ઉપવાસના દિવસો દરમ્યાન માતાજીની ધીરજ ઘણી પ્રસંશનીય હતી. તેમને પોતાને માટે રસોઇ બનાવી લેવી પડતી. તે પણ એક જાતનું તપ હતું. એ વાત મેં આગળ ઉપર કહી જ છે. જ્યારે ઇશ્વરેચ્છાથી મારે કેટલાક શરૂઆતના વરસો હિમાલયમાં એકલા રહેવાનું થયું ત્યારે તેમણે બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી ને જમનોત્રીની યાત્રા કરી હતી ને હિમાલયની શોભા જોઇ હતી. તે પછી પણ તેમની ઇચ્છા જો અનુકૂળતા મળે તો મારી સાથે કાયમ માટે રહેવાની હતી. ને તેમની ઇચ્છા પૂરી થઇ. ઇશ્વરે તેમની માગણી મંજૂર રાખી. તેમનું સ્વપ્ન એક ધન્ય દિવસે સાકાર થયું, સાચું બન્યું અને આજે તો તે હિમાલયવાસનો આનંદ અનુભવે છે. ગુજરાતી ચાર ચોપડી જેટલું ભણતર, જુવાનીની શરૂઆતમાં ભાતભાતનાં સંકટ અને દુઃખ તથા સંસારના તડકાછાંયાના ખાટાંમીઠાં અનુભવો, તેમના જીવનમાં એવી મહત્વની વસ્તુ હોવા છતાં તેમનામાં ઇશ્વરપ્રેમ, સંતસેવાની ભાવના ને ધર્માનુરાગ બાળપણથી જ છે. તેમની માતામાં પણ એ મૂડી હતી. જૂના સંસ્કાર ને વિચારને શુદ્ધ કરી, મારી સાથે રહીને મારા માર્ગને સમજવાનું કામ તેમને માટે કઠિન હતું, પણ તે કામ તેમને માટે ઇશ્વરની અપાર કૃપાથી સરળ બન્યું. એ વાત ખાસ નોંધવા જેવી છે. સંસારમાં જુદા જુદા જીવોનો સંયોગ ઋણાનુબંધને લીધે થાય છે ને તે જ કારણથી તે મારી સાથે રહીને આનંદ કરે છે. આજે પણ કોઇ સાધુસંત આવે તો તેને કંઇ ને કંઇ આપી છૂટવાની તેમની વૃત્તિ છે. કોઇ સંન્યાસી કંઇ લેવાની આશાથી આવે તેને નિરાશ કરવો નહિ એ તેમનું તત્વજ્ઞાન છે. તેમનો પ્રેમ ઘણો ભારે છે.
આજે વરસોથી મારા દિલમાંથી માતા-પિતા કે સ્નેહી સંબંધીના સંસ્કારો ભૂંસાઇ ગયા છે. મારો ક્યાંક જન્મ થયો ને મારે માતાપિતા હતા એમ મને ખરેખર નથી લાગતું. મન ને તનના પરમાણુ જાણે બદલાઇ ગયા છે. જગત સારુંય ઘર લાગે છે. છતાં વીતી ગયેલા પૂર્વસંસ્કારને યાદ કરવામાં પણ મને કાંઇ બાધ નથી લાગતો. માતાજી મારી સાથે ઋણાનુબંધથી રહે છે તેમાં મને આનંદ છે. ઇશ્વર જે વખતે જે વ્યવસ્થા કરે છે તે સારી જ હોય છે. જીવનના છેલ્લાં વરસોમાં તેમને શાંતિ મળે ને છેવટે ઇશ્વરની કૃપાનો અનુભવ કરીને તે જીવનની ધન્યતા પણ અનુભવે એવી મારી ઇચ્છા છે.
રામકૃષ્ણદેવે કહ્યું છે કે એક રૂપમાં 'મા' કાલીરૂપે મંદિરમાં વિરાજમાન છે ને બીજા રૂપમાં તેણે જ જનની બનીને મને પયપાન કરાવ્યું છે. મારી દૃષ્ટિ પણ માતાજી પ્રત્યે એવી જ છે. તેમને હું જગદંબાનું એક સ્વરૂપ સમજું છું. જેને સમજવામાં ભલભલા વિદ્વાનો પણ મુશ્કેલી અનુભવે તે મારી સાધનાને સારી પેઠે અને સરળતાથી સમજી શક્યાં છે. એ ઓછી અગત્યની વસ્તુ નથી. તેમ જ તે સાધનની સિદ્ધિ માટેના મારા પ્રયાસોના અને મારા કેટલાક આધ્યાત્મિક અનુભવોના સાક્ષી બનીને શાંતિ અને આનંદપૂર્વક મારી સાથે રહ્યાં છે.