if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવીના આવેશવાળી બે ત્રણ સ્ત્રીઓ મહુવામાં મારી પાસે આવી ગઇ. દેવીના ભજન ગાતાં કે સાંભળતા તેમને કંપ થતો ને પછી દેવીના આવેશમાં તે ધૂણવા માંડતી. આવી એક સ્ત્રી મારી પાસે આવી. મેં કહ્યું, 'તમને માતા આવે છે ?'

તેમણે કહ્યું : 'પહેલાં વારંવાર આવતા. હવે નવરાત્રીમાં આવે છે. બીજી લીલા માતાએ પાછી ખેંચી લીધી છે.'

મેં પૂછ્યું : 'માતા આવે ત્યારે તમને શું અનુભવ થાય છે ?'

'પ્રકાશ દેખાય છે,' તેમણે જવાબ આપ્યો, 'ને પછી મા ખેલવા માંડે એટલે ભાન ભૂલી જવાય છે.'

પણ તેમની વાત મને સંતોષકારક ના લાગી. માણસની આંખ ને મુખાકૃતિ કદી છૂપી રહી શકતી નથી. તે દ્વારા તેમનું આખુંય હૃદય મૂર્ત થાય છે. ને તેમાંયે તે જો બોલવા માંડે તો તો તેના મૂળ સ્વરૂપની અભિવ્યક્તિમાં ઘણી જ મદદ મળે છે. મને લાગ્યું કે આ સ્ત્રીની વાતમાં પણ ખાસ તથ્ય નથી. પ્રભુની કૃપાથી ઇશ્વરી માર્ગની પ્રવાસી અથવા પ્રવાસી હોવાની દાવો કરતી કોઇ વ્યક્તિને જોતાંવેંત મારા દિલમાં એક પ્રકારનો ભાવ અથવા તો પડઘો ઊઠે છે. તેમના વિશે દિલ તરત નજર પડતાં જ સાક્ષી પૂરે છે. હજી સુધી એ ભાવ ખોટો પડ્યો નથી. તે જ કસોટી પ્રમાણે મને લાગ્યું કે બેનની વાત પાયા વિનાની છે.

તેમણે વાતવાતમાં કહ્યું કે, 'મારા પર ગુરુની કૃપા છે. મારા ગુરુ બહુ સમર્થ પુરુષ હતા. તે હાલ પંજાબ તરફ છે.' તે પછી તેમણે ગુરુએ આપેલ મંત્રની વાત કરી.

મેં કહ્યું : 'તમારી વાત પરથી તમારા ગુરુ સમર્થ હોય એવું લાગતું નથી. ગુરુ તરફની તમારી શ્રદ્ધા ને પ્રેમભાવના બતાવવા તમે તેમને સમર્થ કહી બતાવો તે ભલે, બાકી ગુરુ સાધારણ પણ હોઇ શકે, ને તેમના બતાવેલા સાધન પ્રમાણે સાધના કરવાથી શાંતિલાભ ન પણ થઇ શકે. સાચો ગુરુ, જો તે સમર્થ હોય તો સાધક કે સાધિકાની મનોવૃત્તિને પારખી લે છે ને તેને માટે ક્યો આદર્શ કે ઇષ્ટ સ્વાભાવિક છે તે ઓળખી લઇને તે જ પ્રમાણે મંત્ર આપે છે ને માર્ગ બતાવે છે. તમારા ગુરુ સમર્થ હોત તો તે તમારી દેવી પ્રત્યેની પ્રીતિને ઓળખી કાઢીને કૃષ્ણનો મંત્ર આપવાને બદલે દેવીનો જ મંત્ર આપત.'

બેને આ સાંભળી ખુલાસો કર્યો કે 'મને કૃષ્ણ ને દેવીમાં કાંઇ ફેર જણાતો નથી.'

મેં કહ્યું : 'બંને એક જ છે. પણ એ કેવળ બોલવાના નહિ પણ અનુભવવાના શબ્દો છે. દેવી અથવા તો શ્રી કૃષ્ણ બંનેમાંથી કોઇ એકનો તમને સાક્ષાત્કાર થશે ત્યારે જ તે શબ્દોનું રહસ્ય સમજી શકાશે. જ્યાં સુધી કોઇપણ એક રૂપને હૃદય ઝંખે છે, ને તેને જોવા ઇચ્છે છે, ત્યાં સુધી મનમાં તેની બીજા સાથે એકતા સમજવા છતાં, તેનું દર્શન થઇ શકે તેવી સાધના અપનાવવી જ જોઇએ.'

આ પછી કેટલીક વાતો થઇ. તેને અંતે મેં કહ્યું : 'લોકોને સાફ સાફ જણાવી દો કે મને દેવીનો આવેશ નથી આવતો. ને ગામડે ગામડે ફરીને દેવીને નામે બાધાઓ આપવાનું બંધ કરો. આ તો પ્રપંચ છે. આથી તો દેવીનો કોપ જ થશે. દેવીની કૃપા માટે તો પહેલાં સાચું જ કરવાનો ને બોલી બતાવવાનો સંકલ્પ કરો. તે પછી 'મા'નો પ્રેમ જગાવવા પુરુષાર્થ કરો. 'મા'ની ઉત્કટ મનથી પ્રાર્થના કરો. અંતરના ઊંડાણમાંથી 'મા'ને માટે પોકાર કરો ને પ્રાર્થો. 'મા'ના મધુર નામને દિનરાત રટ્યા કરો. 'મા' વિના બીજો કોઇયે પુરુષ કે પદાર્થ પર પ્રીતિ ના કરો. 'મા'નું દૂધ પીવા બાળક જેમ તલપાપડ બને છે ને બધું જ ભાન ભૂલીને આક્રંદ કરે છે તેમ તે દૈવી માતાને માટે તલસો ને તલપાપડ બનો. લોકોને નહિ પણ 'મા'ને જ ખુશ કરવાનો પ્રયાસ કરો. આ કાંઇ એક દિવસનો ખેલ નથી કે જેમતેમ એક દિવસ શરીરમાં કંપ કરીને માથું હલાવીને ધૂણ્યા એટલે બધું મળી ગયું. દિવસો, મહિના, વરસો ને જન્મોજનમની આ તો સાધના છે. પ્રામાણિકતા, નમ્રતા ને તલસાટથી તેને માર્ગે વળો તો શાંતિ જરૂર મળશે, ને 'મા'ની કૃપા પણ થઇ શકશે.'

'હવે મને પણ એ જ સાચું છે એમ સમજાય છે.' તે બેને કહ્યું : 'ને એટલે તો મને થાય છે કે બધું છોડીને ક્યાંક નર્મદાતટે કે બીજે જતી રહું. તમારી તરફ હિમાલયમાં કેમ ? ત્યાં મારાથી રહેવાય એવું છે કે નહિ ?'

મેં કહ્યું : 'હિમાલયમાં તમારાથી ના રહેવાય. ત્યાંનું વાતાવરણ તમને ના ફાવે. નર્મદા કિનારે પણ જવાની જરૂર નથી. તમારી ઉંમર હજી નાની છે એટલે પૂરતા પરિચય વિના કોઇની પણ પાસે રહેવા જવાની જરૂર નથી. તેવા સાહસથી મુસીબતમાં વધારો થશે. અત્યારે તો સ્ત્રીઓને ફસાવનારા પુરુષો ને સાધુઓ ઘણાં ફરે છે. તેવી સ્ત્રીઓ પણ ઘણી છે જે તેમને મદદ કરે છે. આવા કોઇ માણસોના હાથમાં કે કોઇ લોહીનો વેપાર કરતી ટોળીના હાથમાં ફસાઇ જશો તો નરક યાતનામાં પડી જશો. તમે હજી દુનિયા જોઇ નથી. તમારું દિલ ખૂબ ભોળું છે. એટલે સારામાં સારો ઉપાય એ જ છે કે ભાઇની દેખરેખ નીચે તમે ઘરમાં જ રહો ને ભક્તિ કરો. મહિના બે મહિના ક્યાંક વ્યવસ્થા હોય તો ભલે જવું પરંતુ વધારે ભાગે તો ઘરમાં જ રહેવું, દેવીના આવેશની વાત બંધ કરવી, ને પવિત્ર દિલથી, કપટ છોડી, 'મા'ની ભક્તિ કરવી.'

દેવીના આવેશવાળી જે બેત્રણ સ્ત્રીઓ મારી પાસે આવી ગઇ તે બધી સામાન્ય હતી. તોપણ કેટલાક શ્રદ્ધાળુ માણસો પર તેમનો ખૂબ જ પ્રભાવ હતો. હંસ જેમ દૂધ અને પાણીને છૂટાં કરીને દૂધને અપનાવે છે ને પાણીને છોડી દે છે તેમ સાચા ને ખોટાંને પારખી તેને છૂટાં પાડી, સત્યને અપનાવનારા અને અસત્યને દૂર કરનારા માણસો - કહો કે હંસપુરુષો સંસારમાં થોડાં જ છે. તેવાં માણસો જેમ જેમ વધશે તેમ તેમ સમાજ કે સંસારમાંથી અસત્યની પ્રતિષ્ઠા ઓછી થશે ને સત્યની સ્થાપના વધવા માંડશે. સંસારના સાધારણ માણસોને માટે નહિ પણ ઉચ્ચ કોટિના સાધકો કે ઇશ્વરી પંથના પ્રવાસીઓ માટે પણ એવી હંસદૃષ્ટિ ઉપયોગી છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.