if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જગન્નાથપુરીમાં એક બે બીજા મહત્વના સ્થળો પણ જોવા મળે છે. રાધાકાંત મઠ, જ્યાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાના જીવનના છેલ્લા અઢાર વરસ રહ્યા તે સ્થળ જોવા અમે ગયા. અત્યારે તો એ સ્થળની આજુબાજુ ખૂબ વસ્તી વધી ગઇ છે. દરિયો પણ અહીંથી દૂર છે. થોડી વાર એમ પણ થાય કે ચૈતન્ય મહાપ્રભુ જેવા એકાંતપ્રેમી પ્રભુપરાયણ મહાપુરુષે આ સ્થળ કેમ પસંદ કર્યું હશે ! પણ આ વિચાર કરતાં એ શંકાનું સમાધાન થઇ જાય છે. આજથી 300-૪00 જેટલાં વર્ષ પર, જ્યારે મહાપ્રભુ અહીં રહેતા હશે ત્યારે આટલી વસ્તી નહિ જ હોય. જંગલ જેવું જ હશે. મંદિરથી દૂર એકાંતમાં આ સ્થળની શોભા તે વખતે અપાર હશે. આ ભીડ ને વસ્તી હમણાં હમણાં થઇ. એટલે મહાપ્રભુના સમય દરમ્યાન આ સ્થળ શાંત, સુદૂર ને અત્યંત રમણીય હશે.

એ મહાપુરુષના ત્રણ સંસ્મરણો આજે વિદ્યમાન છે, તે અમે જોયાં. એક નાની પેટીમાં મહાપ્રભુની પાતળી સુતરાઉ ગોદડી છે; બીજું સંસ્મરણ તેમનું જલપાત્ર છે ને ત્રીજું તેમના ચરણસ્પર્શવાળી પાદુકા છે. જે ઓરડીમાં તે રહેતા તે ઓરડી ખૂબ જ નાની છે. તેમાં એ વસ્તુઓ રાખવામાં આવી છે. બહાર દિવાલ પર તેમનાં ચિત્રો છે. જે મહાપુરુષે જીવનભર પ્રભુભક્તિનો રસ ચાખ્યો, ને હજારોને એ રસમાં તરબોળ કરીને ભાવિ પેઢીને માટે પણ અમર વારસો આપ્યો, તેની સાચી સ્મૃતિ તો માનવ ને કાલ દેવતાના હૃદયમાં જ લખાયેલી છે. તે કદી ભુંસાવાની નથી. તે સ્મૃતિના રૂપમાં તે મહાપુરુષ સદાયે અમર છે. તેમણે જે મહાન સંદેશ આપ્યો છે તેને માટે સૃષ્ટિ રહેશે ત્યાં સુધી સૌ તેમને માનની નજરે જોશે અને પૂજશે.

રાધાકાંત મઠની પાસે એક બીજી પ્રાચીન સ્મૃતિ છે. તેને સિદ્ધ બકૂલ કહે છે. કહે છે કે મહાપ્રભુના દાતણની ચીર જે તેમણે રોપી હતી તેમાંથી આ વૃક્ષ થયું છે; અને ત્યાં બેસીને મહાપ્રભુના મહાન ભક્ત હરિદાસે રોજ એક લાખ જપ કર્યા હતા. આ વૃક્ષ વિશે બીજી પણ વાતો છે. તેનો ઉલ્લેખ જવા દઇએ તો પણ એક વાત તો ચોક્કસ છે કે આ વૃક્ષ અતિશય રમણીય છે. તેના પોલા, કેવળ છાલવાળા થડમાં ભજન-ધ્યાનમાં બેસી શકાય તેવું આસન છે, અને તે ખૂબ જ સુંદર લાગે છે.

ભક્ત હરિદાસજીની વાત આવી એટલે જગન્નાથપુરીમાં આવેલી ભક્ત હરિદાસની સમાધિનો ઉલ્લેખ કર્યા વિના ના જ ચાલે. પુરી જનાર આધ્યાત્મિક રસ ધરાવતા પ્રવાસીએ એ સ્થળ પણ જોવું જ જોઇએ. એ સ્થળ ગામથી દૂર સમુદ્ર કિનારે છે. તેથી ખૂબ રમણીય છે. સમાધિનું સ્થળ નાનું છે પણ આશ્રમ પણ છે. એટલે મકાન મોટું થઇ ગયું છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુના પગલાં પણ એ સ્થળમાં ફોટામાં મઢીને રાખવામાં આવ્યાં છે, અને ભક્તો માટે એ પણ એક પરમ દર્શનીય વસ્તુ બની રહે છે. ભક્ત હરિદાસને કોણ નહિ જાણતું હોય ? ચૈતન્ય મહાપ્રભુના જીવનથી જે પરિચિત હશે તે ભક્ત હરિદાસને યવન છતાં મહાપ્રભુના એક પરમ કૃપાપાત્રરૂપે જાણે જ છે. એ મહાન ભક્તને શ્રી મહાપ્રભુએ પોતાને હાથે સમાધિ આપેલી. તે માનને માટે હરિદાસ તદ્દન લાયક હતા. હરિદાસનું જીવન ઇશ્વરપ્રેમનો પરમ નમૂનો છે. ઇશ્વરપ્રેમથી માણસ ક્યાં પહોંચી શકે છે તે હરિદાસના જીવન પરથી જાણી શકાય છે. વધુમાં તે બતાવે છે કે પ્રભુના દરબારમાં ઊંચ-નીચ, બ્રાહ્મણ, શુદ્ર, યવન તેમ જ રંક-રાયના ભેદ નથી. ત્યાં તો સૌ સમાન છે. એ ભેદો તો માણસની અજ્ઞાન ને ભેદજન્ય દુનિયામાં છે. જે ઇશ્વરને માર્ગે ચાલે છે, સદાચારી ને નમ્ર બની તે ઇશ્વરપ્રેમને પામે છે ને ઇશ્વરનું દર્શન કરે છે, તે જ તેના દરબારમાં શ્રેષ્ઠ છે, આદરપાત્ર છે, ને જીવન પણ તેનું જ સફળ ને ઉજ્જવલ છે. અહીં કેટલાય મહારાજાઓ ને અમીરો લાંબા થઇને સ્મશાનમાં સુતા છે, ને બીજા પણ સુઇ રહ્યા છે; તેમના સ્મારકો પણ રચાય છે. પણ ત્યાં કોઇ ભક્તિભાવે જતું નથી. કેમ કે તે ઇશ્વરપ્રાપ્તિની પરીક્ષામાં નિષ્ફળ જવાથી દુન્યવી દૃષ્ટિએ મોટા હોવા છતાં ઇશ્વરી દૃષ્ટિએ પંગુ જ છે. માનવજીવનને તેમણે સંસારની પાછળ જ વેડફી નાખ્યું છે, ને તેનાથી મહાન, પરમ સત્ય એવા તેના સ્વામીને શોધવા પુરુષાર્થ નથી કર્યો. બાજુમાં જ સુતેલું સ્મશાન એ સંદેશને સંભળાવે છે કે હે માનવ ! હરિદાસની સમાધિનું દર્શન કરીને એ સંદેશને જીવનમાં સંમિશ્રિત કરવાનો પ્રયાસ કરશે તો તારું જીવન પણ સફળ બનશે.

ગોપીનાથ ભગવાનની પ્રાચીન જગા પણ આ બાજુ જ આવેલી છે. મૂર્તિ વિશે કથા છે કે એક ભક્તને માળા પહેરાવતાં તકલીફ પડતી, કેમ કે મૂર્તિ ખૂબ મોટી હતી, તેથી તેણે આતુર હૃદયે પ્રભુને પ્રાર્થના કરી. આતુર હૃદયની પ્રાર્થના પ્રભુએ ક્યારે નકારી કાઢી છે ? પરિણામે મૂર્તિ નાની થઇ ગઇ. આજે એ જ નાના રૂપમાં ભગવાન ગોપીનાથની મૂર્તિના દર્શન થાય છે. આ કથા સાચી હોય કે ખોટી, પણ તેમાં રહેલો ધ્વનિ કામનો છે. તે એ છે કે ઇશ્વરને દ્વારે પાડેલો પોકાર કદી પણ નિષ્ફળ જતો નથી. માત્ર નિર્મળ અંતરથી ને ઉત્કટ ભાવથી પોકાર પાડવો જોઇએ.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.