Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 કલકત્તા આવીને એક વાર ફરી બેલુડ મઠનાં દર્શન કરીને અમે દેવપ્રયાગનો માર્ગ લીધો. જગન્નાથપુરીના પંદર દિવસ ખૂબ જ સુંદર રીતે પસાર થઇ ગયા. હવે અમે નવી ભૂમિમાં જતાં હતાં.

ચોમાસું વીતી ગયું હતું એટલે શાંતાશ્રમની અવસ્થા વિકૃત હતી. તે દશામાં ત્યાં રહેવું ઠીક ન હતું. વળી શેઠના મકાનમાં એક ભાઇ રેશનીંગ ઇન્સ્પેક્ટર રહેતા. તેમણે આખું મકાન ભાડે રાખેલું. ત્યાં રહેવા મળે તો સારું એવો વિચાર હતો. પણ તે કેમ બને ? શેઠે જવાબ આપ્યો કે ‘ઇન્સપેક્ટર સાહેબને કાંઇ હરકત ના હોય તો તમે ત્યાં બીજા ઓરડામાં રહી શકો છો.’ આમ આ વખતે દેવપ્રયાગમાં રહેવાની અવસ્થા ઠીક ન હતી. મેં મનમાં વિચાર કર્યો કે જે ‘મા’ પ્રેરણા કરીને જગન્નાથજીથી આટલે દૂર લાવી છે તેણે બધી વ્યવસ્થા કરવી જ જોઇએ. તે કાંઇ પોતાના બાળકને આમ હેરાન કરે નહીં. રહેવાની વ્યવસ્થા પણ તેણે કરવી જ જોઇએ. સાથે સાથે એવો પણ વિચાર કર્યો કે જો શેઠના મકાનમાં કોઇ ઓરડો ના મળે તો વળતે જ દિવસે ઋષિકેશ ચાલ્યા જવું ને ત્યાં નિવાસ કરવો.

પણ ‘મા’ તો અંતર્યામી છે. સમર્થ છે. તેણે મારી વેદના જોઇને યોગ્ય માર્ગ બતાવી દીધો. સાંજે અમે શાંતાશ્રમ તરફ ગયા ત્યાં ઇન્સ્પેક્ટર ભાઇએ પ્રેમથી મારી સાથે વાતચીત કરી ને થોડા દિવસ શેઠના મકાનમાં આવીને રહેવાનું સપ્રેમ આમંત્રણ આપ્યું. પ્રભુની લીલા ગહન છે. તે શું ના કરી શકે ? બધી ચાવી તેના હાથમાં છે. ઘટના કે વાતાવરણને જેમ બદલવા ચાહે તેમ તે બદલી શકે છે. એ તેની જ કૃપા હતી. પરિણામે અમે એ જ શેઠના મકાનમાં-જે શાંતાશ્રમના જ પર્વતમાં બંધાયેલું ને જ્યાંથી અમે કાશ્મીર માટે પ્રવાસે નીકળેલા તેમાં રહેવા આવી શક્યા. પ્રભુની શક્તિમાં વિશ્વાસ રાખીને માણસ ચાલે તો તેનું જીવન ધન્ય ને સફળ બની શકે. પણ એ સત્યને ઓળખીને જીવનમાં ઉતારવું કપરું છે. વીરલા જ તે પ્રમાણે જીવી શકે છે, ને જીવે છે તે સુખી થઇ જાય છે.

છેવટે અમે દેવપ્રયાગની ભૂમિમાં સ્થિર થયાં. પર્વતીય દુનિયામાં નીચેથી આવતા વેંત સારુ તો લાગતું નથી જ, છતાં ઇશ્વરેચ્છાને માન આપીને ચાલવું પડે છે. અહીંથી નીકળ્યા પછી અમે કેવા કેવા પ્રદેશો જોયા ? હિમાચ્છાદિત કાશ્મીર ને અમરનાથ, શ્રીનગરના સુંદર બાગ, બેલુડમઠ, દક્ષિણેશ્વર ને જગન્નાથપુરીનો સુંદર તેમ જ વિશાળ દરિયો ! બે મહિના જેટલા લાંબા પ્રવાસ પછી પાછાં અમે આ સ્થળે આવી પહોંચ્યા. ભારતના બીજા સુંદર મેદાની પ્રદેશો જોઇએ પછી આ પ્રદેશ એટલે સુંદર અને આકર્ષક લાગતો નથી. તો પણ પર્વતીય દુનિયાનો પોતાનો પણ એક જાતનો આનંદ છે.

દેવપ્રયાગ પહોચ્યાં પછી બીજે જ દિવસે નવરાત્રી શરૂ થઇ. એટલે ‘મા’ની ઇચ્છાથી તે દિવસથી મેં પાણી પર રહીને નવરાત્રીવ્રત શરૂ કર્યું. એ વ્રત દરમ્યાન ‘મા’ની પ્રાર્થના પ્રતિપળ ચાલુ રહી.

હિમાલયના ઊંચા ઊંચા પહાડ, પાસે જ વહી જતી ગંગાનો નિત્યનિરંતર થઇ રહેલો ધીરગંભીર અવાજ, ને તેની તટવર્તી આશ્રમભૂમિમાં પરમસિદ્ધિની ઝંખના કરતો, દિવસોથી પલાંઠી વાળીને બેઠેલો એક તપસ્વી-કૃશકાય છતાં મક્કમ, નિશ્ચયધારી, શ્રદ્ધાવાન ને પોતાની પૂર્ણતાની ભાવના સાથે વિશ્વના મંગળની કામનાવાળો, તે માટે પુરુષાર્થ કરનારો, અને યુગોમાં કોઇ જ વાર દેખાતા એવા સંયોગ તેમ જ સુયોગને ધરાઇ ધરાઇને જોઇ રહેલું નિર્મળ નીલ આકાશ-એ બધાની એક કલ્પનાછબી પ્રજ્ઞાચક્ષુ સામે દોરી શકો તો મારા દેવપ્રયાગના એ તપ ને મંથનના દિવસોનો કૈંક ખ્યાલ આવી શકે. આજનું જગત અનેરું છે. બાહ્ય વિષયોનું આકર્ષણ, છળ, કપટ, ધન ને પદની લિપ્સા અને શરીરસુખની લાલસા માનવમનને આજે વધારે ભાગે ઘેરી વળી છે. વિદ્વાન, પંડિત કહેવાતા રાજપુરુષ કે નેતા પણ એનાથી પર હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. એવે વખતે સંસારના પદાર્થોથી દૃષ્ટિને વિમુખ કરી દઇ, વિશ્વની પરમશક્તિ તરફ તેને વાળવાની ને કેન્દ્રિત કરવાની મારી આરાધના લોકોની સમજમાં આવવી જરા મુશ્કેલ બનશે. અલબત્ત, કેટલાક અનુભવી સાધકો તેને સમજશે. બાકી યુગોથી-કહો કે સૃષ્ટિની શરૂઆતથી ઊભેલું આ આકાશ મારી સાધનાને સમજશે એમાં શંકા નથી. આ સૂર્ય, ચંદ્ર ને તારા, પૃથ્વી અને પતિતપાવની ગંગા મારી આરાધનાનાં સાક્ષી બનીને તેને સમજે છે. કેમ કે ગયાના વૃક્ષ નીચે પલાંઠી વાળીને સત્યની શોધમાં બેઠેલા બુદ્ધનો એમને અનુભવ છે, અનેક નાના મોટા, પરિચિત મહારથીઓના સાધનાસંઘર્ષ તેમણે પ્રાચીનથી માંડીને અર્વાચીન કાળ સુધી જોયાં છે, ને તેથી તે સાધક ને સાધનાને પારખવાની વિદ્યામાં પારંગત થઇ ગયાં છે. મારા જેવા એક સાધારણ ને છોટા તપસ્વીને તો તે કેમ ના ઓળખે ?

તે જ ચિરપરિચિત સાક્ષીઓની વચ્ચે રહીને મેં નવરાત્રી વ્રત કર્યું. એ વ્રત દરમ્યાન માતાજી ખૂબ જ પ્રેમથી બધી સેવા બજાવતાં ને પોતાનું ભોજન આનંદપૂર્વક બનાવી લેતાં. તેમને મારી સાથે રહીને એવા અનુભવો ઘણા થયેલા એટલે તે ટેવાઇ ગયેલાં.