારા બીજાને મદદ કરવી જોઇએ. મને થયું કે દેશને આઝાદ કરવાના કામમાં હું ગાંધીજીને કોઇ મોટી મદદ કરી શકું તો કેવું સારું ? ઇશ્વર કરે ને મારે જ હાથે દેશને આઝાદી મળે તો કેવું સારું ? ઇશ્વરની ઇચ્છાથી સર્વ કાંઇ થઇ શકે છે. તેની કૃપાથી કોઇયે કામ અશક્ય નથી રહેતું. પણ તે માટે સૌથી પહેલાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઇએ. ઇશ્વરનો સાક્ષાત્કાર થઇ જાય છે એનામાં અનંત શક્તિ ઉત્પન્ન થાય છે ને તેની મદદથી તે ધારેલું કામ સહેલાઇથી કરી શકે છે. એટલે ઇશ્વરની પૂર્ણ કૃપાની પ્રાપ્તિ કરવાનો મેં નિર્ણય કર્યો. પહેલાંનો જે નિર્ણય હતો તેને વધારે મજબૂત કર્યો. તેની સાથે સાથે મારા દિલમાં એવી ભાવના જાગી ઊઠી કે મારો જન્મ દેશ ને દુનિયાનું મંગલ કરવા માટે જ છે. ઇશ્વરની કૃપા પામી, બુદ્ધ ને ઇસુની જેમ, સંસારને હું શાંતિ ને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બતાવું એવી ઇશ્વરની ઇચ્છા છે. મારા શરીરધારણ પાછળ એ જ હેતુ કામ કરી રહ્યો છે, તે સમય પર કામ કર્યા કરશે ને સિદ્ધ થશે એની મને ખાત્રી થઇ.
એ બધા વિચારોથી મારું મન અને અંતર નાચી ઊઠ્યું. પછી તો દિવસો ને વરસો સુધી હું એ વિચારો ને ભાવોમાં ન્હાતો રહ્યો. એ વિચારો મારે યાદ કરવા પડતા ન હતાં પણ મારા મનમાં આપોઆપ ઉઠતાં. એ વિચારોએ મારા આગળ ઉપરના જીવનમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. બીજરૂપે રહેલા એ વિચારોએ આગળ ઉપર અંકુરિત બનીને મારા જીવનની ઉન્નતિમાં ભારે મદદ કરી. દેશ ને દુનિયાની સેવા કરવાનો એ વિચાર મારા મનમાં આજે પણ કાયમ છે. મને થાય છે કે આ સંસારમાં શ્વાસ લેવાનો સમય મળ્યો ત્યારથી છેક આજ સુધી મેં બીજાની સેવા ને સહાયતા લઇને જ જીવન પસાર કર્યું છે, એમ કહો કે મારો બધો જ બોજો બાળપણથી એક ઇશ્વરે જ ઉપાડી લીધો છે. તેણે જ મારી રક્ષા કરી છે. તે ઇશ્વરને માટે મારા સમગ્ર જીવનને સમર્પણ કરી દેવાનો મારો પવિત્ર સ્વધર્મ થઇ પડે છે. તે ઉપરાંત, તેની ઇચ્છા પ્રમાણે તેના સમાજ ને સંસારની પણ કૈંક સેવા કરી શકું તે જરૂરી લાગે છે. તે માટે જે જે તક મળે છે તેનો લાભ હું ઉઠાવી રહ્યો છું ને વધારે મોટી તક મળે તેની રાહ જોઇ રહ્યો છું. બાકી ઇશ્વરના ચરણોમાં જીવનનું સમર્પણ તો થઇ ચૂક્યું છે ને ચાલશે પણ તે જ રીતે.
દેશને સ્વતંત્રતા મળે તે માટે પાછલા જીવનમાં મેં ઇશ્વરને સતત પ્રાર્થના કરી. તે માટે વિચારો ને વ્યૂહો પણ ઘડ્યા. તેનો વિચાર ક્રમે ક્રમે આવ્યા કરશે. અહીં તો એટલું જ કહીશ કે દેશની આઝાદી મને ઘણી જ પ્રિય હતી ને તે માટે હિમાલયમાં રહીને સાધના કરતાં કરતાં મેં નિયમિત ચિંતા ને પ્રાર્થના ચાલુ રાખેલી. ભારતની આઝાદીની પાછળ ઇશ્વરની ઇચ્છા ને યોજના કામ કરી રહી છે તેની મને પ્રતીતિ હતી. પણ તેમાં વધારે નહિ તો થોડા પણ નિમિત્તરૂપ બનાય તેવી મારી ઇચ્છા હતી. હિમાલયવાસ દરમ્યાન તો દેશ મારે જ હાથે આઝાદ થાય ને ઇશ્વર મને જ એ સદભાગ્ય આપે એવી ભાવના હું સેવ્યા કરતો ને ઇશ્વર આગળ રોજે રોજ રજૂ કરતો. એ પરથી ગાંધીજી પર મને કેટલો બધો આદરભાવ હતો તેની કલ્પના કરી શકાશે. તેમના દર્શનથી મને આનંદ થયો. તે તેમનું પહેલું ને છેલ્લું દર્શન હતું. આજે પણ તેની યાદ એવી જ તાજી છે ને તાજી રહે તે જરૂરી છે. કેમ કે તેમાં પ્રેરણાની સામગ્રી ભરેલી છે. કોલેજના પ્રથમ વરસ દરમ્યાન મને મહાત્મા ગાંધીજીના દર્શનનો લાભ મળ્યો. મહાત્માજી તે વખતે બિરલા હાઉસમાં ઉતર્યા હતા. જી.ટી. બોર્ડીંગ હોસ્ટેલમાંથી બે-ત્રણ ભાઇઓ તેમના દર્શને જતા હતા. તેમની સાથે એક સાંજે હું પણ તેમના દર્શને પહોંચી ગયો. અમે પહોંચ્યા ત્યારે ગાંધીજીની સાંજની પ્રાર્થનાનો વખત હતો. બિરલા હાઉસની બહાર ઘાસના મેદાનમાં ગાંધીજી બેઠેલા. વાતાવરણ તદ્દન શાંત હતું. ગાંઘીજી સફેદ વસ્ત્રો પહેરીને શાંતિથી બેઠા હતાં. તેમની આંખો નીચી નમેલી ને તેમનું મુખ તેજસ્વીતા ને પ્રસન્નતાથી ભરેલું હતું. તેમને જોઇને મને આનંદ થયો. શા માટે ના થાય ? ભારતની સ્વતંત્રતાને માટે તે પરિશ્રમ કરતા. દેશના લાખો લોકોને સુખી કરવા તેમણે જીવનને હોડમાં મૂકેલું. તેમનું વ્યક્તિત્વ દેશ પૂરતું જ મર્યાદિત ન હતું. તેમનો ઉન્નતિકારક ને પ્રેરણાપ્રદાયક અવાજ વિદેશોમાં પણ દૂર દૂર સુધી પહોંચતો હતો. વિદેશોમાં પણ તેમના ભક્તો, પ્રશંસકો, પ્રેમીજનોનો પાર ન હતો. પ્રાચીન ઋષિઓની યાદ આપનારા, સંયમી ને શુદ્ધ જીવનની મૂર્તિ જેવા, તે મહાપુરુષ દેશ ને દુનિયાની એક મહાન વિભૂતિ હતા. ભારતની ઉન્નતિ ને આઝાદી માટે તે જે પરિશ્રમ કરી રહેલા તેનો મને ખ્યાલ હતો. જો કે તે વખતે મારી વયના પ્રમાણમાં તે ખ્યાલ ઘણો જ ઝાંખો હતો, પરંતુ તેથી તેમના પ્રત્યેના મારા પ્રેમભાવમાં વધારો થયેલો.
ગાંધીજીના દર્શનની અસર મારા પર ઘણી ભારે થઇ. એક મહાન સંતપુરુષ થવાની ભાવના મારા મનમાં કેટલાય વખતથી જાગ્રત થઇ હતી. તેને પોષવા ને સાકાર કરવા મારાથી બનતો પ્રયાસ હું કર્યે જતો. ગાંધીજીના દર્શનથી તે ભાવનાને વધારે પુષ્ટિ મળી. જો કે ગાંધીજી સાથે કોઇ જાતની વાત કરવાનો મને અવસર મળ્યો નહિ પરંતુ તેમના દર્શનની કિંમત પણ મારે માટે ઘણી ભારે હતી. તેમનું દર્શન કરીને મને થયું કે મારે પણ મહાન બનીને દેશ ને દુનિયાની ભલાઇનાં કામ કરવા જોઇએ. સૌથી પહેલાં તો મારે ઇશ્વરદર્શન કરવું જોઇએ, ઇશ્વરની કૃપાથી લોકોત્તર શક્તિ મેળવવી જોઇએ, ને તે દ્વારા બીજાને મદદ કરવી જોઇએ. મને થયું કે દેશને આઝાદ કરવાના કામમાં હું ગાંધીજીને કોઇ મોટી મદદ કરી શકું તો કેવું સારું ? ઇશ્વર કરે ને મારે જ હાથે દેશને આઝાદી મળે તો કેવું સારું ? ઇશ્વરની ઇચ્છાથી સર્વ કાંઇ થઇ શકે છે. તેની કૃપાથી કોઇયે કામ અશક્ય નથી રહેતું. પણ તે માટે સૌથી પહેલાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઇએ. ઇશ્વરનો સાક્ષાત્કાર થઇ જાય છે એનામાં અનંત શક્તિ ઉત્પન્ન થાય છે ને તેની મદદથી તે ધારેલું કામ સહેલાઇથી કરી શકે છે. એટલે ઇશ્વરની પૂર્ણ કૃપાની પ્રાપ્તિ કરવાનો મેં નિર્ણય કર્યો. પહેલાંનો જે નિર્ણય હતો તેને વધારે મજબૂત કર્યો. તેની સાથે સાથે મારા દિલમાં એવી ભાવના જાગી ઊઠી કે મારો જન્મ દેશ ને દુનિયાનું મંગલ કરવા માટે જ છે. ઇશ્વરની કૃપા પામી, બુદ્ધ ને ઇસુની જેમ, સંસારને હું શાંતિ ને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બતાવું એવી ઇશ્વરની ઇચ્છા છે. મારા શરીરધારણ પાછળ એ જ હેતુ કામ કરી રહ્યો છે, તે સમય પર કામ કર્યા કરશે ને સિદ્ધ થશે એની મને ખાત્રી થઇ.
એ બધા વિચારોથી મારું મન અને અંતર નાચી ઊઠ્યું. પછી તો દિવસો ને વરસો સુધી હું એ વિચારો ને ભાવોમાં ન્હાતો રહ્યો. એ વિચારો મારે યાદ કરવા પડતા ન હતાં પણ મારા મનમાં આપોઆપ ઉઠતાં. એ વિચારોએ મારા આગળ ઉપરના જીવનમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. બીજરૂપે રહેલા એ વિચારોએ આગળ ઉપર અંકુરિત બનીને મારા જીવનની ઉન્નતિમાં ભારે મદદ કરી. દેશ ને દુનિયાની સેવા કરવાનો એ વિચાર મારા મનમાં આજે પણ કાયમ છે. મને થાય છે કે આ સંસારમાં શ્વાસ લેવાનો સમય મળ્યો ત્યારથી છેક આજ સુધી મેં બીજાની સેવા ને સહાયતા લઇને જ જીવન પસાર કર્યું છે, એમ કહો કે મારો બધો જ બોજો બાળપણથી એક ઇશ્વરે જ ઉપાડી લીધો છે. તેણે જ મારી રક્ષા કરી છે. તે ઇશ્વરને માટે મારા સમગ્ર જીવનને સમર્પણ કરી દેવાનો મારો પવિત્ર સ્વધર્મ થઇ પડે છે. તે ઉપરાંત, તેની ઇચ્છા પ્રમાણે તેના સમાજ ને સંસારની પણ કૈંક સેવા કરી શકું તે જરૂરી લાગે છે. તે માટે જે જે તક મળે છે તેનો લાભ હું ઉઠાવી રહ્યો છું ને વધારે મોટી તક મળે તેની રાહ જોઇ રહ્યો છું. બાકી ઇશ્વરના ચરણોમાં જીવનનું સમર્પણ તો થઇ ચૂક્યું છે ને ચાલશે પણ તે જ રીતે.
દેશને સ્વતંત્રતા મળે તે માટે પાછલા જીવનમાં મેં ઇશ્વરને સતત પ્રાર્થના કરી. તે માટે વિચારો ને વ્યૂહો પણ ઘડ્યા. તેનો વિચાર ક્રમે ક્રમે આવ્યા કરશે. અહીં તો એટલું જ કહીશ કે દેશની આઝાદી મને ઘણી જ પ્રિય હતી ને તે માટે હિમાલયમાં રહીને સાધના કરતાં કરતાં મેં નિયમિત ચિંતા ને પ્રાર્થના ચાલુ રાખેલી. ભારતની આઝાદીની પાછળ ઇશ્વરની ઇચ્છા ને યોજના કામ કરી રહી છે તેની મને પ્રતીતિ હતી. પણ તેમાં વધારે નહિ તો થોડા પણ નિમિત્તરૂપ બનાય તેવી મારી ઇચ્છા હતી. હિમાલયવાસ દરમ્યાન તો દેશ મારે જ હાથે આઝાદ થાય ને ઇશ્વર મને જ એ સદભાગ્ય આપે એવી ભાવના હું સેવ્યા કરતો ને ઇશ્વર આગળ રોજે રોજ રજૂ કરતો. એ પરથી ગાંધીજી પર મને કેટલો બધો આદરભાવ હતો તેની કલ્પના કરી શકાશે. તેમના દર્શનથી મને આનંદ થયો. તે તેમનું પહેલું ને છેલ્લું દર્શન હતું. આજે પણ તેની યાદ એવી જ તાજી છે ને તાજી રહે તે જરૂરી છે. કેમ કે તેમાં પ્રેરણાની સામગ્રી ભરેલી છે.