if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વ્યાસનું સ્થળ શુકદેવ કરતાં વધારે મોટું ને વસતીવાળું છે. શુકદેવ તો બાળત્યાગી ને વ્યાસ તો સંસારી. એટલે બંનેના સ્થળોમાં આવો ફેર રાખ્યો હશે. વ્યાસ પાસેની નર્મદાનો પટ વિશાળ ને રમણીય છે. રેતવાળા આવા પટનું દર્શન કદાચ આ પહેલું જ થયું. વ્યાસમાં જરાક ગરમી લાગી એટલે ગામમાં રહેવાને બદલે રાતે અમે નર્મદાની વચ્ચે જ નાવમાં સૂઇ રહ્યા. આકાશના તારા રહસ્યમયી દૃષ્ટિથી-ઇશ્વરના ખાસ ખાનગી ગુપ્તચર હોય તેમ અમારું ને સારાય સંસારનું નિરીક્ષણ કર્યા કરતા હતા. ચંદ્રમા પણ આનંદના અતિરેકમાં પૂર્ણપણે પ્રકટ્યો. કયા ભાવ, દિવ્યલોકના ને જીવનના કેવા કેવા અનુભવો તમારા અંતરમાં ભર્યા છે ! હે તારા ને ચંદ્ર ! ક્ષુધા ને તૃષા, સુખ ને દુઃખ જેવા દ્વંદ્વોથી પર થઇને, કાળની સામે પણ અજય સ્મિત કરીને, યુગોયુગના અનુભવની કેટકેટલી કવિતાને અંતરમાં લઇને તમે ઊભા છો. હે તારા ને ચંદ્ર ! જરા તો બોલો ! તમારી ભાષાને કોઇક કવિ કે તત્વજ્ઞ જ સમજી શકે તેમ છે : કારણ કે તે પણ સંસારથી તમારી જેમ જ ઉપર ઊઠી ચૂક્યો હોય છે.

ગાયને દોહી લેવાય એટલા જ સમય સુધી વધારે ભાગે જે એક સ્થળે વસતીમાં રોકાય છે, જે પરમપ્રેમી, પ્રજ્ઞામૂર્તિ ને પરમયોગી પરિવ્રાજકના સંબંધમાં શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમનું સ્મરણ અંતરને આનંદ આપે છે. અઢાર વરસની નાની ઉમરે જેમણે રાજા પરીક્ષિતને ભાગવતનો રસ ચખાડ્યો ને મુક્તિ અપાવી તે બાલયોગીની શક્તિ કેટલી અસીમ હશે તેનો તાગ માનવની સાધારણ બુદ્ધિ કેવી રીતે કાઢી શકે ? બાર વરસ જેટલો લાંબો વખત માતાના ઉદરમાં જરાય કષ્ટ આપ્યા વિના રહી, બહાર નીકળીને સંસારના મિથ્યાતત્વના વિચારથી જેમણે કિશોરાવસ્થામાં જ વનગમન કર્યું - ત્યાગ કર્યો, તે શુકદેવનું પાત્ર ભારતના જ નહિ પણ સંસારભરના આધ્યાત્મિક ઇતિહાસમાં અમર છે, અજોડ છે, અનેરું છે. જન્મતાં પહેલાં જ તેમને પૂર્ણ સ્થિતપ્રજ્ઞ દશાની પ્રાપ્તિ થઇ ચૂકેલી.

એ શુકદેવ જ્યારે બાળકોથી વીંટળાયેલા આવે છે ત્યારે ગંગા કિનારે બેઠેલા બધા જ ઋષિમહર્ષિ, જ્ઞાની, તપસ્વી તથા રાજા પરીક્ષિત ઊભા થઇ જાય છે ને તેમનું સન્માન કરીને તેમને ઉચ્ચ આસને બેસાડે છે. તે વખતે સભામાં વ્યાસ ને તેમના પિતા પરાશર પણ હતા છતાં વ્યાસપીઠને માટે શુકદેવ જ યોગ્ય મનાયા તેમાં કાંઇ આશ્ચર્ય નથી. ભારતમાં વય, પ્રતિષ્ઠા કે વૈભવને પૂજા કે સન્માનનું પ્રાથમિક સાધન માન્યું નથી. ભારતીય સંસ્કૃતિએ તો વિદ્યા, ચારિત્ર્ય ને તેના આધાર પર જીવનને ઉત્તમ કે કનિષ્ઠ ગણ્યું છે. તેથી જ તેણે કહ્યું છે કે કોઇની પાસે ખૂબ ધન તેમ જ વૈભવ હોય, કોઇના વાળ ધોળા થઇ ગયા હોય, ને સંસારની સંપત્તિથી જે સંપન્ન હોય, તેને જ સુખી, વૃદ્ધ, વડીલ, શ્રેષ્ઠ કે સંપત્તિમાન માનવાની જરૂર નથી. જેના દોષ ને દુર્ગુણ દૂર થઇ ગયા છે ને ઇશ્વરની પાસે જે વધારે પ્રમાણમાં પહોંચેલો છે, તે જ શ્રેષ્ઠ છે, વૃદ્ધ ને સુખી છે, તેમ જ પૂજનીય પણ તે જ છે. એટલે જ ભારતે અષ્ટાવક્ર ને જડભરત તથા નારદ ને શુકદેવ તેમ જ વ્યાસ, ને બુદ્ધ જેવાને મહાન માનીને પોતાના હૃદયમાં સ્થાપ્યા છે.

શુકદેવની અમર અમૃતવાણી ભાગવત આજે પણ રસિકજનોનાં અંતરને શાંતિ આપે છે.

વ્યાસના સંબંધમાં તો શું કહેવું ? ‘व्यासोच्छिष्टं जगत्सर्वम्’ ‘જગતનું બધું જ જ્ઞાન વ્યાસ દ્વારા ઉચ્છિષ્ટ થયેલું છે - જ્ઞાનની એવી કોઇ વાત કે પ્રણાલિ નથી જેનું ખેડાણ વ્યાસે ના કર્યું હોય કે જે વિશે વ્યાસે ના લખ્યું હોય.’ એવી બહુમૂલ્ય શ્રુતિ જેમને માટે પ્રચલિત છે તે મહાપુરુષ કેટલા સમર્થ, વિદ્વાન ને પ્રતિભાશાળી સંતપુરુષ હશે તે કલ્પી શકાય તેમ છે. મહાભારત, ભાગવત, બ્રહ્મસૂત્ર, ગીતા તથા વિષ્ણુસહસ્ત્રનામ જેવા ગ્રંથરત્નોના રચયિતા મહર્ષિ વ્યાસ ભારતીય ઇતિહાસમાં અગ્રપદે વિરાજે છે. તે કેવળ લેખક કે જ્ઞાની નથી પરંતુ ઋષિ છે. માટે તો ગીતાના દસમા અધ્યાયમાં પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિનું વર્ણન કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણે ‘मुनीना मप्यहं व्यासः’ ‘મુનીઓમાં હું વ્યાસ છું.’ એમ કહીને મહર્ષિ વ્યાસને અંજલિ આપી છે. જ્યાં સુધી સંસાર રહેશે ત્યાં સુધી ને તે પછી પણ વ્યાસ અને શુકદેવ અમર રહેશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.