મહર્ષિ અરવિંદને પત્ર
વડોદરાના નિવાસ દરમિયાન દિવસો શાંતિપૂર્વક પસાર થઈ જતાં. દિવસનો વધારે વખત કામાટીબાગમાં જ પૂરો થતો. સાધનાનો પ્રવાહ અસ્ખલિત રીતે ચાલ્યા કરતો. વહેલી સવારનું ધ્યાન વધારે ભાગે કામાટીબાગમાં જ થયા કરતું. કોઈ કોઈ વાર રમણભાઈના પુત્ર મનુભાઈ સાથે હું રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વનાથના મંદિરમાં જતો. ત્યાં કોઈ ઝાડની નીચે મનુંભાઈ સાથે થોડો વખત ધ્યાન કરવા બેસતો. કેટલીક વાર અંધારામાં કપડાં કાઢી નાખીને પણ અમે ધ્યાન કરવા બેસતા. તે વખતે મને ફરવાની ટેવ ખૂબ હતી. ઘરમાં તો હું ભાગ્યે જ રહેતો. સવાર, સાંજ ને બપોરે વધારે ભાગે હું બહાર જ રહેતો. તે વખતે કુદરત મને ખૂબ જ પ્રિય લાગતી.
વડોદરામાં તે દિવસોમાં સ્વામી જીવનતીર્થ નામે એક પુરુષ આવેલા. તે સંગીત વિદ્યાલયની સામેના મકાનમાં યોગાશ્રમ ચલાવતા. તેમની સાથે એક વ્યાયામવિશારદ ભાઈ પણ હતા. તેમનું નામ ગિરધરભાઈ હતું. તે ભાઈ હાડવૈદ પણ હતા ને કુદરતી રોગોપચારનું કામ પણ સારું કરતા. તેમનો સ્વભાવ ઘણો સરળ અને માયાળુ હતો. તેમની સાથે મારે સ્નેહ થયો. સ્વામીજી પણ મારા પર પ્રેમ રાખતા. તેથી હું વારંવાર તેમની પાસે જતો અને આશ્રમમાં થનારી સાંજની પ્રાર્થનામાં ભાગ પણ લેતો. પાછળથી હું ત્યાં નેતિ, ધોતિ જેવી ષટ્ ક્રિયાઓ પણ શીખ્યો.
વડોદરાનું વાતાવરણ મારે માટે તદ્દન નવું હતું એટલે મુંબઈની જેમ મારું મન ત્યાં લાગતું નહિ. જીવનમાં જે એકાએક પલટો આવેલો એની અસર મારા મન પર પ્રબળપણે પડી. મારું જીવન હવે કયે માર્ગે જશે ને કેવા કેવા પલટા લેશે તે મને સમજાતું નહિ. મનોમંથન સારા પ્રમાણમાં ચાલતું હતું, ને તેની અંદર પણ આત્મોન્નતિની મારી ચિંતા એવી જ કાયમ હતી. તે દરમ્યાન મારા મનમાં એક નવો વિચાર ઉત્પન્ન થયો. મને થયું કે મારું બધું જ ધ્યાન હવે ઈશ્વરદર્શન કે સાધના તરફ લગાડું તો સારું. તેમાં જો સફળતા મળે તો મન શાંતિ અનુભવે ને કોઈ લૌકિક કામમાં લાગી શકે. યોગીશ્રી અરવિંદ અને એમના આશ્રમ વિશે મને સાધારણ માહિતી હતી. અરવિંદની શક્તિ વિશે મેં કેટલીક વાતો સાંભળેલી. તેમાં તે જમીનથી અદ્ધર થઈ શકે છે, ને પોતાની વિશેષ શક્તિથી કોઈનો ફોટો જોઈને તેના જીવનની ઝીણામાં ઝીણી વિગતો જાણી શકે છે, એવી એવી વાતોનો સમાવેશ થતો. યોગની સાધના કરીને અમુક ચોક્કસ સિદ્ધિ મેળવ્યા પછી તે દેશને મદદ કરવાના છે ને દોરવણી આપવાના છે એમ પણ મેં સાંભળેલું. પરિણામે મને તેમના તરફ આકર્ષણ થયું ને તેમને માટે મારા દિલમાં માનની લાગણી જાગી. મને થયું કે આવા મહાપુરુષની સાથે રહેવાનું સૌભાગ્ય મળે તો કેવું સારું ? મને પણ દેશ પ્રત્યે પ્રેમ હતો ને દેશને મદદરૂપ થવાની ઈચ્છા હતી. દેશની ગુલામીની શૃંખલા તોડી નાખવા ગાંધીજી પોતાનાથી બનતો બધો જ પ્રયાસ કરી રહેલા, તેનું સ્મરણ કરીને મને એવો વિચાર સ્ફુરી આવ્યો કે ભારતમાં યોગી ને યોગનું ગૌરવ ઘણું છે. યોગની સિદ્ધિ સંબંધી વાતો પણ સારા પ્રમાણમાં સંભળાય છે. શ્રી અરવિંદ પણ એક યોગી છે. તેમની યોગશક્તિ પણ વખણાય છે. તો શું યોગની સિદ્ધિ મેળવીને ગાંધીજીને મદદ કરી ના શકાય ? યોગશક્તિનો ઉપયોગ કરીને દેશને આઝાદ ના કરી શકાય ? માણસ પરમાત્માનું દર્શન પણ કરે ને પછી યોગની પરમાત્માની કૃપાપ્રસાદીરૂપે મળેલી શક્તિથી દેશને સ્વતંત્ર ને સુખી કરવામાં મદદરૂપ પણ બને. વળી સાથે સાથે સંસારને પણ શાંતિનો સંદેશ સંભાળાવે. તેમ થવું શું શક્ય નથી ? મારું હૃદય આશા ને મહત્વાકાંક્ષાથી ભરપૂર હતું. એટલે મને લાગતું કે તે શક્ય છે, એટલું જ નહિ, પણ સારું ને ઈચ્છવા જેવું છે. કેમકે સત્ય અને અહિંસાના આધાર પર પરદેશી સત્તા સામે એકલે હાથે લડનારા ગાંધીજીને તેથી મદદ મળશે, ને ઈશ્વર, યોગ ને યોગી પુરુષોમાં માનવનો વિશ્વાસ વધી જશે. સાધના દ્વારા માણસ પોતાનું મંગલ તો કરશે જ પણ સાથે સાથે બીજાં પણ કરોડોનું કલ્યાણકામ કરી શકશે.
એ વિચારની પ્રબળતાથી મારું મન હાલી ને નાચી ઊઠ્યું. મને વિચાર થયો કે સાક્ષાત્કાર કરી લીધા પછી દેશના હિતનું કામ મારી મારફત કરાવવાની ઈશ્વરની ઈચ્છા છે કે શું ! એ મનોદશામાં દિવસો સુધી રમતા રહ્યા પછી અરવિંદ આશ્રમમાં દાખલ થવા માટે મેં મહર્ષિ અરવિંદને એક પત્ર લખ્યો. તેમાં મુખ્યત્વે આજ વાતનો નિર્દેશ હતો. મેં લખેલું કે મને ઈશ્વર દર્શનની લગની લાગી છે. તમારા જેવા મહાપુરુષ મને તે માટેનો માર્ગ બતાવશે એમ માનીને મને આશ્રમમાં સાધક તરીકે આવવાની ઈચ્છા થઈ છે. આશા છે કે આશ્રમમાં રહેવાની મંજૂરી મને મળી રહેશે. વળી મેં સાંભળ્યું છે કે તમે સાધનામાં સિદ્ધિ મેળવીને દેશને મદદ કરવાની ને દોરવણી આપવાની ઈચ્છા રાખો છો. આપણા દેશને અત્યારે એવી દોરવણીની આવશ્યકતા છે. મેં સાંભળ્યું છે કે તમે યોગની કેટલીક સિદ્ધિઓ મેળવેલી છે. મારી ઈચ્છા પણ તેવી સિદ્ધિ - જો મદદરૂપ હોય તો મેળવવાની છે. એવી સિદ્ધિઓ મેળવી, તેમનો પ્રયોગ કરીને, આપણા દેશને શું સ્વતંત્ર ના કરી શકાય ? તેમ થાય તો ગાંધીજીને પણ મદદ મળે. તો મારી વિનંતી છે કે તમે મને આશ્રમમાં રહેવાની રજા આપો ને બને તો તમારી સાથે જ રાખો. તમારી મદદથી હું આગળ વધીશ. પછી આપણે બંને સંયુક્ત સાધના કરી, સિદ્ધિઓની પ્રાપ્તિ કરી લઈ, દેશને સ્વતંત્ર ને સુખી કરીશું, ને સંસારને પણ શાંતિનો માર્ગ બતાવીશું. પત્ર ઘણો લાંબો હતો, પણ તેનો સારાંશ આ જ હતો. વરસો વીતી ગયાં છે તો પણ હજી તે એવો જ યાદ છે.
ભાવિ જીવનની કલ્પનામાં રમતાં રમતાં એક પુનિત પ્રભાતે તે પત્રને મેં ટપાલમાં રવાના કર્યો.