Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગયા વખતની જેમ આ વખતે પણ લાંબો સમય ઋષિકેશમાં જ રહેવાનું થયું. પરિણામે મને ખાતરી થઈ કે ઋષિકેશનું સ્થાન પણ સુંદર ને સાધના કરવા માંગનારને માટે અનુકૂળ છે. ગંગાનો રમણીય વિશાળ પટ ને નાના સુંદર લીલાછમ પર્વતો એ સ્થાનની શોભામાં મુખ્ય ભાગ ભજવે છે. હિમાલયની એ પ્રારંભિક કે પ્રતિનિધિ જેવી ભૂમિમાં આજે પણ કેટલાક સારા ને સાચા સંતો નિવાસ કરે છે ને કોઈ પણ જિજ્ઞાસુને તેમના દર્શનનો લાભ મળી શકે છે. એ અલૌકિક ભૂમિમાં ભરત મંદિરનું સ્થાન મને ઘણું અનુકૂળ લાગ્યું ને તેથી તે સ્થાનમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અમે આનંદપૂર્વક નિવાસ કર્યો.

શ્રાવણ મહિનામાં એકવાર જમ્યા છતાં સાધનાની સફળતા બાબત કોઈ સમાધાન મળ્યું ન હતું, એટલે 'મા'ની કૃપા માટે નવરાત્રિના પવિત્ર દિવસોમાં કેવળ પાણી પીને વ્રત કરવાનો નિર્ણય કર્યો. આજ સુધી એવાં વ્રતો કેટલાંય થઈ ચૂકેલાં. છેલ્લા છ વરસમાં એવા ઉપવાસ ઉપરા ઉપરી થયા હતા. કોઈક જ વરસ લાંબા કે ટૂંકા ઉપવાસ વિના ખાલી ગયેલું. છતાં જે હેતુ માટે ઉપવાસ કે વ્રત થતાં હતાં તે જગદંબાની કૃપા હજી પૂર્ણપણે થઈ ન હતી.

પણ તેથી શું ? સારું કે નરસું જે પણ કરવામાં આવે છે તેનું ફળ વહેલું કે મોડું જરૂર મળે છે, એ શ્રદ્ધા મારા દિલમાં કાયમ હતી. મને ખાતરી હતી કે સાધનાની સિદ્ધિને માટે કરેલો પ્રત્યેક પ્રયાસ ઈશ્વરના દરબારમાં નોંધાઈ જશે અને આજે નહિ તો કાલે પણ તે પ્રયાસોનું સરવૈયું નીકળતાં મારી ઈચ્છા જરૂર પૂરી થશે. આમ ના હોય તો ઈશ્વરની દુનિયા ચાલે જ નહિ. એમાં અવ્યવસ્થા ઊભી થાય. સાધકે આ વાત ગાંઠે બાંધી લેવાની છે. હૃદયના છુપામાં છુપા ખૂણામાં ઉત્પન્ન થતી ઘર શોધતી સાધારણ જેવી નિરાશાને પણ તેણે દૂર કરવાની છે અને આશા, શ્રદ્ધા ને હિંમતને હંમેશા ધારણ કરવાની છે. યોગ્ય શક્તિના અભાવને લીધે કેટલીય નાવ મધદરિયામાં ડૂબી જાય છે, તેમ શ્રદ્ધા ને આશાની મદદ વિના કેટલાય સાધકો અધવચ્ચે જ અટકી જાય છે ને સાધનાની આખરી મંઝિલે પહોંચી શકતા નથી. 'મા'ની મહાન કૃપાથી મારા દિલમાં શ્રદ્ધા, આશા તથા ઉત્સાહની જ્યોતિ નિરંતર જલતી રહી છે, ને તેના પૂણ્યમય પ્રકાશથી પ્રેરિત થઈને મેં મારી જીવનયાત્રા સદાય ચાલુ રાખી છે. એ જ પ્રકાશથી  પ્રેરીત થઈને નવરાત્રિના પવિત્ર દિવસોમાં ને પાણી પર રહીને ફરી ઉપવાસ શરૂ કર્યા. પહેલાંના બીજા ઉપવાસોની જેમ એ ઉપવાસ પણ 'મા'ની કે ઈશ્વરની પ્રેરણાના ફળરૂપે જ શરૂ થયા. તેની ઊડતી નોંધ અહીં રજૂ કરું છું જેથી એ દરમ્યાન જે ભાવના હતી તેનો પરિચય મળે.

ઉપવાસ દરમ્યાન આબોહવા ખૂબ અનુકૂળ રહી. જો કે આ વરસે અધિક માસ ગયો હતો, એટલે નવરાત્રીની શરૂઆતથી ઋતુ બદલાઇ ગયેલી દેખાતી. છતાં ઠંડીને શરૂ થવાને વાર હતી. એટલે ઉપવાસના દિવસો સારી રીતે વીતી ગયા. ઉપવાસ દરમ્યાન શારીરિક નિર્બળતા વધે એ દેખીતું છે. પરંતુ જીવન કાંઇ તેનો જ વિચાર કરીને બેસી રહેવા માટે નથી. શરીરને સબળ ને ભારેખમ બનાવવું ને તેમાં જ સંતોષ માનીને બેસી રહેવું એ જ કાંઇ જીવનનું સાચું ધ્યેય નથી. શરીરને વધારે કિંમતી બનાવનારી બીજી ઘણી વસ્તુ શરીરની અંદર રહેલી છે ને તેની ઉન્નતિ વિશે પણ માણસે વિચારવાનું છે. ફક્ત શરીરનો વિચાર કરીને બેસી રહ્યા હોત તો ધ્રુવ ને વિશ્વામિત્ર તથા નરસી ને તુકારામ તેમજ પાર્વતી જેવા પ્રાતઃસ્મરણીય સ્ત્રીપુરુષો જીવનમાં પરમ કઠિન તપવ્રત કરીને ઉત્તમ આત્મબળ ને ઇશ્વરકૃપાના ધનની પ્રાપ્તિ કેવી રીતે કરી શક્યાં હોત ? પણ ના, જીવન ફક્ત ભોગને માટે નહિ, પણ યોગને માટે પણ છે. ત્યાગ ને તપશ્ચર્યા પણ જીવનનું આવશ્યક અંગ છે. શરીરની શક્તિની સાથે સાથે આત્મશક્તિની અગત્ય પણ જીવનમાં છે - કહો કે સૌથી વધારે છે.

ઉપવાસ દરમ્યાન માતાજીને પોતાને માટે રસોઇ બનાવી લેવી પડતી. એ તેમને માટે પણ કાંઇ ઓછી તપસ્યા ન હતી. છતાં કેટલાંક વરસથી આ બાબતમાં તે ટેવાઇ ગયેલાં એટલે ખાસ ચિંતા ન હતી. રસોઇ બનાવવાનું કામ તે ખૂબ પ્રેમથી કરી લેતાં. તેમની ધીરજ, સમજ ને શ્રદ્ધા અજબ હોવાથી તે આનંદમાં જ રહેતા. મારું કામ જલ્દી સફળ થાય એવી પ્રાર્થના પણ કર્યા કરતા, ને બધી રીતે મદદરૂપ થતાં. છેલ્લાં પાંચ છ વરસથી મારે જે કઠોર સાધના કરવી પડેલી તેનાં તે સાક્ષી રહ્યાં છે એટલે મારા માર્ગને તે સમજતાં ને બધી રીતે અનુકૂળ બનતાં. એ બાબત તેમની જેટલી પણ પ્રસંશા કરીએ તે ઓછી છે. તેમનું હૃદય ખરે જ મહાન ને પવિત્ર છે.

ઉપવાસના અનુસંધાનમાં મેં મારી પ્રાર્થના ચાલુ જ રાખી. તે તો પૂર્ણ સફળતા ના મળે ત્યાં સુધી ચાલુ જ રહેવાની હતી.