if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડામાં સાડાત્રણ માસ જેટલો વસવાટ કરીને સાબરમતી થઇને નર્મદા કિનારે જવાનું થયું. નર્મદાતટ ખૂબ જ પ્રસિદ્ધ ગણાય છે. શાસ્ત્રોમાં એનો મહિમા સારી પેઠે ગાવામાં આવ્યો છે, એટલે એનું દર્શન અથવા અવલોકન કરવાની સુદીર્ધ સમયથી ઇચ્છા હતી. ઇશ્વરકૃપાથી તેની પૂર્તિનો પ્રસંગ પ્રાપ્ત થયો.

કરનાળીમાં અમે નર્મદાતટવર્તી દામોદર મઠમાં મુકામ કર્યો. નર્મદાનું દર્શન કરતાં ગંગાની સ્મૃતિ તાજી થાય છે. નર્મદાનું પાણી ગંગા જેવું જ સ્વચ્છ, સુમધુર અને સુવિશાળ છે. કરનાળી પાસેનો નર્મદાતટ હૃદયંગમ, શાંત અને આહલાદક લાગે છે. કિનારા પર મંદિરો તથા ધર્મસ્થાનો સારા પ્રમાણમાં રચાયેલાં છે. એમાંના કેટલાકની અમે મુલાકાત લીધી. એ બધામાં ખાસ ઉલ્લેખનીય સ્વામીશ્રી વિદ્યાનંદજી મહારાજનું સ્થાન શ્રીગીતાજ્ઞાન ગુફા, કુબેર-ભંડારીનું સ્થળ અને હંસારૂઢ સ્વામીનો આશ્રમ કહેવાય. એ ત્રણે સ્થળો વધારે રમણીય લાગ્યાં. પ્રવૃત્તિ, કોલાહલ કે અશાંતિ વિનાનો કરનાળી વિભાગ સહેજ સૂકો હોવા છતાં નર્મદાને લીધે આકર્ષક અને આહલાદક લાગે છે. કુદરતી સૌન્દર્યથી ભરપુર એ શાંત ભૂમિમાં મચ્છરનો ઉપદ્રવ સારા પ્રમાણમાં હતો એની ખબર રાતે બરાબર પડી. જે ભૂમિમાં ઉનાળામાં પણ મચ્છર થાય તે ભૂમિમાં ચોમાસા દરમિયાન કેવી કફોડી દશા હશે તેની કલ્પના સહેલાઇથી સંપૂર્ણપણે કરી શકાય તેમ છે. જીવનમાં સુખ ને દુઃખ અથવા હર્ષ ને શોક, તાપ ને છાયાની પેઠે સાથે રહે છે, એ સત્યની સમજ આપતા હોય તેમ દેખાવમાં નાના ને નિર્બળ પરંતુ પ્રભાવમાં ઘણા જ પ્રબળ મચ્છર રાતે સ્વસ્થતાથી સુવા દેતા ન હતા. જેમ યોગી રાતે જાગે ને સાધનામાં મગ્ન બને તેમ તે પણ રાતભર પોતાની સાધનામાં મગ્ન રહેતા. આવા ઉત્તમ કોટિના તીર્થમાં આવીને માણસ રાતભર જાગરણ કરે ને ઇશ્વર સ્મરણ કે આત્મચિંતનમાં લીન બને તેવી તેમની ઇચ્છા હશે. પણ તે ઇચ્છા પણ પૂરી થઇ શકે તેવી સ્થિતિ ક્યાં હતી ? સ્થિરતાથી બેસવાનું ને ઇશ્વર સ્મરણમાં મગ્ન બનવાનું પણ એ દશામાં શક્ય ન હતું. જેનું મનોબળ ઉત્તમ હોય ને ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જે ઇશ્વર સ્મરણનો આનંદ લૂંટી શકવાની સ્થિતિએ પહોંચ્યા હોય તે જ એ દશામાં આત્મલીન બની શકે. બાકી તો ઊંઘવાની કળામાં જે ખૂબ જ કુશળ હોય તે જ એ દશામાં સહેલાઇથી આત્મવિસ્મૃત રહી શકે. સાધારણ માણસનું એમાં કામ નહિ.

નર્મદાતટ યાત્રી માટે તો પાવન ગણાય જ છે, પણ સાધકો માટે પણ ઓછો મહત્વનો નથી. સિદ્ધિ માટેની સાધના સારુ નર્મદાતટ ઉત્તમ છે. એ વિશ્વાસથી પ્રેરાઇને કેટલાય સાધકો, સંતો કે જ્ઞાની પુરુષો નર્મદાતટની મુલાકાત લે છે, કોઇ મનપસંદ સ્થળે વાસ કરે છે, ને સાધના પરાયણ બનીને પરમ સિદ્ધિને માર્ગે પ્રયાણ કરે છે. કુદરતી આકર્ષણ, શાંતિ, એકાંત તેમ જ સ્વાભાવિક પવિત્રતા ને સુંદરતાની ભાવનાથી પ્રેરાઇને વધારે ભાગના સંતપુરુષો કે જીવનની સાધનાના સાધકોએ નદી કે પર્વતનાં સ્થળો પોતાના નિવાસ માટે પસંદ કર્યા છે. પર્વત કે નદીનાં વધારે ભાગનાં સ્થળોની સાથે આવી કોઇ એકાદ મહાન વિભૂતિની વાત સંકળાયેલી હોય છે. તેથી જ તેવા સ્થળનો મહિમા તીર્થ બરાબર ગણાતો હોય છે. જિજ્ઞાસુ ને રસિયા માણસો  તેવા સ્થળમાં ભેગા થઇને આનંદ ને શાંતિ મેળવે છે.

કરનાળી ને ચાંદોદની વચ્ચેના ભાગમાં, નદીને સામે કિનારે, એક મહાત્મા તપશ્ચર્યા કરી રહ્યા હતા. તેમનું નામ બુદ્ધદેવ હતું. એક બે માણસો પાસેથી તેમની વિગત મળી. તેમનું સ્થળ માર્ગમાં જ આવતું હોવાથી અમે હોડીમાંથી ઊતરીને તેમના દર્શને ગયા.

એ મહાત્મા નદીને કિનારે રહેતા. તાપથી રક્ષા કરવા ચારે તરફ લાકડાં રોપી ઉપર કોથળાનું ઢાંકણ કર્યું હતું. આટલું ઢાંકણ રક્ષા કેવી રીતે કરી શકે ? જો કે નદીના કિનારે, અમુક અમુક અંતરે, તેમના ભક્તોએ સરકટના ઝૂંપડા જેવા સ્થાન બનાવ્યાં હતાં. પણ તે ખૂબ જ નાનાં ને તાપ તેમ જ વરસાદથી ભાગ્યે જ રક્ષા કરી શકે તેમ હતાં. મહાત્માજીની ઉમર ૪૦ની આસપાસ હશે. તેમણે વ્યાઘ્રચર્મ વીંટ્યું હતું. અમે ગયા ત્યારે સામે શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો રાખી, હાથમાં માળા લઇ, તે જપ કરતા હતા. નર્મદા કિનારે આ પ્રમાણે જુદાં જુદાં સ્થળે રહેતા તેમને બારેક વર્ષ થયા હતાં એમ સાંભળ્યું હતું. પણ હજી તેમની પ્રાથમિક સાધનાવસ્થા જ ચાલી રહી હોય એમ તેમની મુખાકૃતિ પરથી લાગતું હતું. બાકી તો મહાત્માપુરુષોના અંતરના ઊંડાણને કોણ માપી શકે ? તે મૌન રાખતા, દ્રવ્યાદિ લેતા ન હતા, ને દર્શનાર્થીને પોતાની પાસે બહુ જ થોડો વખત બેસવા દેતા. જો દૃઢતા ને લગનથી સાધના ચાલુ રાખે તો તે સારી દશાએ પહોંચી શકશે એમ લાગતું હતું. આધ્યાત્મિક પ્રકાશના પંથના કોઇયે સાચા કે પ્રામાણિક પ્રવાસીને માટે આ વાત સાચી છે. દૃઢતા, પુરુષાર્થની સતતતા, આદર્શની સિદ્ધિ માટેની લગન ને પ્રામાણિકતાની આ પંથમાં બહુ જ જરૂર પડે છે. આ બધી જ અને આવી કેટલીક બીજી સાધનસંપત્તિ સાથે જે ઇશ્વરનું શરણ લે અથવા તો આત્મવિકાસની ઝંખના કરે તેના પર ઇશ્વરની કૃપા જરૂર થઇ જાય એમાં સંદેહ નથી. આ પંથનો પ્રામાણિક પ્રવાસી, પોતાની સાધનાના સાફલ્યની ચિંતા ઇશ્વરને સોંપીને, નિશદિન નૂતન ને મંગલ પ્રસ્થાન કરતો રહ્યો, છતાં શાંતિ, સિદ્ધિ કે પૂર્ણતા માટેની તેની ઇચ્છા પૂરી થઇ નહીં, એવું આજ સુધી તો બન્યું નથી, ને ભવિષ્યમાં પણ બનવા સંભવ નથી. આત્મબળ ને લગનની પ્રતિમા બનીને આ જ નર્મદાતટ પર આજ સુધી કેટલાય સાધકો તપ્યા હશે, કેટલાય તૃપ્ત સાધક પ્રવાસીઓ પોતાની જીવન-નાવને શાંતિ ને સિદ્ધિના કલ્યાણ-કિનારે હંકારી ગયા હશે. એકાદ નારાયણ સ્વામી કે એકાદ બ્રહ્માનંદની વાત જનતા જાણે છે. પણ એવા તો કેટલાય સ્વામી ને આનંદની મૂર્તિ જેવા મહાપુરુષો અહીંથી જીવનની ધન્યતાનું ભાથું ભરી ગયા હશે ને કેટલાય અહીંની શાંત હવામાં વિલીન થઇ ગયાં હશે, એ કોણ જાણે છે ? ‘गोपनीयं गोपनीयं गोपनीयं प्रयत्नतः’ ના સૂત્રને ઉચ્ચારનાર ને પોતાના આત્મિક ધનને સદાને માટે લોકોની નજરથી ગુપ્ત રાખનારા કેટકેટલા મહાપુરુષો આ વિશાળ વાતાવરણમાં ને સરિતાની શાશ્વત શાંતિમાં સમાઇ ગયા હશે તે કોણ જાણે છે ? નમ્ર છતાં ગૌરવશાળી ને ગંભીર છતાં રસભરી નર્મદા ને તેની જ સાથે અનંતકાળથી ઊભેલી આ ભેખડો; વિશ્વના વાતાવરણથી ચિરપરિચિત એવું આકાશ, સૂર્ય, ચંદ્ર, વાદળ ને તારાગણ જેવો તેનો સંસાર; આ પવન ને સંસારના ચિર કે સનાતન સાથી એવાં આ પ્રકાશ અને અંધાર, એમના વિના એ મહાપુરુષોની, ભારતના સાચા જવાંમર્દોની કહાની બીજું કોણ કહેશે ? એમનાં ઓજસ્વી જીવનની સાક્ષી બીજું કોણ પૂરશે ? જે ઇતિહાસ માનવે લખ્યો છે ને જાણ્યો છે, તે તો વિશાળ ને સુંદર છે જ; પણ માનવની મર્યાદા જેને સ્પર્શી કે જાણી શકી નથી એવો ઇતિહાસ પણ કેટલો છે ? તેની સુંદરતા કે વિશાળતાની કલ્પનાય માણસ શેં કરી શકે ? શક્તિની આ અલ્પતાનું જ્યારે ભાન થાય છે ત્યારે ન્યૂટનની જેમ ગમે તેવો વિદ્વાન પણ નમ્રાતિનમ્ર બની જાય છે ને પોતાની જાતને વિશાળ સાગરને કિનારે છીપલાં વીણનારા નાના બાળક જેમ માનવા માંડે છે.

બુદ્ધદેવનું દૃશ્ય સ્મૃતિ પર સદાને માટે અંકિત રહેશે. એવાં દૃશ્યો બહુ જ વિરલ જોવા મળે છે. સંસારી માણસોને આ સ્વરૂપમાં જોવાનું કામ તો અશક્ય છે જ પણ જેમણે બાહ્ય ત્યાગ કર્યો છે તેવા સાધુપુરુષો પણ સાધનાની આવી મગ્નાવસ્થામાં ભાગ્યે જ દેખાય છે. આજે તો વિદ્વાન વર્ગમાં ગણાતા કેટલાક સાધુઓ પણ ધન, પ્રતિષ્ઠા ને તે માટે લોકરંજન માટેની હોડમાં પડ્યા છે. સાધુજીવન કે ત્યાગ મુખ્યત્વે સાધના ને તે દ્વારા શાંતિ કે મુક્તાવસ્થાની પ્રાપ્તિ માટે છે, ને તે સાથે કે તે બાદ બીજાના નિષ્કામ હિત માટે છે, એ વાત આજે સાધુ વર્ગમાં એકદમ ભુલાઇ ગઇ છે. શાસ્ત્રો ને સંતપુરુષોનો આધાર લઇને બીજાને તો તે એવો જ ઉપદેશ આપે છે, પણ શ્રદ્ધા કે પુરુષાર્થને અને પોતાની નબળાઇને પારખીને તેને દૂર કરવાની ઇચ્છાશક્તિનો અભાવ છે એટલા માટે, કે બીજા કોઇયે કારણસર, તપશ્ચર્યા કે સાધનાનું મૂળ ધ્યેય આજે વધારે ભાગે ભુલાઇ ગયું છે. આવા કપરા કાળમાં ઇશ્વરને માટે ઝંખના જગાવી, દિનરાત સાધના કરવાનું વ્રત લઇને જે પુરુષાર્થમાં લાગે, તેને જોઇને કોનું દિલ પ્રસન્ન નહિ થાય ? ભલેને તે કોઇ સાધક હોય અથવા તો આધ્યાત્મિકતાનો આરંભનો અભ્યાસી હોય, તો પણ તેનું જીવન પ્રશસ્ય ને પ્રેરણાસ્પદ છે એમાં સંદેહ નથી.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.