if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 વરસાદના ભયંકર તોફાનને લીધે આશ્રમનો રસ્તો કપાઇ ગયો હતો. હજી તોફાન ચાલુ હતું. એ દશામાં સ્થાનાંતર થાય તો સારું હતું. જો કે આશ્રમને કોઇ પ્રકારની મુશ્કેલી આવે તેમ ન હતી, કેમ કે હજી બીજે વરસે મારે એ સ્થળમાં રહેવાનું છે એવી આજ્ઞા થઇ ચૂકેલી. નજીકના મકાનમાં શિવલાલ રહેતા. દેવપ્રયાગના શેઠના મકાનની સંભાળ રાખવાનું કામ તેમનું હતું. પ્રેમમાં તેમને અમે ‘સિબ્બારામ’ કહેતા. તેમના આગ્રહથી અમે સ્થાનાંતર કર્યું. શેઠનું મકાન આશ્રમની પાસે જ ને મોટરસ્ટેન્ડની ઉપર હતું. કોટિ ગામના પ્રેમી ભાઇ રામેશ્વરની મદદથી અમે તે મકાનમાં સરસામાનની ફેરબદલી કરી દીધી.

એ મકાન ખૂબ જ સારું હતું. ‘સિબ્બારામ’ સિવાય તેમાં બીજું કોઇ રહેતું નહિ. બંગલા જેવા એ મકાનની આગળ સારો એવો બગીચો હતો. આશ્રમ પાસે જે ઝરણું વહેતું તે જ ઝરણું ત્યાં પણ જોવા મળતું. એ મકાનમાં વરસાદનો ઉપદ્રવ ન હતો. ઉપરાંત બીજી સગવડો સારી હતી. આશ્રમનું દર્શન બહાર આવતાંવેંત થતું. વળી સંગમ ને રઘુનાથજીનું મંદિર તેમ જ શાંતાગંગાના મિલનનું દૃશ્ય પણ દૃષ્ટિગોચર થતું. એ મકાનમાં રેડિયો પણ રહેતો. ‘સિબ્બારામ’ને તેનો શોખ હતો એટલે રાતે સમાચાર જાણવા મળતા. વરસાદ સાધારણ પડતો હતો. છતાં આકાશ તદ્દન સાફ ન હતું. કૃપાળુ ‘મા’એ અમારે માટે રહેવાની સુંદર વ્યવસ્થા કરી દીધી. કષ્ટમય વાતાવરણમાંથી અમને સારા વાતાવરણમાં મૂકી દીધા.

એ સ્થળમાં થોડાક દિવસ આનંદપૂર્વક રહ્યા પછી એક દિવસ માતાજી બિમાર પડ્યા. તેમને તાવ તથા ઝાડા શરૂ થયા. ડોકટરની દવા લીધી, છતાં એમને આરામ થતાં લાંબો વખત લાગ્યો. એ દિવસોમાં જરૂરી કામકાજ મારે જ કરવું પડતું. ‘સિબ્બારામ’ તેમ જ તેની હાથ નીચેના નોકરે અમને મદદ કરી. સફાઇનું બધું જ કામ તે બંને પ્રેમથી કરતા. આશ્રમ પર માતાજી બિમાર પડ્યા હોત તો મોટી મુશ્કેલી ઊભી થાત. પરંતુ ઇશ્વર કૃપાળુ છે. જેને એક એનો જ આધાર છે, તેને તે બધી જ મુશ્કેલીમાંથી ઊગારે છે. જે ‘મા’ને આશ્રયે જીવન ચાલે છે ને જેની આરાધના એ જ જીવનનું એકમાત્ર કર્તવ્ય છે તે ‘મા’એ અમારો બધો જ ભાર ઉપાડી લીધો, ને બધી અનુકૂળતા કરી આપી. હે મન ! તું એ ભૂલીશ નહિ. એને યાદ રાખીને ‘મા’ના પ્રેમની ઝંખના કરી હરહંમેશ ‘મા’ના સાનિધ્યમાં શાંતિ પામજે. હે માનવ ! તું પણ દુઃખના ડુંગરથી શા માટે ગભરાય છે ? સંકટોને નિવારવા તું કોનું શરણું શોધે છે ? ઇશ્વર વિના તારું કોઇ નથી. તારાં સંકટોને દૂર કરવાની શક્તિ બીજા કોઇમાં નથી એમ સમજીને એક ઇશ્વરનું જ શરણ લે. એ શરણનો ચમત્કાર તેં હજી જોયો નથી. એટલે જ દુઃખથી ડરી જઇ, દુન્યવી વ્યક્તિ ને વસ્તુનું શરણ શોધતો તું ભમ્યા કરે છે. એ રીત ખોટી છે. ઇશ્વરના દ્વારે પોકાર કર. ઇશ્વરની કરુણામાં શ્રદ્ધા રાખીને પ્રેમપૂર્વક એનો આશ્રય લે. તેને માટે પ્રાર્થના કર, રડ, ને તલસ, તો તારાં નાનામાં નાનાં લૌકિક દુઃખોથી માંડીને મોટામાં મોટા પારમાર્થિક દુઃખો પણ દૂર થઇ જશે. જીવનની પહેલી પચ્ચીસીમાં મેં ઇશ્વરનું શરણ લઇને હિમાલયમાં હાડ ગાળ્યાં છે, ખિસ્સામાં ફૂટી બદામ પણ ના હોય એ અવસ્થામાં ઇશ્વરની આરાધના કરી છે. કોઇનો આશ્રય લીધા વિના, કોઇની પાસે હાથ લંબાવ્યા વિના કે શાસ્ત્રમાં જેની રજા આપી છે તે ભિક્ષા પણ માગ્યા વિના, વરસ પર વરસ મેં ‘મા’ પર શ્રદ્ધા રાખીને તેના પ્રેમમાં તરબોળ થતાં ઋષિમુનિની દિવ્ય ભૂમિમાં પસાર કર્યા છે; છતાં પણ મને આનંદ છે. તેણે મારી પૂરતી સંભાળ લીધી છે. તપ કે વ્રતનું કોઇ બળ ના હોવા છતાં, કેવળ શરણાગત થવાથી ‘મા’એ મારો વાળ પણ વાંકો થવા દીધો નથી. તો પછી તપ ને વ્રતના બળથી પૂરું મન લગાડીને જો તું તેને ભજીશ, તો તે તારી બધી જ સંભાળ કેમ નહિ રાખે ?

‘મા’ની કૃપાથી આખરે માતાજીને આરામ થયો. દેવપ્રયાગ એવું સ્થળ છે કે ત્યાં બિમાર માટે ફળ પણ મળી શકતાં નથી. દૂધ પણ ચોક્ખું મળતું નથી. આજની દુન્યવી હવા ઠેઠ હિમાલયમાં પણ ફેલાઇ ગઇ છે, ને ત્યાં પણ માણસો દૂધમાં ગંગાજળ મેળવીને વેચે છે. પહાડના અંદરના લોકો એ બદીથી હજી પર છે એટલે સારું છે. પણ દેવપ્રયાગ જેવાં મોટાં સ્થળે તો એ બદી ખૂબ જ ફેલાયેલી છે. માણસોને સંત મહાત્માઓની સેવા કરવાની તો શું, તેમની પાછળ ધ્યાન રાખવાની પણ પડી નથી. છતાં કોઇ કોઇ સેવાભાવી ને પ્રેમી માણસો પણ મળી આવે છે. દેવપ્રયાગમાં પણ એવા ગણ્યાંગાંઠ્યા માણસો છે. પ્રેમી ભાઇ મુરાલીલાલ આમાંના એક હતા. તે પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમણે ઋષિકેશથી મોટર દ્વારા ફળ મંગાવ્યા. સારા દૂધની વ્યવસ્થા પણ થઇ ગઇ.

એ સ્થળમાં અમે દોઢેક માસ રહ્યાં. તે દરમ્યાન લગભગ એક માસ સુધી મોટરમાર્ગ બંધ હતો. તોફાની વરસાદથી માર્ગ ઠેરઠેર તૂટી ગયેલા. પણ તેની ચિંતા નહોતી. ‘સિબ્બારામ’ નો પ્રેમ પુષ્કળ હતો. રઘુનાથજીનું દૂરથી દર્શન કરતાં, પવિત્ર ગંગાજીના જયઘોષને સાંભળતાં, સમય એકાંતમાં આનંદપૂર્વક વીતી જતો.

માતાજીને પૂરો આરામ થયો તે પછી થોડા દિવસે મોટર શરૂ થતાં ઇશ્વર પ્રેરણાથી અમે દેવપ્રયાગ છોડ્યું. એ વરસે અધિક માસ હોવાથી ઠંડી ખૂબ વહેલી શરૂ થઇ, માતાજીથી એ ઠંડી સહન કરવાનું કપરું હતું.

દિલ્હીથી અમદાવાદ થઇને અમે પ્રથમ મહુવા બંદર(સૌરાષ્ટ્રમાં) ગયા. ત્યાનાં એક ભાઇનો ખૂબ આગ્રહ હતો. તે હિમાલયમાં લાંબા વખતથી પત્રો લખીને બોલાવતા હતા. ત્યાંથી એકાદ માસ બાદ સરોડા જવાનું થયું. દિવાળી વિગેરે દિવસો ત્યાં જ પસાર થયા.

છેલ્લા ડીસેમ્બર માસમાં ભારતના બે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષોનું મહાપ્રયાણ થઇ ગયું. તારીખ ચાર ડીસેમ્બર ને સોમવારે યોગીરાજ શ્રી અરવિંદ ને તારીખ પંદરમી ડીસેમ્બર ને શુક્રવારે ભારતના મહાન સફળ મુત્સુદ્દી ને નેતા સરદાર વલ્લભભાઇ પટેલ. પોતાની અસાધારણ મહાનતાથી એ બંને મહામાનવોએ જનતાના હૃદયમાં સ્થાન જમાવેલું. એકના જવાથી ભારતીય સાધના અને આધ્યાત્મિકતાને મહાન ખોટ પડી, જ્યારે બીજાને લીધે ભારતે પ્રવર્તમાન કઠિન સંક્રાંતિ કાળમાં પોતાના હિતચિંતક ને સમર્થ રક્ષકને ખોઇ નાખ્યાં. કાળ રહેશે ત્યાં સુધી એમના નામ ઇતિહાસમાં અમર રહેશે. ભારતમાં વધારે ને વધારે ઉત્તમ યોગીઓ, સંતો ને દેશસેવકો ઉત્પન્ન થાય એવી પરમકૃપાળુ પરમાત્માને નમ્ર દિલે પ્રાર્થના છે. ભારત સુખી ને સમૃદ્ધ બને, સંસારમાં યશસ્વી બને, સંસારને આધ્યાત્મિક પથપ્રદર્શન કરે ને સમસ્ત સૃષ્ટિમાં શાંતિ, સમૃદ્ધિ ને સહકાર સ્થપાય એ જ પ્રાર્થના સાથે વિરમું છું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.