if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમે દીર્ઘકાળ પછી હિમાલયમાં પુનઃ પ્રવેશ કર્યા. હિમાલયનું નામ સાંભળતા અંતરમાં આનંદ આનંદ થઇ જાય છે. તો હિમાલયમાં આવવાનો આનંદ તો અસાધારણ હોય જ એમાં શંકા શું ? આલ્મોડાની હવા ઠંડી હતી. પર્વતની ઉત્તુંગમાળા ચારે બાજુ શોભી રહી હતી. દૃશ્ય મનોહર હતું. ઉન્નતિની દૃષ્ટિએ પણ આ બાજુનો પ્રદેશ વધારે આગળ પડતો લાગ્યો. અહીંયા આવીને બીજા દિવસે અમે અમારી સાથેના ઓળખપત્રો લઇને નીકળ્યા, પરંતુ પત્રોએ કંઇ જ મહત્વનું કામ ના કર્યું. આલ્મોડાના નિવાસમાં તે સહાયરૂપ ના થઇ શક્યા. રહેવા માટે સારું મકાન શોધવાના અમારા પ્રયાસ પણ સફળ ના થયા. એ સ્થિતિમાં વધારે વખત સુધી આલ્મોડામાં રહેવાનું ઉપયોગી ના લાગવાથી અંતે અમે ઋષિકેશ જવાનો નિર્ણય કર્યો.

વળી પાછો સાધારણ લાંબો કહી શકાય તેવો પ્રવાસ કરીને અમે ઋષિકેશ પહોંચ્યા. ગંગાના પાવન પ્રદેશ ઉત્તરાખંડના પર્વતો વચ્ચે અમે આવી પહોંચ્યા. ઋષિકેશની રચના સુંદર છે. ગંગાનો પ્રવાહ અહીંયા અજબ પ્રકારની સુંદરતા ધારણ કરે છે. હિમાલયનું પ્રસિદ્ધ બદરીધામ આ બાજુ જ આવેલું છે. એટલે અમે ઋષિકેશ પહોંચ્યા ત્યારે યાત્રીઓ હજારોની સંખ્યામાં બધે જ દેખાતા હતા. લગભગ દસ વરસ પછી આ વરસે ફરી વાર ઋષિકેશની ભૂમિમાં રહેવાનો મારો વિચાર હતો. આમ તો ઋષિકેશ ને દેવપ્રયાગના વાતાવરણમાં ઘણો ફેર છે. દેવપ્રયાગ તેમ જ ઋષિકેશથી આગળનો પ્રદેશ વધારે સુંદર, આકર્ષક, એકાંત તથા સજીવ એટલે આધ્યાત્મિક પરમાણુથી ભરેલો લાગે છે. તે પ્રદેશમાં જ રહીને મારી મહત્વની સાધના ફાલી છે, ફૂલી છે, ને મને શાંતિ તેમ જ આનંદ આપનારી થઇ છે. એટલે એ પ્રદેશમાં પ્રવેશ કરવાનું અને વસવાનું દિલ સદાય થયા કરે એ સ્વભાવિક છે. પરંતુ આ વખતે તો તે શક્ય જ ન હતું. કેમ કે દેવપ્રયાગમાં શાંતાશ્રમ જીર્ણપ્રાય હતો ને બીજી કોઇ સારી જગ્યા ત્યાં રહી શકાય તેવી ન હતી. અમે છેલ્લા બે વરસથી જે શેઠના મકાનમાં જઇને રહેતા તેના માટે મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી જોયો. પણ યાત્રાનો સમય હોવાથી ને મકાન યાત્રીઓને ઉતારો આપવા માટે વપરાતું હોવાથી અમને મંજૂરી ના મળી એટલે ઋષિકેશમાં જ નિવાસ કરવાનું નક્કી થયું. સદ્દભાગ્યે સ્થાન પણ સારું મળ્યું. ભરત મંદિરવાળા જ્યોતિપ્રસાદ ભટ્ટજીને દેવપ્રયાગના શ્રી મુરલીધર શાસ્ત્રીની મદદથી ભરત મંદિરમાં રહેવાની વ્યવસ્થા થઇ ગઇ. ભરત મંદિરની ધર્મશાળા સુંદર છે. ત્યાંથી ગંગાનું ને પર્વતનું સુંદર દર્શન થયા કરે છે. એ સ્થળમાં અત્યંત આનંદપૂર્વક નિવાસ કરતા અમારા દિવસ પર દિવસ વીતવા માંડ્યા.

પરંતુ ગરમીનો પાર ન હતો. ઋષિકેશની સખત ગરમી - જે બીજા મેદાની પ્રદેશ નહી પણ પર્વતીય પ્રદેશના પ્રમાણમાં સખત કહેવાય તે - કેટલેય વખતે પહેલી જ વાર અનુભવવા મળી. યાત્રીઓનો ધસારો પણ એવો જ ભારે હતો. તેને લીધે શરૂઆતમાં કંઇક અશાંતિ લાગતી પણ પાછળથી યાત્રા મંદ પડતા ને છેવટે બંધ થતા વાતાવરણ તદ્દન શાંત અને એકાંત જેવું થઇ ગયું. 

ઋષિકેશનો નિવાસ એકદંરે આનંદપ્રદ રહ્યો. વરસાદના દિવસોમાં ખાસ કરીને ગંગા ને પર્વત અનેરી શોભા ધારણ કરે છે. પર્વત ને નદી કુદરતની શોભામાં વધારો કરે છે, ને તેથી મને ખૂબ રુચિકર લાગે છે. આની સાથે હિમાલયની પ્રાચીન મહિમાગાથા અંતરને આ અલૌકિક પ્રદેશ તરફ સદાયે આકર્ષ્યા કરે છે.

આજે તે ઋષિકેશની દશા જુદી છે. પણ આજથી રપ-૩૦ વરસ પહેલાંનું ઋષિકેશ જુદું જ હતું. તે વખતે ત્યાં સિદ્ધ ને કૃતકામ મહાત્મા પુરુષોનો વાસ હતો. હરિદ્વારમાં લક્ષ્મણ સિદ્ધ ને કામરાજ સિદ્ધ તેમજ ઋષિકેશના શીલનાથ મહારાજ અને એવા બીજા સિદ્ધપુરુષોની કથા  હજી ત્યાં પ્રચલિત છે. આજે પણ એ ભૂમિમાં તેવા સિદ્ધપુરુષો છે પણ પ્રમાણમાં થોડા ને તે પણ વધારે ભાગે ગુપ્તરૂપમાં. એ સંબંધમાં હમણાં જ બની ગયેલા બેત્રણ પ્રસંગો ખૂબ રસિક છે. અહીંથી થોડેક દૂર આવેલા વીરભદ્રના સ્થાનમાં રોજ એક બ્રાહ્મણ પૂજા કરવા જતો. એક સાંજે તેને મોડું થઇ ગયું. માર્ગમાં જ વરસાદ શરૂ થયો ને જોતજોતામાં અંધારું ફેલાવા માંડ્યું. બ્રાહ્મણને થયું કે હવે શું કરવું. વીરભદ્રનું સ્થાન હજી દૂર છે ને જતાં આવતાં રાત થઇ જશે. તે શંકરનું સ્મરણ કરતો માર્ગમાં ઊભો રહ્યો. તે જ વખતે માર્ગની બીજી બાજુ જંગલ તરફથી પાવડીનો અવાજ આવ્યો. બ્રાહ્મણે જોયું તો કોઇ મહાત્મા પુરુષ આવી રહ્યા હતા. તેમના મુખ પર તેજ હતું. પાસે આવીને તેમણે બ્રાહ્મણને કહ્યું, 'વીરભદ્ર તરફ જવું છે ને ? ચાલ, હું પણ તે બાજુ જ જાઉં છું.' એમ કહીને તે આગળ ચાલવા માંડ્યા. તેમની પાછળ એક પ્રકાશનું વર્તુળ પ્રકટતું હતું. તેનું તેજ બધે માર્ગમાં ફેલાતું. તે પ્રકાશમાં બ્રાહ્મણ મંદિર સુધી પહોંચી ગયો. એટલી વારમાં વરસાદ બંધ થઇ ગયો ને તે મહાત્મા પણ અદૃશ્ય થઇ ગયા. પૂજા પૂરી કરીને બ્રાહ્મણ મંદિરમાંથી પાછો ફર્યો ત્યારે આકાશ ખુલ્લું હતું ને થોડું થોડું ચંદ્રનું તેજ બધે ફેલાયેલું હોવાથી માર્ગ પણ સાધારણ દેખાતો હતો.

બીજો પ્રસંગ અહીં જ ભરત મંદિરમાં લગભગ બેત્રણ વરસ પર બનેલો. મંદિરના એક મજૂરના પગે કૈંક વાગ્યું હતું. તેથી તે સારી રીતે ચાલી શકતો ન હતો. એક વાર તે મંદિરના કૂવા પાસે બેઠો હતો ત્યાં એક મહાત્મા આવ્યા. તેમણે એ મજૂરને કોઇ તૈયાર ઔષધિ લગાવી. તેના પ્રભાવથી મજૂરની બધી જ પીડા થોડી જ વારમાં દૂર થઇ ગઇ ને તે સંપૂર્ણ સ્વસ્થ થઇને ચાલવા માંડ્યો. હવે તે મજૂરને મહાત્માજીની શક્તિનું ભાન થયું. તે તેમની પાછળ દોડ્યો પણ મહાત્માજી તો ક્યાંય દેખાયા જ નહિ. થોડીવાર ચાલ્યા પછી તે અદૃશ્ય થઇ ગયા હતા.

એ પ્રમાણે બીજા પણ સિદ્ધ કોટિના સંતપુરુષો એ ભૂમિમાં વસતા હશે પણ તેમના દર્શન હવે દુર્લભ થઇ ગયા હશે. કોઇ અધિકારીને તેમની કૃપાથી કદીક તેમનું દર્શન થઇ જાય છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.