if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહુવામાં એક દિવસ ધ્યાનમાં સિદ્ધ મહાપુરુષને મેં પૂછ્યું : 'મા'નું સાક્ષાત દર્શન આ ડીસેમ્બરમાં જ થશે ને ?'

તેમણે કહ્યું, 'હા, ડીસેમ્બરમાં.'

'નક્કી ક્યો દિવસ ?' મેં પ્રશ્ન કર્યો.

તેમણે કહ્યું, '૧૪ ડીસેમ્બર.'

'દિવસે કે રાતે ?'

તેમણે કહ્યું, 'રાતે.'

એ પછી આસો વદી દસમ ને સોમવારે બપોરે આંતરજગતમાં દેવર્ષિ નારદનું દર્શન થયું.

મેં કહ્યું, 'મા'નું સાક્ષાત દર્શન ?'

નારદજીએ કહ્યું, '૧૪ ડીસેમ્બર.'

'દિવસે કે રાતે ?'

'રાતે.'

'કેટલા વાગે ?' મેં પૂછ્યું.

'તે નહિ કહું.' તેમણે જવાબ આપ્યો.

એ અનુભવોને પરિણામે નવી આશા પ્રકટી ને મારી બધી જ સુરતા ૧૪મી ડીસેમ્બર પર એકાગ્ર બની. ડીસેમ્બર શરૂ થાય તેના એક બે દિવસ પહેલાં જ અમે સરોડા પહોંચી ગયા ને મારા દિવસ ત્યાંના શાંત આનંદમય ગ્રામજીવનમાં પ્રાર્થના ને આશામાં વીતવા માંડ્યા.

૧૪ ડીસેમ્બરના ઉપલક્ષમાં 'મા'ને દ્વારે પ્રાર્થના કરી. 

૧૪મી ડીસેમ્બરે સવારથી જ મન આનંદમય હતું. રાત પણ આવી ગઇ, ને પાછી સવાર આવી, પણ બીજા બધા જ દિવસની જેમ ૧૪મી ડીસેમ્બરનો દિવસ પણ મિથ્યા ગયો. દિવસો મિથ્યા જવાના પ્રસંગો આવી રીતે અનેકવાર બન્યા છે. એટલે જ મારા દિલમાં વધારે દુઃખ કે નિરાશાની લાગણી પ્રકટ ના થઇ. 'દિવસ મિથ્યા જવાનું કારણ એ જ હોઇ શકે કે હજી 'મા'ની પૂર્ણ કૃપાના દિવસને વાર છે.' એમ માનીને પાછલા કેટલાક સમયથી સમાધાન મેળવી લેવાની વૃત્તિ મને મળી હતી. તે પ્રમાણે આ વખતે પણ મેં સમાધાન મેળવી લીધું. આધ્યાત્મિક સાધનપંથના પ્રવાસીએ સતત પુરુષાર્થી થયા વિના છૂટકો નથી. નિષ્ફળતાથી નાહિંમત કે નિરાશ થયા વિના ને વિપત્તિ કે દુઃખથી ડર્યા વિના તેણે સાધના કરતા જ રહેવું જોઇએ. સૂરજ જેમ ઉગતાં થાકતો નથી, ને ગંગાના પાણીનું સંગીત ખૂટતું નથી, તેમ સાધકને સાધનાનો થાક લાગવો ના જોઇએ, ને કોઇયે દશામાં ને કોઇયે કાળે, અંતરની આકાંક્ષાની ભાવગંગાનું તેનું ઉત્સાહગીત પણ ખૂટવું જ ના જોઇએ. 'મા'ની યોજનામાં કોઇ ને કોઇ હેતુ જરૂર રહેલો છે અને એક ધન્ય દિને 'મા'ની કૃપા મારા પર જરૂર વરસી જશે, એ શ્રદ્ધા મારા દિલમાં પ્રચુર માત્રામાં ભરેલી હતી. છતાં મેં પ્રાર્થના કરી કે હે મા, હવે તો તમારી કૃપા જલદી જલદી વરસી જવી જોઇએ. 'મા' જેમ પોતાના શિશુની સંભાળ લે છે તેમ તમારે મારી સંભાળ હવે જલદી જલદી લેવી જોઇએ. હજી ડીસેમ્બરના બીજા પંદર દિવસ બાકી છે તો તમારી કૃપા તે દરમિયાન જરૂર જરૂર કરી દો ને મારી લાંબી વેદનાનો સુખદ અંત આણો.

મારી પ્રાર્થના રોજેરોજ ચાલુ જ રહી.

ડીસેમ્બર માસ એવી રીતે સાધનારત દશામાં પૂરો થઇ ગયો. તે દરમ્યાન ચિંતા, વેદના ને પુરુષાર્થ ચાલુ રહ્યાં. હજી સાધનાની પૂર્ણતા માટે તલસવું બાકી હતું. પણ હતાશ થયે શું વળે ? પૂરા પ્રેમ ને ઉત્સાહથી આગળ ને આગળ વધ્યે જ છૂટકો હતો. ને તે પ્રમાણે મેં આગળ વધવા માંડ્યું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.