if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 અમરનાથનું સ્થાન કેવું વિકટ, એકાકી છતાં અલૌકિક ને સુંદર છે ? આજ લગી વાતાવરણ સારું હતું પણ અમરનાથ પહોંચ્યા કે તરત થોડો થોડો વરસાદ શરૂ થયો. વિચિત્ર ! જે પ્રભુના ધામના દર્શન માટે અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને લોકો દૂર દૂરથી આવે છે તે ધામમાં વરસાદ શરૂ કરીને પ્રભુ તેમને કઇ જાતનો આશીર્વાદ આપતા હશે ? શું આ પ્રભુનું સ્વાગત છે ? આથી લોકો અત્યંત તકલીફમાં મૂકાઇ જશે. કેટલાયની પાસે છત્રી નથી. વરસાદથી રસ્તો પણ કાદવવાળો ને લપસણો થઇ જશે. યાત્રાના દિવસો દરમ્યાન તો વરસાદ વરસવો જ ના જોઇએ.

પણ વરસાદની ચિંતા કરવાથી શું વળે ? સૌથી પહેલાં અમે ગુફામાં દર્શન કરવા માટે ગયા. ગુફા ખૂબ મોટી ને જરાક ઊંચાઇ પર છે. ગુફાની સામેના પર્વત પર બધે જ બરફ ફેલાયેલો છે. ગુફાવાળો પર્વત બરફ વિનાનો છે. પણ અમારા આશ્ચર્ય વચ્ચે અમે જોયું કે ગુફામાં એક ખૂણામાં બરફ જામી ગયો હતો, ને સ્પષ્ટ ઊંચા લિંગના-બરફના લિંગના દર્શન થતાં હતાં. બીજી બાજુ-થોડેક પાસે બીજી બરફની રચના હતી. તે ગણેશના નામથી ઓળખાતી. આ સ્થળે બરફ ક્યાંથી ? ગુફામાં બધે કે બીજે ક્યાંય નહિ ને અહીં જ કેમ ? ને તે પણ સ્પષ્ટ લિંગાકારમાં ? આ દર્શન ખૂબ જ અજબ હતું. યાત્રીઓને જવા-આવવા માટે ગુફામાં દરવાજા બનાવેલા. ત્યાં પહેરેગીરની વ્યવસ્થા હતી. એક બાજુ કેટલાક સાધુ લાકડાં સળગાવીને બેઠેલા. બીજી બાજુ ભીષણ ઠંડીને દૂર કરવા કામળા ઓઢીને ઊભેલા લોકો આઠ આને કપની ચા પીતા હતાં. કેટલાક લોકો ગુફામાં ઉપર એક તરફથી બીજી તરફ ઊડતાં કબૂતરને જોઇને પોતાને બડભાગી માનતા. ચાર કબૂતરના દર્શન અવારનવાર થતાં હતાં. આટલી ઠંડી જગ્યાએ બીજું એક પણ પક્ષી રહેતું નથી તો આ કબૂતર ક્યાંથી ? યાત્રીઓ એને શિવપાર્વતી કે અમર યોગીનાં સ્વરૂપ માને છે, અને એમનાં દર્શનથી ધન્યતા અનુભવે છે. ગુફામાં એક બાજુ બેસીને અમે મહિમ્ન સ્તોત્ર ને તાજા રચાયેલા શિવસંગીતનો પાઠ કર્યો. ધનેશ્વરભાઇ તથા માતાજી ઠંડીથી ખૂબ જ શ્રમિત થયેલાં, છતાં તેમનામાં ઉત્સાહ ને હિંમત ખૂબ હતાં. સૌએ ભગવાન શંકરને પ્રેમથી યાદ કર્યા. છેવટે વરસાદમાં ભીંજાતા અમે પંચતરણી જવા ઊપડ્યા. એ દિવસે શ્રાવણ સુદી પૂનમ એટલે તારીખ ૧૭ ઓગસ્ટ ૧૯પ૧ હતી.

આખે રસ્તે વરસાદ ચાલુ રહ્યો. લોકો ભીંજાતા જતાં ને આવતાં હતાં, માર્ગ પણ ખૂબ જ ખરાબ થઇ ગયેલો. છતાં ઘોડાઓ ખૂબ જ સાવચેતીથી આગળ પગ મૂકતા. પંચતરણી આવ્યા ત્યાં સુધી બધા ભીંજાઇ ગયા. થોડીવારે ઉઘાડ નીકળ્યો. અમે તંબુમાં આશ્રય લીધો. ભગવાને પાછો એક દૂધવાળાને મોકલી આપ્યો. અમે દૂધ પીને આરામ કરવા માંડ્યા. સાથે થોડાં ફળ હતાં તે પણ ખાધાં. પછી વરસાદ આખો દિવસ ચાલુ જ રહ્યો. પરિણામે અમે તે દિવસે ત્યાં જ રહ્યા. સાંજે જમવાની વ્યવસ્થા કરવા બહાર નીકળ્યા. રસ્તામાં એક ઠેકાણે ભાત જોઇને મને થયું કે ભાત ખાધે ઘણો વખત થયો. અહીં તો ભાત ક્યાંથી મળે ? પુરી મળશે તો જોઇશું. તેમણે મને પૂછ્યું કે ભાત ખાશો ? મને શરૂઆતમાં તો તે ભાઇની વાત સાચી ના લાગી. આવા સ્થળમાં બીજાને ભાત ખવડાવવાનો વિચાર પણ કોણ કરે ? પણ તે ભાઇએ ફરી વાર મને તે જ પ્રશ્ન પૂછ્યો, ને વધારામાં મને તથા ધનેશ્વરભાઇને પોતાની સાથે આવવાનું આમંત્રણ આપ્યું.

અમને તેમણે પોતાના ઉતારામાં બેસાડ્યા. ત્યાં સત્યનારાયણની કથા થતી હતી. તે ભાઇના કહેવાથી ધનેશ્વરભાઇ માતાજીને બોલાવી લાવ્યા. પેલા ભાઇએ જાતે વાસણ અજવાળ્યા અને અમને આસન પર બેસાડીને પોતાને હાથે ભાત ને ગરમ શાક પીરસ્યા. ઇશ્વરની કૃપા માનીને અમે ભોજન કર્યું. ખરેખર, આવા સ્થળમાં તૈયાર ને ભાવપૂર્વકનું ભોજન મળવું-ને તે પણ વિના માગ્યે, એ ઇશ્વરની કૃપા જ કહેવાય. આવા સ્થળમાં કોઇને જમાડવામાં જે ભાવ સમાયેલો છે તે પણ કેવો પ્રશસ્ય છે ! આ એક મહાન યજ્ઞ છે, ને તેની તુલનામાં બીજા યજ્ઞો ગૌણ બની જાય છે. પ્રેમ ને સેવાભાવથી બીજાને યોગ્ય સમયે તૈયાર ભોજન આપવું  એ એક મહાન ધર્મ છે, ને તુલસી ને કબીર જેવા સંતોએ તે જ અન્નદાનનો મહિમા એકથી અનેક વાર ગાયો છે. કમભાગ્યે વિદેશી સભ્યતાના સંપર્કમાં આવ્યા પછી કેટલાક લોકો ભારતના અન્નદાન, અતિથિસત્કાર ને સંત સેવાના આદર્શ તરફ આશંકા ને ઘૃણાની દૃષ્ટિએ જુએ છે. પણ તેમાં ડહાપણનો અભાવ જ મુખ્યત્વે છે. માનવતા, સેવા, સહકાર, સમર્પણ કે બીજાને માટેના ત્યાગની ભાવનાથી રહિત એવી કોઇ સભ્યતા કે સમાજ સંસ્કૃત કે સમુન્નત કહી શકાય નહીં, ને પોતાને કે કોઇને આશીર્વાદરૂપ પણ બની શકે નહિ. એ બાબતમાં ભારત વિદેશોની નકલ કરીને બરબાદ બની જાય તેના કરતાં વિદેશો ભારતની જરૂરી નકલ કરીને ઉન્નત ને માનવતાપૂર્ણ બને એ વધારે ઇચ્છવા યોગ્ય છે.

સવારે વરસાદ બંધ પડ્યો. પંચતરણીથી ઉપડીને અમારે શક્ય તેટલો વધારે પ્રવાસ કરવો હતો. આગલે દિવસે વરસાદથી સામાન ભીંજાઇ ગયેલો. એટલે એક જ કામળો ઓઢીને અમે ત્રણે સુઇ રહેલાં. તડકો નીકળે તો સામાન સુકાઇ જાય એવી ઇચ્છા હતી. વાદળવાળા આકાશની તરફ જોતાં યાત્રીઓ ચાલતા હતા. રસ્તા તદ્દન ખરાબ થઇ ગયેલા. ધીરે ધીરે અમે શેષનાગ પહોંચ્યા. માર્ગમાં ક્યાંય વરસાદ નડ્યો નહીં. થોડી વારે સૂર્યના કિરણો બધે ફેલાઇ વળ્યાં. બપોરે બે અઢી વાગ્યે અમે બીજા આઠ માઇલ ચાલીને ચંદનવાડી પહોંચ્યાં. ઠંડીથી ધ્રુજતા માણસોને ત્યાં થોડીક રાહત મળી. ચંદનવાડીમાં આવ્યા પછી ઠંડીની ભયંકરતા ઓછી થઇ. રાતે આરામ કરવાની જગ્યા પણ સારી મળી. બીજે દિવસે આકાશ તદ્દન સાફ રહ્યું. પહેલગામ આવીને નંદભવન ધર્મશાળામાં એક દિવસ રહીને અમે શ્રીનગર આવ્યા.

શ્રીનગરમાં લશ્કરી પ્રવૃત્તિ સારા પ્રમાણમાં હતી. ત્યાં અમે શીખોની ગુરુસભા ધર્મશાળામાં ઊતર્યા. બીજે દિવસે ડાલ સરોવર ને ત્યાંના વિખ્યાત બાગને નાવમાં બેસીને જોયા. જેણે અમરનાથ ને ઉત્તરાખંડનાં બીજાં સુંદર ને ભવ્ય-ઉત્તુંગ ગિરિમાળા ને વનશ્રીની સુશોભિત સ્થળો જોયાં હોય તેને શ્રીનગરમાં કાંઇ વિશેષતા નહીં લાગે. ગઢવાલના સુંદર પ્રદેશોની પાસે શ્રીનગરનો વૈભવ ખાસ વિસાતમાં નથી લાગતો. છતાં પણ પ્રવાસીઓએ એ પ્રદેશને પ્રથમથી જ વખાણ્યો છે એ સત્ય છે. ભારતના બીજા પ્રદેશોની જેમ ત્યાં પણ ગરીબાઇનું દર્શન થયું.

આખા દિવસની મુસાફરી કરીને રાતે મોટર જમ્મુ રહી. બીજે દિવસે પઠાનકોટ પહોંચ્યાં ત્યારે સવારના સાડા નવ વાગેલા. ર૭0 માઇલ જેટલો મોટરનો લાંબો પ્રવાસ કરીને અમે બીજે દિવસે સાંજે ટ્રેનમાં બેઠાં. પ્રવાસ પૂરો કરીને તારીખ રપ ઓગસ્ટે અમે દિલ્હી પહોંચ્યા. ધનેશ્વરભાઇના પ્રેમી, આનંદી, ઉદાર સ્વભાવને લીધે કાશ્મીરનો પ્રવાસ અમારે માટે ખૂબ જ સુગમ અને આનંદદાયક થઇ પડ્યો.

અમરનાથ પ્રવાસમાં યાત્રીઓએ કેટલીક યાદ રાખવા જેવી સૂચના લખીને આ પ્રકરણ પૂરું કરીશ.

(૧) પહેલગામથી ઘોડાની વ્યવસ્થા થાય છે. યાત્રીએ ઘોડા પર જવું સારું છે કેમ કે અમરનાથનો માર્ગ ખૂબ જ કપરો છે. જેનામાં ખૂબ હિંમત ને પહાડી જીવનનો અનુભવ હોય તેણે જ પગે ચાલીને જવું.

(ર) માર્ગમાં તંબુમાં નીચે પાથરવા પહેલગામથી ચટાઇ લેવી. ઉપયોગી સીધુંસામાન પણ પાછા ફરતાં સુધીનું પહેલગામથી લઇ લેવું. પ્રાયમસ ખૂબ જ ઉપયોગી થઇ પડે. તૈયાર નાસ્તો કે ફળ પણ ચાલે.

(3) અમરનાથની ઠંડી સખત હોય છે માટે યાત્રીઓએ ગરમ કામળા, હાથપગનાં મોજાં, કાનટોપી, છત્રી ને ગરમ કપડાં સારી પેઠે લેવાં. વરસાદી કોટ પણ સારો.

(૪) અમરનાથની યાત્રા માટે શ્રાવણ સુદ આઠમ-નોમે મોડામાં મોડું શ્રીનગર પહોંચી જવું જોઇએ. પહેલગામથી પૂરો ત્રણ દિવસનો માર્ગ છે. શ્રાવણ સુદી પૂર્ણિમા પર અમરનાથ પહોંચવાનું હોય છે.

અમરનાથ અને કાશ્મીરની યાત્રા એકદંરે અત્યંત આનંદકારક રહી. એ યાત્રા દરમ્યાન મારું 30મું વર્ષ પૂરું થયું ને નવું વર્ષ નવા જ વાતાવરણમાં આરંભાયું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.