if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 શાંતાતટનો પવિત્ર એકાંત આશ્રમ ! આખરે અમે આશ્રમમાં આવી પહોંચ્યા. હિમાલયની દિવ્યભૂમિ હવે પહેલાં જેવી રહી નથી. શાસ્ત્રોમાં હિમાલયનું વર્ણન આવે છે. તેમાં આવે છે કે ઋષિમુનિઓ ફળફુલ ખાઇને રહેતા, ઠેરઠેર તેમના આશ્રમોમાં યજ્ઞ તેમ જ ગૌસેવા થતી. આજે તો ઋષિમુનિના એ આશ્રમોને હજારો વરસો થઇ ગયા છે. કાળના વહેવાની સાથે એ બધું અનંતમાં વિલીન થઇ ગયું છે. આજે તો ફળફુલ દેખાતાં નથી. દેવપ્રયાગમાં બિમાર પડો તો પણ ફળ માટે મુંઝાવું પડે છે. હરણ કે ઝરણું આજે ભાગ્યે જ દૃષ્ટિએ પડે છે. ઉત્તરાખંડના ગ્રામવાસીઓને પાણીનો ત્રાસ ઘણો જ છે. ને માણસો પણ ઋષિમુનિની તપોભૂમિમાં જન્મ્યા છતાં સંતસેવા કે મહાત્માઓના સન્માનની બાબતમાં કેટલેક સ્થળે ઉદાસીન છે. મહાત્માઓની સેવા માટે ગામ લોકો તરફથી ખાસ સ્વૈચ્છિક પ્રબંધ આ પ્રદેશમાં કૈં નથી. ને તેથી જ, ઋષિકેશ છોડો એટલે બહુ જ ઓછા સંત સાધુઓ અન્નક્ષેત્રના પ્રબંધ વિનાના સ્થળોમાં રહે છે. પ્રાચીન વારસાને ચિરંજીવ રાખીને રહેનારા સંતસાધુમાં પણ સાધનાનો મર્મ જાણનારા બહુ થોડા દેખાય છે. વધારે ભાગે ભિક્ષા ને વેદાંતના ગ્રંથોનું શ્રવણમનન એ જ સંતમહાત્માઓની વિશેષતા રહી છે. તપસ્વી ને યોગીઓની સરખામણીમાં આ પુંજી ઘણી જ મોટી છે, ને સાધારણ માણસોએ આ જ સાધુપુંજીને મળીને કૃતાર્થ થવાનું કે ધર્મ ને સંન્યાસ પ્રત્યે વધારે ઉદાસીન થવાનું રહે છે.

આ બધી વાતને બાજુએ મૂકીએ તો કુદરતી સૌન્દર્ય અને એકાંતનો આનંદ અહીં ઘણો છે. પતિતપાવની ગંગાના પ્રવાહથી ચિરપાવન થયેલી આ ભૂમિ ખૂબ જ પવિત્ર ને મંગળ લાગે છે. માણસના હૃદય પર તેની ઊંડી છાપ પડ્યા વિના રહેતી નથી. આ ભૂમિમાં ઇશ્વરેચ્છાથી પ્રેરાઇને આજે કેટલાય વખતથી હું વસી રહ્યો છું. રાજમહેલથી વધારે આનંદ મને અહીં અનુભવાય છે. જો કે આ આનંદ અંતિમ નથી, કેમ કે મારે કરવાનું કામ ઘણું જ મોટું છે.

પર્વતની એકાકી ખીણમાં મારે માટે આ સ્થળ પ્રભુએ પસંદ કરી રાખ્યું છે તે તેની કેવી કૃપા છે ! તેમાં આશ્ચર્ય થાય તેમ છે ને નથી. નથી એટલા માટે કે ઇશ્વરની યોજના પ્રમાણે બધું થયા કરે છે ને માણસે તેમાં નિમિત્ત બનવાનું હોય છે. ભારતની ફિલસૂફીની એ એક વિચારધારા છે. તેમાં કેવળ નિયતિવાદનો સ્વીકાર નથી, પરંતુ પુરુષાર્થ કરવાની યોગ્ય ભૂમિકાનો સૂર છે. અહીં વનમાં બધે આંબાવાડિયું છે. જે કલમી આમ્રવૃક્ષની નીચે આ કુટિર બંધાઇ છે તે વૃક્ષરાજને પણ ધન્ય છે. તેની શોભા અપાર છે. તેની શીતળ છાયા નીચે બેસીને મેં કેટલાય વિચારો કર્યા છે, સાધના કરી છે, હૃદયના મંથનો અનુભવ્યાં છે અને અવનવીન અનુભવો મેળવ્યા છે. એ બધા જ અનુભવોની ધન્યતારૂપ સાધનાના મંદિર પર સિદ્ધિનો સોનેરી કળશ ચઢતાં આ વૃક્ષરાજ ને વન પણ કૃતાર્થ થઇ જશે. એક મહાન ઇતિહાસ તેમની નજર સામે બનેલો તેમને યાદ રહી જશે. આ પર્વતો, શાંતા નદી ને પક્ષીના સમૂહો પોતાની અસ્પષ્ટ ભાષામાં એ ધન્ય ઘડીની પ્રસન્નતાને પ્રકટ કરતાં આનંદથી ઊભરાઇ ઊઠશે. ધન્ય છે હિમાલય ! તારી ગોદમાં આટલાં વર્ષો રહીને મારી કાયા પણ કૃતાર્થ થઇ ગઇ. જગતમાં મારું આવવું ને જીવવું સફળ થઇ ગયું ! ધન્ય છે પતિતપાવની ગંગા ! તારા પ્રદેશમાં વસીને મારી જુવાનીનો જે બધો કાળ આત્મકલ્યાણ ને વિશ્વહિતની સાધનામાં વીત્યો તે મહાન ફળદાયક બની ગયો. મારે માટે ગૌરવરૂપ ને સફળ થઇ ગયો. આ જગતમાં આવીને અનેક નિર્ધનની જેમ સ્ત્રી, ધન ને વાહવાહમાં આસક્ત થઇને મેં ખાલી હાથે વિદાય લીધી નથી, પણ પ્રાચીન તપસ્વી ને ઋષિમુનિઓની કૃપાથી જીવનની પચ્ચીસીમાં જ તેમને પગલે ચાલીને પૂર્ણતાના પંથની ઝંખના કરી છે, અને આવા અલૌકિક પ્રદેશમાં રહીને પ્રકાશ ને પૂર્ણ પ્રકાશની ઉત્તરોત્તર આરાધના આદરી છે. મારા જીવનને તમારી કૃપાથી આલોકિત કરજો, ને તમારો સહવાસ આજીવન કાયમ રાખી તેમાંથી મેળવેલી શક્તિનો ‘બહુજનસુખાય બહુજનહિતાય’ અનેકને માટે ઉપયોગ કરજો એ જ માગું છું.

હિમાલયના પાવન પ્રદેશમાં આવી આવી ભાવના વચ્ચે મારા દિવસ વીતતા હતા.

થોડા દિવસ પછી મારે અચાનક ચંદ્રવદની જવાનું થયું. મુંબઇથી એક ઉપાસક બદરીનાથ યાત્રા માટે આવ્યા હતા. એમના આગ્રહથી મેં ચંદ્રવદની જવાનું ઠરાવ્યું. માતાજીને એ દરમ્યાન ભાઇ મગનલાલને ત્યાં રાખ્યાં. માતાજીએ મારી સાથે હિમાલયમાં અત્યંત આનંદપૂર્વક વસવાટ કર્યો હતો. મારે લીધે તે પણ એકાંતનાં કષ્ટોને વધાવીને પ્રભુસ્મરણમાં આનંદ માનતાં. મારાથી ત્રણ દિવસ માટે હિમાલયમાં તે આ પહેલી જ વાર છૂટાં પડ્યાં.

ચંદ્રવદની દેવીનું સ્થાન છે. પર્વત પર લગભગ ૭000 ફીટની ઊંચાઇ પર આવેલું છે. દેવપ્રયાગથી ૧૭-૧૮ માઇલ દૂર છે. યાત્રા માર્ગથી એકદમ અલગ હોવાથી ત્યાં જવાનો રસ્તો તદ્દન પગદંડી જેવો છે. જતી વખતે ખચ્ચરની વ્યવસ્થા હતી, એટલે મને ખચ્ચર પર બેસવા મળ્યું. તેથી ચાલવાનો શ્રમ જણાયો નહિ. ચંદ્રવદનીના મંદિરમાં મૂર્તિ નથી પણ યંત્ર છે. મંદિર પ્રાચીન છે. પર્વતના શિખર પર બંધાયું હોવાથી સામે હિમાલયના હિમાચ્છાદિત પર્વતો દેખાય છે. ગઢવાલના અનેક પહાડો તથા પ્રદેશો જોવા મળે છે. ઉનાળાનો વખત હોવા છતાં એ સ્થળની ઠંડી સખત હતી.

પાછા ફરતાં અમારે ચાલીને આવવું પડ્યું, કેમ કે પર્વતની ઉતરાઇમાં ખચ્ચર સારી પેઠે ચાલી શકે નહિ. ચાલતી વખતે લાકડી સારી રહે છે. તેનાથી ચાલવાનો શ્રમ ઓછો થાય છે. મારી પાસે ખચ્ચરવાળાની લાકડી હતી. રસ્તામાં ખચ્ચરવાળાએ તે માગી. તેણે કહ્યું, ‘મારે ખચ્ચર હાંકવા લાકડીની જરૂર છે.’ મેં કહ્યું, ‘તેવી લાકડી તો રસ્તામાંથી બીજી પણ કાપી શકાશે.’ એટલે તે કાંઇ બોલ્યો નહિ.

ખચ્ચરવાળો માણસ પ્રેમી હતો. મારી પાસે તે વારંવાર આશીર્વાદની માગણી કરતો. બીજે દિવસે સવારે તેણે ફરી લાકડી માગી. મેં કહ્યું, ‘તું એક લાકડીને તે પણ દેવપ્રયાગ સુધી ચાલવા માટે આપી શકતો નથી; તો મારી પાસે જીવનભરને માટે આશીર્વાદ માગે છે તે ક્યાંથી મળશે ? આશીર્વાદની આગળ લાકડી તો બહુ નાની વસ્તુ છે. મોટી વસ્તુ લેવા નાની વસ્તુનો ત્યાગ પણ તું કરી શકતો નથી.’

ત્યારે ખચ્ચરવાળાએ માગવાની વાત પડતી મૂકી. તેનું હૃદય સરળ હતું. એટલે મારા શબ્દો તેની સમજમાં આવી ગયા. અર્ધે માર્ગે જઇને મેં તેને લાકડી આપી દીધી.

વાત ઘણી નાની છે, પણ તેમાં ઊંડું રહસ્ય છે. ખચ્ચરવાળાનું માનસ આપણામાંના વધારે ભાગના માણસોના માનસનું પ્રતિનિધિત્વ જ રજૂ કરે છે. આપણે બધા જ વિના ભોગે મહાપુરુષો ને ઇશ્વર પાસે ઘણી મોટી કૃપા માગી રહ્યા છીએ, ને માગતાં અચકાતાં નથી. પણ બદલામાં આપણો શો ધર્મ છે તે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણી યોગ્યતાનો લગીર પણ પડઘો આપણે પાડવો જ પડે છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.